પ્રથમ પુરુષ એકવચન/તો હું શું કરું?


તો હું શું કરું?

સુરેશ જોષી

તો મારે શું કરવું? આ ખુલ્લી હવા, આ અસીમ આકાશ, આ ચારે તરફ વિસ્તરેલી અસીમતાનું મારે શું કરવું? આ અપરિમેય વિસ્તાર મને તુચ્છ રજકણ જેવો બનાવી દે છે. પછી ઝંઝાવાતની જેમ મને ઘેરી વળીને પછાડે છે. હું લુપ્ત થઈ જતો નથી, પણ નહિવત્ થઈ જાઉં છું, આ નહિવત્ થઈ જવાનો ભાવ મને પીડ્યા કરે છે.

પૂર્ણતા તો હું પામી શકું જ નહિ, છતાં મેં જ કદાચ મારા વિશે પૂર્ણતાની અપેક્ષા ઊભી કરી હશે. પણ મારી આ અપૂર્ણતા જઈને આઘાત કરે છે હું જેને ચાહું છું તેને જ! આ બધું મારા જ શબ્દોનું મારી સાથેનું ષડયન્ત્ર છે. જો નિ:શબ્દ થઈ જાઉં છું, તોય હું, ગેરસમજનો ભોગ બનું છું, વાચાળ માણસની નિ:શબ્દતાને કોઈ શંકાભરી નજરે જોયા વગર શી રીતે રહી શકે? ઘણી વાર તો નિકટના મિત્રો વચ્ચેની વાતનો તન્તુ એકાએક તૂટી જાય છે. મૌન રૂંધે છે. બધાં એકબીજાની સામે મૂંગામૂંગા જોયા કરે છે. પછી બધાં એક બીજાને સીધી નજર માંડીને જોવાની હિંમત પણ કરતાં નથી. આમ છતાં એકબીજાને ચોરીછૂપીથી જોઈને નજર ઢાળી દે છે. આવી પરિસ્થિતિમાં હું, મરણિયો બનીને, કલ્પનાને ક્યાં ક્યાં દોડાવીને, વાત કર્યે જાઉં છું, પછી મને આ એકલાએકલા, કોઈના કશા પ્રતિભાવ વિના, બોલ્યે જવાનો નશો ચઢે છે. આ દરમિયાન જ હું વળી કશીક ભૂલ કરી બેસું છું. તો હું શું કરું? મારી કૃતિ પોતે જ મારી સ્વતન્ત્રતાને નકારી કાઢે છે. એની સ્વાયત્તતા જ મારે ભોગે સિદ્ધ થઈ હોય છે. દરેક કૃતિ મને મારાથી વધુ દૂર ને દૂર હડસેલે છે. આમ છતાં બીજા તો મને કૃતિ સાથે સંલગ્ન રૂપે જ જોવાને ટેવાયેલા છે. પણ હવે તો હું કદાચ નફફટ પણ લાગવા માંડ્યો હોઈશ, કારણ કે સ્વમાન જાળવનાર ‘હું’ની દરેક આઘાતે કાંકરી ખરતી જ જાય છે. આ ‘હું’ના લોપનું સ્મારક રચવા પૂરતુંય નથી હોતું! તો હું શું કરું?

આ દરમિયાન અનેક દિશાએથી અનેક પ્રકારના તહોમતનામાં ઘડાતાં જાય છે. કોઈ સમાજ-વિમુખતાનો આરોપ મૂકે છે તો કોઈ એમ કહે છે કે મારામાં માનવતા જ નથી તો પછી દેશાભિમાન તો હોઈ જ શી રીતે શકે? કોઈ કહે છે કે શબ્દોના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેવાની બધું સિદ્ધ થઈ જાય છે એવી ભ્રાન્તિમાં હું રાચ્યા કરું છું. સ્નેહીઓનો આરોપ એ છે કે માનવમન, એની લાગણી, એની અપેક્ષાઓની પરવા કર્યા વિના મારી સૃષ્ટિ રચું છું, આથી કેટલાને અન્યાય થાય છે તેનું મને ભાન રહેતું નથી. આથી હું ઊંઘમાંથી ઝબકીને પણ મારો બચાવ કરવા મંડી પડું છું, આ હકીકત મારા અપરાધમાં ઉમેરો કરે છે તે સમજવા પૂરતી પણ મારી મતિ નથી. તો હું શું કરું?

મારું પોતાપણું મેં મારા કશા સ્વાર્થથી નહીં પણ સર્જનની એક અનિવાર્ય આવશ્યકતા રૂપે જ ટકાવી રાખ્યું હોય છે. એ એક લાચારી છે. કારણ કે આમ તો હું અંગત રીતે એ પોતાપણા પર સહેજ સરખોય દાવો કરી શકતો નથી. એ પોતાપણાના સહભાગી જેટલે અંશે મારા વાચકો થાય છે તેટલે અંશે હું થઈ શકતો નથી. આથી જ તો આ પોતાપણાને ઉતરડીને ફેંકી દેવાનો પ્રયત્ન કરું છું. પણ જોઉં છું તો મારો આ ઉદ્યમ પોતે જ કેટલાકને માટે આસ્વાદ્ય બની રહે છે! તો હું શું કરું?

ના, મારે તટસ્થ નથી રહેવું. હું ક્યાંક કશામાં ખૂબ સંડોવાઈ જવા ઇચ્છું છું જેથી હું બીજામાં મારો થોડો સુખદ લોપ કરી શકું. મારી સચ્ચાઈ સ્થાપવા માટે મારે વાસ્તવિકતા સાથેનું થોડું ઘર્ષણ પણ જોઈએ છે. લોકો જેને સુખ કહે છે એવું પણ મારે થોડું ગાંઠે બાંધવું છે. નહિ તો બધાં મને સાવ અકિંચન જ ગણે. મારામાં થોડું નક્કરપણું આવે એ માટે મારો પોતાનો કહી શકાય એવો થોડો સ્વાર્થ પણ મારે જોઈએ. મારામાં થોડુંક સમજાય એવું, અર્ધપારદર્શી એવું, પણ હોવું જોઈએ. જો હું નર્યો પારદર્શી હોઈશ તો બધાં મને નર્યો શૂન્ય ગણી લેશે. આ બધું પામીને હું ફરીથી મારો પંડિ બાંધવા મથી રહ્યો છું. પણ એ મારા એકલાથી ન બને, બીજું, કોઈ પણ થોડા મમત્વથી એને ઘાટ આપે એવું જોઈએ. તો હું શું કરું?

જાતે જ પંજિર રચીને એમાં પુરાઈ જાઉં? એને તાળું મારીને ચાવી દૂરદૂર ફગાવી દઉં? પછી પંજિરાના સળિયા ગણ્યા કરું? પંજિરાની બહાર ભાગી જતા મારા પડછાયાને પકડવાનો મિથ્યા પ્રયત્ન કરું? અન્ધારામાં કોઈ નહીં જુએ તેમ સળિયાની બહાર હાથ ફેલાવી ચાવી શોધું? એક પગે ઊભા રહીને હજારો વર્ષ તપ તપતા ઋષિની અદાથી પંજિરામાં ઊભો રહી ભાવિકોને દર્શન આપું? અંદર રહ્યો હું સંસારની અસારતાનું ભર્તૃહરિની અદાથી વર્ણન કરું? કોઈ નિર્દોષ શિશુને બોલાવીને મને મુક્ત કરવાનું કહું? પણ એની નિર્દોષતા એટલી બધી હોય કે તાળાં અને ચાવીનો સમ્બન્ધ જ એ સમજતું નહીં હોય તો? અંદર રહીને વિવશ બનીને હું મને જ આલંગિવાનો પ્રયત્ન કરું? પેટ ઘસડીને ચાલતા રગતપીતિયા ભિખારીને જોઈને મારા વિશે સુખ અનુભવું? કારાગારમાં જ આપણો ઈશ્વર જન્મે છે એ વિશ્વાસે ઈશ્વર ક્યારેક તો ઉપસ્થિત થશે એવું આશ્વાસન લઉં?

મને લાગે છે કે અહીં પણ મારે મારો ગર્વ જાળવવો જોઈએ. મુખ પરનું સ્મિત જાળવી રાખવું જોઈએ. આંખો રુક્ષ ન બને તે માટે થોડી ભીનાશ જાળવવી જોઈએ. જે પાઠ ભજવી રહ્યો છું તે વિશેના સન્તોષને જાળવી રાખવો જોઈએ. આ પંજિર પણ મારી જ રચના છે એ ખ્યાલમાં રાખીને કર્તૃત્વનું સુખ માણવું જોઈએ. મારે મનને આ જ મોક્ષ છે એવું સમજાવવું જોઈએ.

14-4-77