પ્રથમ પુરુષ એકવચન/બાળપણનો ખોવાયેલો શબ્દ


બાળપણનો ખોવાયેલો શબ્દ

સુરેશ જોષી

થોડાક શબ્દો ગન્ધકની જેમ હોઠ પર ચચરી ઊઠ્યા છે. એને શીતળ કરવા માટે હું કશાકની શોધમાં છું. આંસુમાં દઝાડે એવો તેજાબ છે. મૌન પણ સુરંગના જેવું છે. ક્યારે એનો સ્ફોટ થશે તે કહેવાય એમ નથી. સમયની એક ક્ષણને ખાલી કરી નાખું છું. તો એના હાડમાં રહેલો ફોસ્ફરસ સળગી ઊઠે છે, કેટલાક શબ્દો પાગલ થઈ ગયેલા ઘોડાની જેમ દોડે છે. હવે એને લગામથી નાથવાની વેળા ચાલી ગઈ છે. દોડતી અગ્નિશિખા જેવો એ અશ્વ, હવે એની કેશવાળી ઝાલીને કોણ એને રોકશે?

ઇચ્છા તો હતી પયગમ્બરી વાણી ઉચ્ચારવાની, પણ જેને બુદ્ધની અવિક્ષુબ્ધ શાન્તિ માનતો હતો તે ભારેલો અગ્નિ નીકળ્યો. બાળપણમાં કાન માંડીને મધુમાલતીની સુવાસને સાંભળી હતી; એકાએક પવન આવતાં પીપળો જે એકસામટું બોલી જતો તે પણ સાંભળ્યું હતું. રાતે દીવેલના કોડિયાની જ્યોતની એકસરખી ધીમી સ્વગતોક્તિ ક્યાં સુધી સાંભળ્યા કરી છે. થોરનાં કઠોર વ્યંજનો, પારિજાતનાં કોમળ અનુનાસિકો અને કૂવાના થાળામાં કોશે ઠાલવેલા જળમાંથી ઊછળતા સ્વરોને ભેગા કરીને જે રચ્યું હતું તે હજી ક્યાંક તળિયે અકબંધ છે એવું મને લાગે છે. પણ કદાચ એ બધું શોધવાનોય હવે સમય રહ્યો નથી.

કોઈક વાર કોઈ અજાણ્યા કવિની પંક્તિ વાંચતાં બાળપણનો ખોઈ નાખેલો શબ્દ એકાએક જડી જાય છે. મૂંગા પથ્થર પર મૂંગા થઈને બેસી રહેવું. પવનથી રણઝણી ઊઠવું, વિશાળ વડની છાયામાંથી થોડા શબ્દો ઉપાડી લેવા, છાયાના આચ્છાદનવાળા શીળા પ્રકાશને આંખમાં આંજી લેવો, વહેતા જળની ચંચળતા આંખને અણિયાળે સાચવી લેવી, ગ્રીષ્મને અન્તે જળ માટે તરફડતાં ખેતરોની ચીસ સાંભળીને વિહ્વળ થઈ ઊઠવું, સવારે કશાક અજાણ્યા ભારથી દબાઈ જઈને અકારણ ગમ્ભીર થઈ જવું – આ બધું ક્યાંક હજી સંચિત થઈને રહ્યું છે.

ત્યારે જે શબ્દો અજાણ્યાં નામહીન વન્ય ફળ જેવા હતા, જેને કુતૂહલથી ચાખ્યે જવાનો આનન્દ થયો હતો તે શબ્દો આજે છે ખરા પણ એનો સ્વાદ બદલાઈ ગયો છે. બોલતાં જ જીભ બળે છે. અકારણ આંખમાં પાણી આવી જાય છે. આ બધાં વીતેલાં વર્ષોમાં શબ્દો પોલા થતા ગયાં છે. એમાં ક્ષાર જામતો ગયો છે. આથી એમાં કટુકષાય એવું કશુંક ભળતું ગયું છે. બાળપણમાં તો એ શબ્દોમાં મધરાતે ફરતા દાદાના રેંટિયાનો ગુંજારવ હતો. શિશુ હોઠેથી રટાતા વિષ્ણુસહસ્ર નામનો રણકાર હતો. હવે શબ્દોના પોલાણમાં પિસ્ટનનો અવાજ છે, સાયરનના પડઘા છે, મશીનગનનો ઉદ્ધત કર્કશ પડઘો છે.

હૃદય કશીક જાંબુડી વેદનાના હાડને ચૂસતું બેસી રહે છે, આંખ સરી જતી છબિઓને પકડી રાખવા પાછળ દોડે છે. શ્વાસ આખા આકાશને સંકોચીને મારા ફેફસાંમાં ભરાવા જાય છે. પગ હિમાલય ચઢ્યાનો ઢોંગ કરીને થાકીને બેઠા છે. શબ્દો માળાના મૂંગા જાપ જેવા ફર્યા કરે છે. ગઈ રાતનો સ્વપ્નનો રંગ પ્રભાતના ઝાકળમાં ધોવાઈ ગયો છે. ઘાસના તાણાવાણાથી વણાયેલો થોડો અવકાશ ઉકેલાતો આવે છે.

કોઈ વાર મારા શરીરને પડ્યું રહેવા દઈને હું દરિદ્રોની દરિદ્રતા વચ્ચે જઈને વ્યાપી જાઉં છું. ફાટેલાં વસ્ત્રોનાં છિદ્રો અને અંગ પરની મલિનતા, શિશુઓના ગાલ પરનાં વણલૂછ્યા આંસુની ખારાશ, આંખોમાં ચચરતો રોષ, ભૂખમરાને વેઠીને ધીમે ધીમે માનવી મટતા જવાનું આશ્વાસન – આ બધું મારામાં આત્મસાત્ થઈ જાય છે. મારો દરેક કોળિયો આ બધાનો સ્વાદ જીભ પર મૂકી જાય છે. વાંઝણી સહાનુભૂતિનો ભાર મારું હૃદય વેંઢાર્યા કરે છે. આખરે આ શરીરમાં પાછો ફરું છું. શરીર વર્ષાના શીતળ સ્પર્શના સુખની વાત કરે છે. મારા હોઠ પર ટપકેલું વર્ષાનું બિન્દુ કડવાશને ધોઈ શકતું નથી. આ વેદના બાકીનાં વર્ષોમાં ઉલેચી નાખી શકાય એવી નથી. એક વર્ષનું માપ મારી અપરિમેય વેદનાને કારણે બદલાતું નથી.

તાપીનાં જળ ડખોળેલાં તેથી મારા ચરણને હજી જળના કલરવની સ્મૃતિ છે, શ્વાસને હજુ એની શીતળતાનો પાસ બેઠેલો છે. માનવીનું પોત અર્ધું મરણનું ને અર્ધું ભ્રમણનું બનેલું હોય છે. ભ્રમણ કરીને પાછા વળીએ છીએ ને બારણું ખોલીએ છીએ તો તરત નિષ્પલક ચરણની સાથે દૃષ્ટિ મળે છે. પછી એ અંધારામાં ભળી જાય છે. એ મરણ આપણી વેદનામાંથી જ રચાતું રહે છે. માટે જ તો એની આપણી સાથેની આત્મીયતાને નકારી કાઢી શકાતી નથી.

હૃદયની વસતિ સપ્તરંગી ને વિભિન્ન છે. વિચારોનાં ભૌમિતિક ચોસલાં છે. થોડી ભૂતાવળો છે. લીલાં લીલાં સ્વપ્નો છે. વણઉચ્ચારાયેલા શબ્દોના નિ:શ્વાસ છે. સખ્તાઈથી મહાપરાણે બીડી રાખેલા હોઠની કઠોરતા છે. અણસમજનું અભેદ્ય ધુમ્મસ છે અને તેથી જ હૃદયના નેપથ્યમાં જવાનું સાહસ એકદમ થઈ શકતું નથી.

મરણના ઓછાયાને સ્પર્શી આવ્યા પછી નવી વેદનાના આપણે અધિકારી બનીએ છીએ. એ વેદનાની સાથેનું મોંજોણું રાવજીએ એની કવિતામાં વર્ણવ્યું છે. મણિલાલ રાતની વાત કરતાં કરતાં એ કહી ગયો છે. શાન્તિના પારાવારમાં રવીન્દ્રનાથ તો નિશ્ચિત બનીને ગયા પણ આ બે કવિઓ તો હજી એવી શાન્તિને ક્યાં પામ્યા જ હતા. હજી તો ઉધામાનો, ચંચળતાનો સમય હતો. ભૂલો કરવાનો અધિકાર પણ પૂરો ભોગવ્યો નહોતો. પસ્તાવાનું પર્વ ઘણું દૂર હતું. ગીતમાં પણ દાહકતા હતી. અર્ધા બોલે ઝડપાઈ ગયેલા આ કવિની વાણીની સુગન્ધ આ તૃણાંકુરમાંથી નીતરી રહી છે. એને સૂંઘતાં સૂંઘતાં આંખે ઝાંખ વળે છે, સૃષ્ટિ જુદું રૂપ ધારણ કરે છે.

22-8-80