પ્રથમ પુરુષ એકવચન/વર્ષાની દીક્ષા


વર્ષાની દીક્ષા

સુરેશ જોષી

અવિરત વૃષ્ટિધારાથી કોઈ વૃક્ષનાં મૂળનો ધરતી સાથેનો સમ્બન્ધ શિથિલ થઈ જાય અને એ પડું પડું થઈ રહે એવી કંઈક અત્યારે મારા મનની સ્થિતિ છે. પરિસ્થિતિની સમજ વિષાદ પ્રેરે છે. આમ તો ચારે બાજુ વર્ષાનો ઉલ્લાસ છે. ચંચળ ઉન્મત્ત પવન, ડોલતાં વૃક્ષો, રેતીમાં ડૂબી ગયેલી અને અદૃશ્ય થઈ ગયેલી નદીનો વર્ષાના સ્પર્શથી થયેલો નવો અવતાર, અકર્મણ્યતાનો નશો, વાદળોનો ઘટાટોપ, જળમાં ઘૂંટાતું આકાશ આ બધું જોયા પછી પણ મન નિલિર્પ્ત રહે છે. વરસાદનાં પાણીમાં છબછબિયાં કરતાં, એને ડખોળતાં દૂર દૂર સુધી વિના કારણે ચાલ્યા જ કરવાનું જાણે હવે મન થતું નથી. આ વૃષ્ટિથી જાણે કશુંક ધીમે ધીમે ભાંગી પડીને ધોવાઈ ગયું છે.

એવુંય નથી કે, આ વિષાદનો મન સાક્ષાત્કાર કરે તેનો સંતોષ લઉં. ના, વિષાદથીય મન તો અસ્પૃષ્ટ જ છે. એ એકાએક જાણે આ બધા સંદર્ભની બહાર નીકળી ગયું છે. હું એને ઉત્સાહિત કરવા માટે મથું છું. હું એને કહું છું, ‘ચાલ, આ સૃષ્ટિને ફરીથી નવે નામે ઓળખીએ. આ ચિરપરિચિત લીમડાનું નવું નામ પાડીએ, આ ઊડી જતાં પંખીને નવે નામે ઓળખીએ, કાંઠાને ધોઈ નાંખીને સીમાનો લોપ કરીને છલકાઈ જતી આ વન્યા નદીના સ્રોતને નવું નામ આપીએ. આ સૂર્ય-ચન્દ્રને પણ નવો સંકેત આપીએ.’ પણ મન તો કશું ધ્યાન પર લેતું જ નથી.

આ વર્ષા અત્યાર સુધી કદી ન અનુભવેલી એવી ખામોશીની દીક્ષા આપી ગઈ છે. મૂળ પરથી ધરતીની પકડ એકાએક છૂટી ગઈ એવું તો નથી. એ પ્રક્રિયા તો નેપથ્યમાં ધીમે ધીમે ચાલ્યા જ કરતી હશે. હું એકાએક સન્દર્ભમુક્ત થઈ ગયો એવું પણ નથી એનું ભાન એકાએક થયું. હું ઇન્દ્રિયજડ થઈ ગયો છું એવું પણ નથી. એથી ઊલટું, કેટલોક નવો ઇન્દ્રિયબોધ થતો હોય એવું લાગે છે. એ ઇન્દ્રિયબોધને વર્તમાન સન્દર્ભ સાથે સમ્બન્ધ નથી. આથી એને ક્યાં કેમ ગોઠવવો તેની ચિન્તા કરવા પૂરતું પણ મન ઉદ્યમી રહે તો સારું પણ મન હવે એવા તેવા કશાથી લલચાતું નથી. આ નવી સમજ અને ડહાપણના ભારથી એ જાણે તળિયે બેસી ગયું છે!

નિયમિત ક્રમ તો બરાબર ચાલે છે. લોકો તો હજી એમ જ માને છે કે હું આ કે તે પામવા માટે હજી પડાપડી કરીશ. મારી ખામોશીને એઓ મુત્સદ્દીગીરી સમજતા હશે. મારી ઠાવકાઈને એ લોકો સાવધ બનીને નિરખી રહ્યા હશે. પણ મારી આ નિલિર્પ્તતાનાં મૂળમાં જે સન્દર્ભ બહાર ફેંકાઈ જવાની ઘટના રહી છે તે કોણ સમજશે?

વરસતા વરસાદની ધારામાં ભીંજાતા દોડી જતા કિશોર નિશાળિયાની સાથે દોડી જવા હું મારા મનને ઉશ્કેરું છું. પાણીમાં તરતી કાગળની નૌકાનો શાહ સોદાગર થવા હું એને લલચાવું છું. ક્ષણિકની લીલાના આ ચગેલા રાસમાં ગુંથાઈ જવાનું બની શકે તો કેવું? મરીનડ્રાઇવની પાળ પર ચાલતાં ચાલતાં સમુદ્રનાં મોજાંની અને વરસાદની ઝડીની થાપટો ઝીલવાની મજા માણેલી તે હું યાદ કરું છું. પણ બધાં પરિવર્તનશીલ રહ્યાં છે. એ પરિવર્તનોને ઓળખી લઈને એને અનુકૂળ થઈને રહેવાનો ઇન્કાર કરે છે. એના આ અણસમજુ અભિમાનને રાખવાની જગ્યા મારામાં ક્યાંય નથી, તો એનું શું કરવું?

સમજ કરતાં અણસમજ સારી એમ કહેવાનો હવે શો અર્થ? સત્ય કરતાં ભ્રાન્તિ જ સુખદ એમ કહું, પણ સત્યને ભ્રાન્તિમાં પલટી નાખવાનો કીમિયો જ નહીં આવડતો હોય તો? નિલિર્પ્તતા જ મને ગૌરવ અપાવશે એમ મનને મનાવતો હોઉં ને એને જ કારણે દયાજનક બની જતો લાગું તો? ઉત્સાહપૂર્વક વાંચેલી કવિતાની પંક્તિઓ ધૂંધળી થઈ ગઈ છે. ફિલસૂફીનાં થોથાં પર ધૂળના થર બાઝ્યા છે. મારી જ લખેલી પંક્તિઓ વચ્ચે ઊધઈ ફરી વળી છે. આમ છતાં વિરતિ એટલી સહજ કે સુલભ નથી.

સમાહિત થઈને રહેવું, જે સ્થિતિ આવી પડે તેની સાથે તત્સમતા કેળવવી અને પુરુષાર્થની દિશા બદલી નાખવી આવા ઉપદેશો તો બહુ સાંભળ્યા છે. આપણું મન તો વિશ્વવીણાના વાદકના વાદ્યનો એક તાર છે. એને એ જેમ વગાડે તેમ વાગવા દેવું. આ બધી મનોસ્થિતિઓ અને એની પ્રત્યેના આપણા પ્રતિભાવોના વૈવિધ્યને જ માણવું, એ આવે છે ને જાય છે એ જાણીને એ વિશે કશો અભિનિવેશ કેળવવો નહીં. આવું પણ ઘણું કહી શકાય. પણ જ્યાં સુધી એ અવસ્થા રહે છે ત્યાં સુધી તો એને સહ્યો જ છૂટકો! એ સ્થિતિ વીતી જાય પછી એમાંથી ફિલસૂફી તારવવી, એની કવિતા કરવી, એ અનુભવે જે શીખવ્યું તેની ગમ્ભીરતાથી વાત કરવી વગેરે ઉદ્યમ આચરી શકાય.

મનથી નિરપેક્ષપણે શરીર અમુક અભિનય શીખી જ લેતું હોય છે. એ હસે છે, ત્યારે મનને પૂછીને હસે છે એવું નથી. કેટલીક વાર એ હાસ્યને મન પોતે જ ઓળખતું હોતું નથી. આથી જ તો મન વિષાદથી ધૂંધવાતું પડ્યું રહ્યું હોય છે. ત્યારે હોઠ હસતા હોય છે. તેને દમ્ભ કહીને વખોડી નાંખી શકાય નહીં. આમ આપણાં પાપપુણ્ય બહારથી નક્કી થતાં નથી. આપણાં કાર્યનું આન્તરિક સ્વરૂપ ઘણી વાર આપણાથીય અપ્રગટ રહે છે. આપણે પોતાને વિશે આપણી પ્રત્યક્ષતા કેટલી? મને તો લાગે છે કે આપણે વિશે ઘણું ખરું આપણે અનુમાનથી જ વ્યવહાર ગબડાવતા હોઈએ છીએ.

આ બધાંમાંથી ઊગરવા માટે ચાલક મનને એક યુક્તિ સૂઝી છે. કર્તવ્યનું આરોપણ જ આપણા પર કરવું નહીં. આ બધું ‘યંત્રરૂઢાણિ માયયા’ છે એમ જ માનીને ચાલવું. સમજ અને ડહાપણનો સંગ્રહ કરવાનું પાત્ર જ ફોડી નાંખવું. ઘણી વાર જેને આપણી સમજ કહીએ છીએ તે હોય છે તો પારકી ઉછીની લીધેલી સમજ! એનો આધાર લેવાનો શો અર્થ?

વાદળો સરી ગયાં છે. ગઈ રાતે તો તારાદર્શન કર્યું, હવે આજે આંસુભર્યા મુખ પર છવાઈ જતા સ્મિત જેવો તડકો પથરાઈ ગયો છે. આ તડકા અને છાયાનો પકડદાવ શરૂ થયો છે. હું મનને એમાં રસ લેવાને લલચાવું છું.

9-7-77