પ્રથમ પુરુષ એકવચન/વિદ્યા વિનાનો વિદ્યાર્થી


વિદ્યા વિનાનો વિદ્યાર્થી

સુરેશ જોષી

હવા શિરીષનાં ફૂલોની સુગન્ધથી તરબતર છે. બપોરના ઊના પવન પણ લીમડાની મંજરીથી મહેકને કારણે સુખદ લાગે છે. હવે કોયલનો કણ્ઠ ખૂલ્યો છે. વસન્ત ગઈ છે, ગ્રીષ્મનું આગમન થઈ ચૂક્યું છે. શીમળો અને મન્દાર ગ્રીષ્મના લાલચટક રંગને ઘૂંટી રહ્યા છે. હજી ગુલમહોરને ખીલવાની વાર છે. આમ્રમંજરીની સુગન્ધથી વિહ્વળ બનીને રસ્તે ચાલતાં ચાલતાં ઊભા રહી જવાય એવું આ વખતે બન્યું નથી. વાદળો પૂરેપૂરાં ગયાં એવું હજી હિમ્મતપૂર્વક કહી શકાતું નથી.

પણ હું ફટિર્લાઇઝર, રિફાઇનરી, ફૅક્ટરીઓ, રાસાયણિક દ્રવ્યોની દુર્ગન્ધથી, ધુમાડાથી ઘેરાયેલો છું તે વાત પણ ભૂલી જતો નથી. મારે ‘પ્રદૂષણ’નો વિરોધ કરીને ઝુંબેશ ચલાવવાનો કાર્યક્રમ આપવો નથી કે ચોખ્ખી હવા લેનારાઓનું જુદું મણ્ડળ પણ સ્થાપવું નથી. કપરી વાસ્તવિકતા સ્વીકારી લેવી છે. યુવાન પેઢીએ જે પ્રશ્નો ઊભા કર્યા છે તે વિશે પણ હું વિચાર્યા વિના રહી શકતો નથી. શિક્ષક તરીકે હું એમના સમ્પર્કમાં રહ્યો છું. એમની વિટમ્બણાઓ, રળવામાં પડેલા વડીલો દ્વારા થતી એમની ઉપેક્ષા, એમને મળેલા નીરસ વેઠ ઉતારનારા ભ્રષ્ટાચારી શિક્ષકો, બદલાયા કરતાં રાજતન્ત્રો એમની પાછળ જે કડવી નિર્ભ્રાન્તિ અને વન્ધ્ય રોષ મૂકી જાય છે તે – આ બધું હું જાણું છું, ને તેથી જ મને એમની પ્રત્યે રોષ નથી, સહાનુભૂતિ છે. હું એમની પાસેથી કશી આશા રાખતો નથી. એમનામાં પ્રિય થઈ પડવા કરતાં કટુ સત્ય બોલીને અળખામણા થવાનું મને વધુ ગમ્યું છે. કહેવાતા વિદ્યાર્થીનેતાને મેં બહુ નજીકથી ઓળખ્યા છે. હું એક જ પ્રકારના વિદ્યાર્થીનેતાને સ્વીકારું છું – જે વિદ્યાભ્યાસમાં ઉત્કૃષ્ટતા બતાવતો હોય, રાજકારણની ગંદી રમતો, ભાષણબાજી, સરઘસો, કાયરો આચરી શકે એવી હિંસા, સત્તાધીશોને કાયર બનાવવાનો કીમિયો – આ બધામાં પડીને જીવનનો સુવર્ણ સમય વેડફી નાખનારા માટે મારા હૃદયમાં કેવળ કરુણા છે.

આજે પ્રેમનું નામ લેતા જઈને આપણે કેવળ પ્રેમહીનતાની ઊષર ભૂમિને વિસ્તારતા રહીએ છીએ. આથી આ લોકો તો આગલી પેઢીનાં દુષ્કૃત્યોનાં પરિણામો ભોગવી રહ્યા છે. એ લોકો દુષ્ટ નથી, દુષ્ટોના શિકાર બનેલા છે. આથી આગલી પેઢીઓએ જે મૂલ્યોનો શુકપાઠ કર્યો તેનો એઓ તિરસ્કાર કરે તો તેને હું વધાવી લઉં છું. પણ કેવળ વન્ધ્ય રોષ એમને કોઠે પડી જાય એમ હું ઇચ્છતો નથી. જ્ઞાનના ક્ષેત્રમાં વર્ષો ગાળ્યા છતાં જેમની સૂઝ ખીલી નથી, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી નથી, મૂલ્યબોધ વિકાસ પામ્યો નથી, કલ્પનાશક્તિ ખીલી નથી, વિચારમાં સૂક્ષ્મતા અને ઊંડાણ આવ્યા નથી એવા શિક્ષણનો વેપલો ચલાવનારાને પનારે પડેલા જુવાનો રોષથી કંઈક વધુ કહે એવું હું ઇચ્છું છું.

આ પરિસ્થિતિ વિશે, કશા આક્રોશ વિના, સભાનતા કેળવવી તે પહેલી વાત છે. અણગમો કે કચવાટ ધૂંધવાટ આખરે તો આત્મદયામાં પરિણમે છે તે મેં જોયું છે. એમની ક્ષિતિજોને મર્યાદિત કરનારાઓને એમણે ઓળખી લેવા જોઈએ. ઘણા એવા છે જેઓ યુવાનોની દૃષ્ટિસીમાને સંકોચવામાં પોતાનો લાભ જોતા હોય છે. આથી આજનો યુવાન જીવન પાસેથી શી અપેક્ષા રાખવી તે જાણતો થઈ જાય છે. વ્હાઇટ કોલર જોબ, બિઝનેસ એક્ઝિક્યુટીવ, બૅન્ક ઓફિસર, ફોન, કાર, ટેલિવિઝન સાંજે ક્લબ, છાશવારે પાર્ટી, થોડે થોડે વર્ષે પરદેશયાત્રા – આની આગળ તો આજના ખૂબ તેજસ્વી વિદ્યાર્થીની પણ દૃષ્ટિ જતી નથી. આ બધું મેળવવા માટેનાં સાધનો પણ જે આગલી પેઢીએ આપ્યાં હતાં તેનાં તે જ છે. સાધનવિવેકની દીક્ષા એમને કોઈ પાસેથી મળી નથી. યુવાનો તો એટલા અધીરા હોય કે એઓ કશું વિચારવા ન થોભે, ભૂલો પેટ ભરીને કરી લે, પછી વિચારવાનો ઘણો વખત છે – આવી સામાન્ય માન્યતા હોય છે, પણ આજે યુવાનોએ યૌવનના શક્તિઉદ્રેકની સાથેસાથે થોડું ઠાવકું ડહાપણ પણ કેળવવું પડે એવી આજની પરિસ્થિતિ છે. અપક્વતાને અલંકાર તરીકે હવે સ્વીકારી શકાશે નહિ.

ગરીબાઈ, ટાંચાં સાધનો, રૂઢ, જડ, સમાજવ્યવસ્થા, કેવળ રાજકારણીઓનું દેખાતું વર્ચસ્ – આ બધાં આજની પરિસ્થિતિ માટેનાં કારણો છે એમ કહેવું પણ કેટલું સાચું છે? હવે નવી જીવનરીતિ માટેની શોધ ચાલી રહી છે, પણ તે પહેલાં પોતાનું જીવન પોતે જીવે એવી પ્રાથમિક જવાબદારી તો યુવાનોએ સ્વીકારી લેવાની રહેશે.

સૅમ્યુઅલ બટલરે કહ્યું હતું કે બાળકો અપરાધ કરે તો એની શિક્ષા એમનાં માબાપોને કરવી જોઈએ. સ્વાતન્ત્ર્યોત્તર કાળમાં તકવાદીઓ રાષ્ટ્રવાદીઓને ખસેડીને આગળ આવ્યા, ગાંધી પણ એમાં હડસેલાઈ ગયા. પદયાત્રાનું સ્થાન વિમાનયાત્રાએ લીધું. મૂલ્યોનો એકસામટો ધ્વંસ થયો. આ અસામંજસ્યની સ્થિતિનો લાભ ઉઠાવનારા તરત ફૂટી નીકળ્યા, એમને માટે, પરિસ્થિતિ અનુસાર, ભાષા અને સૂત્રો તૈયાર કરી આપનારા પણ નીકળી આવ્યા. વાતાવરણમાં સર્વત્ર ફેલાયેલા આ પ્રદૂષણથી બચવું હોય તો યુવાનોએ જુદા જ પ્રકારની ખુમારી કેળવવાની રહે. વાતાવરણ સુધરશે એની રાહ જોયા કરવાથી એ બનવાનું નથી. હવે કોઈ બોલેલું વચન પાળતું નથી. હવે કોઈ કોઈનાં દુ:ખે દુ:ખી થતું નથી. એ દુ:ખને પોતાના સુખ માટે વટાવી ખાનારા ઘણા છે. ઊંડી સૂક્ષ્મ પર્યેષણાનું સ્થાન સભારંજક ચબરાકિયાવેડાએ લીધું છે. જે નવો સમાજ રચવાનો છે તે વિદ્યાપીઠોમાં નવો અભ્યાસક્રમ ઘડવાથી રચાઈ જવાનો નથી. લોકશાહીમાં લોકો સાથેનો અપરોક્ષ સમ્બન્ધ કોણ સ્થાપી આપશે, વ્યક્તિને એના વ્યક્તિત્વનું ભાન કોણ કરાવશે? આજે યુવાન જ્યાં હોવો જોઈએ ત્યાં નથી, જ્યાંથી એ હડધૂત થાય છે ત્યાં જઈને એ ઊભો રહ્યો છે. એમની પ્રતીક્ષા કરતી યુવાનીને એ ફરીથી આવકારે એમ ઇચ્છીએ.14-4-79