પ્રથમ પુરુષ એકવચન/સામાન્યતાનું ગૌરવ


સામાન્યતાનું ગૌરવ

સુરેશ જોષી

પતંગિયાંઓને ઊડાઊડ કરતાં જોઉં છું. થોડાક નિશાળિયાઓ કુંવાડિયા ઉખેડીને એનાથી પતંગિયાંને મારવા દોડાદોડ કરે છે. મનમાં થાય છે કે આટલી કુમળી વયે પણ માનવીના લોહીમાં જે ક્રૂરતા રહી છે તે છતી થાય છે એ વિશે કંઈક તીખા વ્યંગથી, કંઈક કરુણા ઉપજાવે એવી રીતે ને કંઈક દાર્શનિકની અદાથી કશુંક લખી નાખું. જે પતંગિયાં નિશાળિયાને હાથે મોત નથી પામતાં તેને કાળિયો કોશી અને પતરંગા પકડી લે છે. હું જોઉં છું. પતરંગો વીજળીના તાર પર બેઠોબેઠો પતંગિયાંને પછાડી પછાડીને મારી નાખે છે ને પછી એને ગળી જાય છે. પતંગિયાંની સુન્દર પાંખોની એને કશી ખબર નથી. કુદરતમાં કેટલી બધી નિરર્થકતાઓ છે! ટેક્સીડમિર્સ્ટ પતંગિયાંઓને એકઠાં કરે છે, ટાંકણીથી વીંધીને સાચવી રાખે છે. એને વિશે વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ રજૂ કરે છે. પણ એક પતંગિયાના ઉડ્ડયનનો અન્ત એટલે મારે મન તો એક આખા સૌન્દર્યમય વિશ્વનો કરુણ અન્ત. મારું મન ખિન્ન છે એટલે જ કદાચ મને આવું લાગતું હશે. બાકી ઘણા દિવસ પછી ઉઘાડ નીકળ્યો છે. સોનેરી તડકો લખલૂટ વેરાયો છે. મેદાનમાંનું ઘાસ હસી ઊઠ્યું છે. પણ આ વિશ્વની રચનામાં, એક વાર કેમ્યૂને લાગી હતી તેવી, નિરર્થકતા અને અસંગતિ દેખાયા કરે છે. લોકોનાં મનમાં કેટલી બધી હિંસા છે! ઘણા ઉચ્ચભ્રૂ લોકો ભવાં ચઢાવીનેય ફરે છે. કોઈની ગરીબાઈનો પણ રખેને આપણા પર ડાઘ પડી જાય એવી રીતે પોતાનાં કપડાં કોરાં રાખવાની ચિંતામાં પડેલા લોકોને જોઉં છું. સંસ્કારી લોકો વધુ ને વધુ સાંકડા વર્તુળમાં રહેતા થઈ જાય છે. એમના સંસ્કાર, એમની રસિકતા, એમના શોખ – એ વધુ ને વધુ અલ્પ લોકો માણી શકે તેમ એઓ વધારે ઊંચા એવી કંઈક એમની માન્યતા છે.

મારે બારણે ઘંટડી છે ખરી પણ તે બરાબર વાગતી નથી. ઘણી અપરિચિત વ્યક્તિઓ મારે ઘરે આવી ચઢે છે. મનેય શિષ્ટ સમાજના નિયમોની ઝાઝી ખબર નથી. આથી અનૌપચારિકતા મને સદી ગઈ છે. કોઈ શ્રમિક વર્ગનો અદનો આદમી આવે છે. કવિતાનો શોખ છે. એનાં કપડાં લઘરવઘર છે. પગે રસ્તાની ધૂળ લાગેલી છે. એની સહેજ ફિક્કી આંખોમાં કાવ્યનો આનન્દ માણ્યાની ચમક છે. એ ચમક મને સાચવી રાખવા જેવી લાગે છે. હું એની ચિન્તામાં છું. મને મન થાય છે કે હું એને કોઈ કવિની ઉત્તમ કવિતાનો સંગ્રહ ભેટ આપું. પણ મારી પાસે જે છે તેમાંથી મોટા ભાગનું માગી આણેલું છે. હું પોતે ઘણાં વર્ષોથી ઝાઝાં પુસ્તકો ખરીદી શક્યો નથી. ધનિકોના ઘરમાં પુસ્તકાલયનો જુદો ઓરડો હોય છે. લેધરબાઉન્ડ સોનેરી અક્ષરથી ચળકતાં નામવાળાં પુસ્તકો ત્યાં અસ્પૃશ્ય અવસ્થામાં પડ્યાં હોય છે. આ શ્રમિક કાવ્યરસિક એમાંનાં કોઈક પુસ્તક પામે તો?

ઊંચી પાયરીના ને અધિકારી લોકો જોડેનો વ્યવહાર મને આવડતો નથી. હું અશિષ્ટ નથી પણ ભદ્ર સમાજના શિષ્ટાચારની કૃત્રિમતા મને રૂંધી નાંખે છે. જ્યાં મન ફાવે ત્યાં બેઠા, ગપસપ લડાવી, આનન્દ થયો તો ખડખડ હસ્યા, ન બોલવું ગમે તો મૂંગા રહ્યા – આ બધું નિર્બન્ધપણે થઈ શકતું હોય ત્યાં જવું ગમે. પણ જ્યાં હસવા વિશેના પણ નિયમો હોય, શું બોલવું ને શું ન બોલવું તે વિશેના પણ નિયમો હોય ત્યાં તો શ્વાસ રૂંધાઈ જાય. હૃદય કરતાં આચારને વધારે મહત્ત્વ હોય ત્યાં મને ફાવતું નથી.

આથી જ તો કૃત્રિમ દીવાલો રચીને બેસનારા માણસો સાથેનો વહેવાર અઘરો થઈ પડે છે. કોઈનો વિવેક જ એવો હૃદયહીન હોય છે કે એની નિષ્પ્રાણતાને ખુલ્લી પાડવા હું ઉશ્કેરાઈ જાઉં છું. મને લેબલ લગાડીને ફરનારાં માણસો નથી ગમતાં. એ લોકો કોણ છે તેનું આપણને વિસ્મરણ નહીં થવું જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. માણસ માણસાઈને ઢાંકીને હોદ્દો કે પાયરીની જ જાહેરાત કર્યા કરે તો એની જોડે શાનો વિનિમય કરી શકાય? મેં જોયું છે કે ઘણા માણસો બહારથી આકરા તોછડા લાગતા હોય છે. પણ એમનું હૃદય ઘણું કોમળ હોય છે. એથી ઊંધું બનતું પણ ઘણી વાર જોયું છે. બહારથી સૌમ્ય, મૃદુ ને હસમુખા લાગતા માણસો ભારે ધૂર્ત, ખંધા ને દમ્ભી હોય છે. એઓ બીજાં માનવીઓને માનવી તરીકે જોતા જ નથી હોતાં, કેવળ પોતાનાં સાધનો તરીકે જ જુએ છે. હું આવા માનવીઓને માફ કરી શકતો નથી.

વિદ્વત્તા પણ ફૂટી નીકળતી હોય, ગેંડાની દાતરડીની જેમ મારકણી બનતી હોય તો એનાથી દૂર રહેવું જ સારું. જે મને માનવીથી નોખો પાડે તેનો મને વહેમ છે. મેં ચાર ચોપડી વધારે વાંચી હોય તો તેનો ભાર હું બીજા પર શા માટે ચાંપું?

મને લાગે છે કે એવી સમુદાર ચિત્તવૃત્તિ પણ હોય જે આ બધી ક્ષતિઓની ઉપરવટ જઈને સાચા માનવીને પારખી લઈ શકે. હું ઉગ્ર બનીને ચર્ચા નથી કરતો એમ નહીં, પણ એ ઉગ્રતા દૃષ્ટિબિન્દુની હોય, એનું નિશાન કોઈ માનવીને કેવો પામર બનાવી દે છે!

જગતમાં સ્નેહ એ એક વિરલ ભાવના છે. સ્નેહની એક ક્ષણ પામવા માટે માનવીને કેટકેટલા અન્તરાય ઉલ્લંઘી જવાના રહે છે! સ્નેહની એક આકરી શરત એ છે કે જેનામાં પોતાનો નિ:શેષ લોપ કરવાની શક્તિ નથી તે ચાહી શકે નહીં. સ્નેહની એક ક્ષણને સંઘરવા જેટલું પરિમાણ આપણે સિદ્ધ નથી કર્યું હોતું તો સ્નેહથી જ આપણે ભાંગી જઈએ છીએ. મેં કલ્પના નથી કરી કે કોઈ દિવસ હું મૌન વ્રત પાળી શકું. મને વાચાળ માણસો ગમે છે. એમનાં હૃદય છલકાઈ જઈને વાણી દ્વારા વહેતાં હોય છે. મૂંગા, ઓછાબોલા, ઠાવકા, સાવધ ચતુર માણસોથી હું ડરીને ચાલું છું. એમનો સામાન્ય વ્યવહાર પણ જાણે શતરંજનો વ્યૂહ ગોઠવતા હોય એવો હોય છે. પણ આપણે એવું બોલવું જોઈએ કે જેથી સામા માણસની પણ વાણી નિર્બાધ બનીને વહી શકે. બીજાની વાણીને રૂંધે એવી તો આપણી વાણી હોવી જ ન જોઈએ.

ઘણા પોતાના ગૌરવનું સિંહાસન પોતાને ખભે જ ઉપાડીને ચાલતા હોય એવા ભારેખમ બનીને ચાલે છે. રસ્તે એઓ મળે તો એમનો હાથ હાથમાં લઈ શકાતો નથી, એમને ખભે હાથ મૂકી શકાતો નથી. એઓ એમની ગતિને અટકાવ્યા વિના આપણા તરફ કૃપાદૃષ્ટિ કરીને, અને જો વધારે ઉદાર બની શકે તો, સહેજ સરખું સ્મિત વેરીને ચાલ્યા જાય છે. અધિકારીઓને તો હું મળવાનું ટાળું જ છું. એમને તો આપણે સદા યાચક જ લાગીએ છીએ. એઓ ઊંચી નજર કરીને કે આંખમાં આંખ મેળવીને આપણી સામે જોતા નથી, અને એ બે માનવી મળ્યા એનું પ્રથમ ચિહ્ન છે!

એક રીતે જોઈએ તો સામાન્યતા એ જ ભારે વિરલ વસ્તુ છે. આપણી સામાન્યતા ક્યારે છૂટી જાય છે તેની જ કેટલીક વાર તો ખબર પડતી નથી. સામાન્યતા હોય છે ત્યારે બધું જ અત્યન્ત સહજ અને સરળ હોય છે. અસામાન્યતાનો પ્રવેશ થાય અને એને વિશેની સભાનતા વધતી જાય પછી આપણાં પગલાં પહેલાંની જેમ પડતાં નથી. પછી આપણે વધુ ને વધુ એકલા પડતા જઈએ છીએ. શરૂઆતમાં તો આ અસામાન્યતાનો આપણને છાક ચઢે છે. એની પ્રથમ નિશાની આપણી વાણીમાં વર્તાય છે. વાણીમાંથી સ્નિગ્ધતા ચાલી જાય છે, કકરાપણું આવી જાય છે. પછી દૃષ્ટિમાં ફેરફાર થાય છે. દૃષ્ટિ એની સહજતા ગુમાવે છે. એમાં થોડી કુટિલતા પ્રવેશે છે. આટલેથી જો કોઈ ચેતી જાય તો બચી જાય, તો એ સામાન્યતાને ખોઈ ન બેસે પણ લપસણા ઢાળ પરથી સરક્યા પછી કોણ પોતાની જાતને રોકી શકે?

સંઘર્ષ, ઈર્ષ્યા, સ્પર્ધા અસામાન્યતાના ક્ષેત્રમાં જ છે. જો મારી પ્રાપ્તિ મારા પર સવાર થઈ જાય તો એને સાચવ્યા કરવાની જવાબદારી મારે માથે આવી પડે. ઘણા જુવાન સાહિત્યકાર મિત્રોની સભાનતા ભારે તીક્ષ્ણ હોય છે. એ સામાને છેદી નાખે છે. આથી ઘણી વાર સાહિત્યકાર મિત્રો સાથે સાહિત્ય સિવાયની વાતો કરવાનું વધારે પસંદ કરું છું. ‘હમણાં શું લખો છો? હમણાં શું વાંચો છો?’ આ પ્રશ્નપત્રકની વિગતો ભરવાનો મને ભારે અણગમો છે. દિવસોના દિવસો કશું વાંચ્યા વગરના જાય છે. કવિતાઈના ડોળ કરીને બોલવું હોય તો કહું, ‘હમણાં તો હું મારી જાતને ફરીથી લખી રહ્યો છું. હમણાં હું સૃષ્ટિને જ વાંચું છું.’

આટલી બધી શુષ્કતા, અનુદારતા, અભદ્રતા, ઉદ્ધતાઈ વચ્ચે હજી સ્નેહ શક્ય છે એ કેવું અદ્ભુત! પતંગિયું મરી જાય છે, પણ પ્રકૃતિના રંગ ઝાંખા નથી પડતા. આંચકી લેવું, ઝડપી લેવું, આપણે આપણું સંભાળીને બારણે સાંકળ વાસીને બેસી રહેવું. આ ઘટના જ માનવીને ઘૃણાસ્પદ બનાવે છે, માનવી ચાહવા જેવો નહીં રહે તો પછી એનામાં રહ્યું શું? આથી મારું મન ખિન્ન થઈ જાય છે ત્યારે પણ હ્યદય અનુદાર નહીં થાય એની હું તકેદારી રાખું છું. દૂર રહીને ગાળ દેનાર પણ કોઈક વાર મારી ભાળ કાઢવા આવે છે. એ કેવો સુખદ ચમત્કાર છે! આથી જ તો મને લાગે છે કે સ્નેહ એ ખૂબ જ સહજ વસ્તુ છે. એ ખોવો ભારે વિઘાતક નીવડે.

5-8-75