પ્રથમ સ્નાન/અમારી એક મનોદશા

અમારી એક મનોદશા


એ જી,
અમે સૂંડલો ભરીને વેર્યા કાચબા,
કર્યાં રે અમે ઊલટસૂલટ બધાં થાનલાં હો જી.

પસવારી રાતીમાતી કીડિયુંની જાંઘ
જોયાં, જરખના પેઠા નખ ભાણમાં હો જી.
કાનજીને કાંઠે કોણ ગોપિયું ચરાવે
ફૂટી એવડી મોટી રે ક્યાંથી ગગરી હો જી.
જમનામાં આવી પહોંચ્યાં ગોરસનાં પૂર
 અમે બુદબુદા બનીને તરી ગયા હો જી.

એ જી,
અમે નયણે પાણીનાં બન્યાં નેજવાં,
જી રે જી, અમે ઊગતા બાવળ કેરું પાન થ્યાં હો જી.
ચકવાના ટોળલામાં કૂચડો ઝબોળ્યો
અમે ધોળી દીધાં ખેતરનાં ધાનને હો જી.

૨૦-૧૨-૬૮