પ્રથમ સ્નાન/એક વાર આ

એક વાર આ


એક વાર આ લઘરવઘર રસ્તો હું વીંધી જાઉં પછી સૌ જોજો.
પરનારીના પગની પાનીમાં કાંટો થૈ છાઉં પછી સૌ જોજો.

પરનારીના પગની રેખા સરપ બનીને સરતી
એક રહી જે બાકી તે તો રસ્તો થૈ રડવડતી.

તહીં પિયાના પગલામાં પૂરાઈ
મદિરા પીવાને થંભેલો — છટકું, પછી સૌ જોજો.
હણું કર્ણને બનું દુ:શાસન પછી બધાયે જોજો
એક વાર આ લઘરવઘર રસ્તો હું વીંધી જાઉં પછી સૌ જોજો.

રસ્તાની ઉપર ને અંદર શ્વેત વાયરો ફરતો.
પડછાયાને જોતાં એ તો લળીલળીને નમતો.
પરનારીના કંચુક ખોલી દેતાં એ કાં ડરતો?

રસ્તે ઊગ્યા પંખીના ચહકાર ચરું
ને ખાઉં ઝાડનું માંસ પછી સૌ જોજો.
પછી ગતિમાં લઘરવઘર રસ્તો હું વીંધી જાઉં પછી સૌ જોજો.

૩૦-૭-૬૯