પ્રથમ સ્નાન/ડોકિયું

ડોકિયું


અંધારા ખૂણે પડેલા બૂટને સાવ સહજતાથી ઊંચકું છું.
બેચાર મચ્છરો બહાર ઊડી જાય છે.
ત્રાંસું કરતાં એકાદ કાંકરો કે બોરનો ઠળિયો ખખડી ગબડી પડે છે.
ભેંકાર નિર્જનતા
ભેજલ હવામાં ઠોકર સાથે મશાલ પેટાવતાં
કરોળિયાનાં જાળાં હલબલે, અથડાય પ્રતિ અથડાય ચામાચીડિયાં
ને કોઈ શબના કહોવાટની વચ્ચે શિલ્પચિત્રોથી ભરેલી દીવાલ ઝૂમે.
બૂટનું વજન હાથ પર ને ‘ઝખ’ આંખ.
આંખ સાવ બીજે છેડે તાકે છે.
વચ્ચેની પૃથુલતા સાંકડી થતાં થતાં થાળ લઈ ઉપર વળાંકે છે.
ખાલીખમ્મ જેલના ખાલીખમ્મ કેદી જેવી ખાલીખમ્મ જેલમાં
પુરાયલી ખુલ્લી ખાલી જેલ :
શકાય, શકાય, શકાય
શકાય ફક્ત જોઈ
ભગાય ભગાય જોઈને ભગાય.
‘ભાગ, ભાગ’ કહી ભાગતા ‘ભાગ’નો પ્રતિશબ્દ ઊઠવાનું નામ
સરખુંય ન લે.
ભાગીને બ્હાર તો આવે જ ક્યાંથી?
આંખ ખેસવાય છે.
ચળકતું નખદર્પણ
ને અંધ અંગૂઠો અગ્રેસર બની સમસ્તને પ્રવેશાવે છે.
બધું ભરચક્કક્ક ઠાંસ બને છે
ઠાંસ આનંદિત છે
આનંદિત ઠાંસ છતાંય જેલામાં તો તેમની તેમ જ
જાણે ખુલ્લીખમ્મ જેલમાં પુરાયલો ખાલીખમ્મ કેદી

૩૦-૧૨-૭૪