પ્રથમ સ્નાન/પણ—

પણ—


વ્હાલમ તારી સાથ રહું હું રાત જો
(પણ) સપનાનું ચાંદરણું ઘરમાં એકલું
ખેતરને દૌં કંકમ કેરા ખાત જો
(પણ) સપનાનું ચાંદરણ ઘરમાં એકલું

આગળિયો ઉઘાડીને વસવાસ જો
પેસે તો ઢોલૈયા બોલે ખાયણાં
વંઝારાજી પોઠે હાથીદાંતને
ચરવા આયા ચંદરવા વૈશાખના

એક ફલાંગે ગઢવીનો ગઢ હાથ જો
(પણ) સપનાનું ચાંદરણું ઘરમાં એકલું.
અંકાશે ભૂરું ભૂરું કૈં વાય ત્યાં
કેસૂડે પોપટડા ઊગ્યા સામટા.

ડગલો પ્હેરી થથરે ખેતરપાળ ત્યાં
ઝંડાઝૂલણ આયાં ગાતાં આવણાં
કચકના ઝાકળિયે ગોફણ વાય જો
(પણ) સપનાનું ચાંદરણું ઘરમાં એકલું.

૧૯૬૮