પ્રથમ સ્નાન/પાતાલ-પ્રવેશ

પાતાલ-પ્રવેશ


અહીં, — જહીં મેં ‘હું’ ‘હું’ કેરું ગંજીફરાક ઓઢ્યું’તું—
બની ગયું પાતાલ સહજમાં.
એ પાતાલે વીંછી જેવી આગ.
આગતણા પરપોટાઓ તો ઊડે જૈને બ્હાર.
મારામાં છે અત્તર કેરા પ્હાડ-એવું થઈ ઊઠ્યું ત્યાં
અત્તર પ્હાડે વીંછી જેવી આગ.
‘હું’ ને ‘મારા’ વચ્ચે જે એક મિલનદ્વંદ્વ યોજાયું.
એ તો બની ગયું પાતાલ.
ને ઓઢ્યું જ્યાં મેં ગંજીફરાક.
એ તો બની ગયું પાતાલ.
બે પાતાલ અડધિયાં મુજને જડબાં થૈને ઘેરે.
અને પછી મારા મનમાંહે દૂધરાજ ને આગતણાં ટોળાંઓ મૂકતાં છુટ્ટાં.
એ દૂધરાજ તે અત્તર કેરા પ્હાડ.
અત્તરપ્હાડો આજુબાજુ આગ તણા પરપોટા ચીપકે.
ને…
‘એક્વેરિયમ’નાં પાણી માંહે માછલીઓ ડહોળાયા કરે.
મત્સ્યતણાં ટોળાંઓમાં, કાં હો દૂધરાજ, કાં આગ કોઈ તો અત્તર કેરો પ્હાડ.
માછલીનું ઘર પાણી
ત્યાં આ કાચપેટીનું ‘એક્વેરિયમ’ છે શાને?
‘એક્વેરિયમ’ ઊંડું પાતાલ,
એ તો અતલ, ન આવે તાગ.
વાઘ-શરીરે જે પટ્ટાઓ, તે સઘળાયે કાચા,
ટપકેલા વરસાદે ભૂંસૈ જાતા.
પાતાલી અવકાશ વીંધતું વાઘ-શરીરના પટ્ટાઓને,
તુરત જ છેદૈ જાતા.
કદીક ધકતીકંપ…. અને તૂટે પાતાળ… પછી હું છુટ્ટો!
મરી ગયેલાં પાતાલી જડબાંને સાગરકાંઠે ફેંકું
પછી બનું હું છુટ્ટો!
પણ હમણાં તો આગતણા હર પ્રહારથી હું હસું.
હર પ્રહાર પે આંખ તણી પેલી બાજુ છે રુદન
અને આ તરફ સ્મિતના ફુગ્ગા!
વચ્ચે અપારદર્શક આંખ તણી દીવાલો માંહે ફરતી કીકી.
કીકી ફરતી. અનેક પાતાલોને નીરખે બાહ્ય દૃષ્ટિએ.
એ કીકી ને કર્ણ
જીભ સ્પર્શ ને શ્વાસ તણાં ઓથારે.
સ્મિત તણા ભરડાની વચ્ચે ઉંઘરેટાયું બની ગયું પાતાલ.
ત્યાં ‘હું’ ‘મારું’ ના પડઘા,
એ પડઘો જો તૂટે તો એના ટુકડાને,
એ તૂટે પાતાલ અરે, તો, એનાં બે જડબાંઓને હું
કબર-કબરમાં ક્રોસચિહ્નની સાથે
અરબ્બી સાગર કેરી પાર, અરે, કો’ કાંઠે.
દફનાવી દઉં.

૧૯૬૯