પ્રથમ સ્નાન/બધું ગયું જહન્નમમાં

બધું ગયું જહન્નમમાં


હરગંગે, હરગંગે…
રે હર્રાજ જાહ્નવી જાય, દિયે છો જહ્નુ ઋષિ એક શાપ,
અમારે બધું ગયું જહન્નમમાં.
દરની અંદર હવા, તરફડતાં નસકોરાંમાં વાળ
— અમારે બધું ગયું જહન્નમમાં.
મન ચંગે, મન ચંગે…
છોને નાગી નાગી ખિસકોલીની હાર મૂતરની ધાર ઉપરથી ચડે, રાતભર.
દી’ આખો છો પછી અમારા શિકા થકી સાકરનાં શરબત ખરે.
લઈ લ્યો તાજી બાજી, લઈ લ્યો દૂધ તણા ઊભરાનું છેલ્લું દાન
હવે બસ ગયું બધું જહન્નમમાં.
અત્તર, ગલ્લો, ભોંયફટાકા, ઘા બાજરિયાં, ડાઘ, તમંચો, હિન્દુ-મુસલમાન
ગયું રે ગયું બધું જહન્નમમાં.
છો સડે, બની ભોંચક્ક લફંગા હુશ્ન ઉપર તરફડે
હસે હજામ, ભરે સલામ, અમને ઊંચકી લોગ બોલતાં છોને ‘રામસિરામ,
સિકંદર કિસમિસને નૈ અડે.
દો રંગે, દો રંગે જી હમ ખેલ ચૂકે સબ દંગે.
રોજ ઊઠીને લાલપીળાં સરકારી ફારમ કેમ ચીતરવાં?
રોજ ઊઠીને આ શું — ચલ મન ઝામરનાં જલ ભરવા?
ટાંગ, છછૂંદર, મિશ્કિન મિશ્કિન ભલે પધારો, વરલી મટકાનો કંત્રાટ,
ભગંદર ગયું બધું જહન્નમમાં.
અત્તર, ગલ્લો, ડાઘ, તમંચો, ભોંયફટાકા, ઘા બાજરિયાં, હિંદુ મુસલમાન
ગયું રે ગયું બધું જહન્નમમાં.
બોલો, ક્યા કાશી, ક્યા મક્કે, રે હરગંગે…

૨૪-૧૧-૭૧