પ્રથમ સ્નાન/બાંગલા- બે અનુભૂતિ

બાંગલા- બે અનુભૂતિ


૧. બાંગલા યાને ‘કેવડિયાનો કાંટો — નં. ૨’

જનમનગણને કેવડિયાનો કાંટો વાગ્યો
ક્હો અધિનાયક, કેવી એની મ્હેંક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો?
પિકદાની સમજ્યો રે ગુલદાન કમળનો ગચ્છો લાયો.
ખૂબ સજાયો, ખૂબ સજાયો,
આયા જ્યાં દિલદાર રોડ પર દિલ દેવોને ચાલ્યો,
રે મેં દિલ દેવાને ચાલ્યો.
પંજાબ, સિંધુ, ગુજરાત, બીજોરાં ઉટ્યુટ્યુટ્યુઈ
ગરમ કરીને ઘા ઉપ્પર, મદરેસી ઢોંસો ચાખ્યો!
બીટરૂટનું વંન મરેલું, એખ પિયોજી આયો.
જામગરી ચાંપી ચાંપી ગુલકંદ ચખાયો,
ખૂબ ચખાયો ખૂબ ચખાયો.
અડાબીડ ઊચ્કી પગદંડી હિપ્ફીપ્ફીપ્ફી
અડાબીડ ઊંચ્કી પગદંડી, દેખ, કુવાડો મેલીને કઠિયારો ભાગ્યો.
દેખી દેખી જનમનગણને કેવડિયાનો કાંટો વાગ્યો.
નંદ જશોદા મંડ્યાં બંને, કદંબના થડ છોલી ગુંદર ઝમતો રાખ્યો.
રે અધિનાયક, ક્હોને, એનો ખટકો કેવો જાલમ જાલમ લાગ્યો?

૨. આ હું કવિતા કરતો નથી

હું-હું-હું મારે કવિતા કરવી નથી, મિત્રો.
અહીં નથી કરવી—કેમકે
શબ્દોના લાલ ‘રેકિઝન’ના લોચા
બંદૂકના કૂંદાના એક ઘાએ ડામરની પીગળતી સડકમાં ખૂંપી જાય છે.
પહેરવા માટે—
ઉંદરના સ્વાદ ઠેર ઠેર ચાખી ચૂકેલી નગ્નતા.
ઓઢવા માટે—
માળ પર પર માળ ચઢાવી ઓઈલપેન્ટ કરેલા ઘરોમાંથી
ગડગડાટ કરતા સૂર્ય—
—ના એક ઝબકારાથી બનેલી અર્ધ શંકુ આકારની કકડભૂસતા.
કકડભૂસતા-ઓઢવા માટે, રહેવા માટે, પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે.
સર્જરી પછી.
નાકની જગ્યાએ કાન, કાનની જગ્યાએ કાણાં.
હોઠમાં ખીલાની જેમ પેસી ગયેલા દાંત.
દાંત, દાંત, અસંખ્ય દાંતનાં ચાઠાં આખી શરીર પર.
આખા શરીર પર લાલ લાલ ‘ક્લોરોફોર્મ’ છાંટીને કરાયેલી સર્જરી બાદ
નીકળી આવેલા શબ્દના લાલલાલલાલ રેકિઝનના લોચા પર
વળી સર્જરી કરીને
મારે નથી કરવી કવિતા, કલમીઓ.
ગભરાટનો ગાંડોતૂર વંટોળ ચડી બેસવાથી
જમીન પર પત્રોને એકસો વીસ અંશના ખૂણાની વિશાળતામાં ફેલાવીને
ચત્તીપાટ પડેલી સ્ત્રી
—ના ભયથી ખુલ્લા થઈ ગયેલા નિતંબ
—ના વચ્ચેના મધ્યભાગને ‘હેલ્મેટ’માં ભરી ભરીને
‘યા અલ્લાહ’ની ચળકતી ટોના બૂટની કિકિયારીઓ
ધરતી પર ઊગેલી ઘાસની પોપટી કૂંૂપળોને
જાલિમ છરક કરતી દોડતી જાય છે.
રમ્ય વાતાવરણ અને નીતરતી સવારના પીળા પૂર્ણચન્દ્રની વચ્ચે
ચાઈનીઝ ગીધોના ધણને ચરાવવા
પારકા ગોવાળો પાવામાં ટેન્કોના સૂર વગાડતાં વગાડતાં આવી ચડશે
એ આવે તે ક્ષણ સુધી
મારે
મારા એકના એક, આંખના રતન જેવા, જીભ લપલપાવતા પ્યારા ચાકુને
જીવતો રાખવો છે
એનું કારણ
ઢાકા રેડિયોની અજાયબ ઘૂર્રાટીઓમાં
સ્ટેશન ન પકડાયાનું માથાદુ:ખ કદાચ વટાવી જાવ તો તમને
ઇચ્છામતીમાં જાળ નાખીને માછીમાર પકડતી માછલીઓ
અને શણના ખેતરના સોટેદાર રેસામાં ગળાની ભીંસ પર
આંખો ચડાવેલા ખેડૂતો
—ના બતાવાતા ‘ટેલીડ્રામા’માં મળશે.
ચાકુને હું જીવતો રાખવા મથું છું જ
પણ
સામે પાર
ઊંઘમાં પડેલી પાઈપોની લાંબી હારમાળાના પોલા ગોળ ગોળ
ગોળના અગણિતમાં
સૂતેલા, જાગતા, સૂવાડતા, ભૂખેલા.
મરેલા, મરવા પડેલા, મરેલા પર રડતા, કોલેરા પર રોતા,
મચ્છરથી બચવા સૂપડું ઓઢવા ટૂંટિયું વળતા.
‘જોય બાંગલા’ બોલતા, લબડતાં સ્તનો પર છોકરાંને ચોંટાડતા,
અમુકતા, તમુકતા, અનેક કરતા અમે
જાણીએ છીએ કે પદ્મા પર એક્કે ‘પૂલ’ નથી
હું-હું-હું… ક્ષમા-માફી-ક્ષમાફી…
પૂલ ન હોવા વિશે કહું છું.
વાત માત્ર જાહેર બાંધકામ ખાતાને લગતી છે.
હું બાંધકામ અંગે કહું છું, બગાસું ન ખવાય એટલે ગપ્પાં મારું છું
કવિવર્યો, હું અહીં અમુકતા તમુક્તા કવિતા—
કવિતા કરતો નથી જ, વિવેચકો.

૧૧-૯-૭૧