પ્રથમ સ્નાન/મા-પોરાંની પુત્તળીઓ

મા-પોરાંની પુત્તળીઓ


અધરાતે મધરાતે માની પુત્તળીઓ બે જાગે
નવાસવા અનજાન પોરિયા સરનામું ના જાણે, થાનનું સરનામું ના જાણે
ઊંઘતી માની આજુબાજુ, કરે ‘ઊધાવાં’ તાજુંમાજું
જાંઘ, નિતંબે, હોઠે, ગાલે, થાન ગણીને, મોં ખોલીને ભરે ચોંટિયા
દીઠો કપાળે મોટો ચાંલ્લો
આંગળીઓ લપસાવે, ઉપર આંગળીઓ લપસાવે, સરરર
આંગળીઓ લપસાવે.
ઘરરર અઘોર ઘંટો માત ગળેથી નીકળે, નીકળે
નીકળે ના ચુપચાપ. બોલ કો
ચાપચૂપ જે પડી રહેલી, અરે, પોપચું ઓઢી-પોઢી પડી રહેલી
પુત્તળીઓ ઝબકાવે.
અધરાતે મધરાતે માની પુત્તળીઓ ઝબકાવે.
ઝબકાવે ઝબકાવે રે અન્જાન પોરિયું નવીસવી ફડફડતી એની
જીભ ઝીણી લબકાવે.
લે લે લે લે, ખાખા, લે લે, લેખી, લેખી, લેખા,
આજકાલનું બે આંગળનું ડાકાદોર જમાવે!
મા પર ડાકાદોર જમાવે, પોરું ડાકાદોર જમાવે!
આજ જગાડે પુત્તળીઓ
તે કાલ ઊઠીને કાચીકોરી છાતીઓ બે સાવ ટીંડોરા જેમ બટકી નાખે.
લેખા, લેખી, પેટ ખોલ ને જ્હોંસ બધું રે બધું જ્હોંસ રે,
ખીજાટે ખીજાટે રે બે થાન મૂતરે આંસુનો ધમધોર ધોધવો—
બેસમજુ નાદાન પોરિયા, પેટ ખોલીને જોને મૈં કૈં
ફાળ ફાળ શું આવે.
તારી પુત્તળીઓના પેટે રે કૈં ફાળ ફાળ શું પડે.
અધરાતે મધરાતે પોરો ફાળ પડેલી પુત્તળીઓ લબકાવે.
અધરાતે મા બંધ પોપચામાંથી કાઢી તાજી તાજી પુત્તળીઓ ઝબકાવે.
લબકાવે પોરે ને મા તો ઝબકાવે રે ઝબકાવે.
નેણ દાગતર, હવે તમે અહીં આવો.
આવી કરો મજેનો જાદુ ટૂચકો.
માની આંખે પોરાંની પોરાંની આંખે માની તાજી
બે લબકે ઝબકે પુત્તળીઓ
લબક લબ કરે ઝબકે, રે ભૈ, લબકઝબક રે લબકે.
માની આંખે મા-પોરાંની, પોરાં આંખે પોરાં-માની પુત્તળીઓ એક્કેક નંગમાં
ઝબક ઝબક કરે લબકે રે ભૈ, ઝબક લબ કરે ઝબકે.

૧૬-૭-૭૦