પ્રથમ સ્નાન/મૃતાત્મા

મૃતાત્મા


ચન્દ્ર નમ્યો
આખી રાતમાં મદિરાથી ચકચૂર ઘેટાંઓનું તાંડવ
તે હવે નીચે માથે લથડતું સાગરમાં પોતપોતાનો દર શોધતું શમી ગયું.
સફેદ રેતીના પવનની લ્હેરખીની ભાતવાળા આ પટ પર
ઊડતી જતી ભીનાશ વચ્ચે, સળવળતાં દરિયાઈ સાપોલિયાંઓ વચ્ચે,
એક આ રંગ ને ગંધ ખોઈ બેઠું છે.
માછલીઓ ઠેર ઠેરથી ચામડીની મીઠાશ ચાખી ગઈ છે.
ને તોય અંતિમ વીતકના દુ:સ્વપ્નના સ્મૃતિ-શેષને જાળવી રાખવા એ સફળ
તે પાણી તેની ખુલ્લી કૂખમાં છેલ્લી રમત રમી
હમણાં જ નીંદરમાં પોઢ્યું છે
સૂરજ ઊગતાં જ નમકનાં આછાં શ્વેત કફન એના પર સ્પષ્ટ થશે
ને દેહ નાળિયેરના કાચલા જેવો સખત થતાં જ —
કે પછી
હજુ મોંસૂઝણામાં જ જાળબંધ માછીમારોના વજનદાર પગ નીચે
કચડાતાં, કચડાતાં
ઠોકરાતાં પાણી ઢળતાં વંધ્યત્વ જેવી છીછરી કૂખ ખુલ્લી.
ઊંધી આડી ઠેલાતાં દબાતાં ચંપાતાં નીચે ઊતરતાં
કદાચ એ જ એની કબર—
પુરાતત્ત્વવેત્તાઓને આજે એમાં શો રસ?
જમીન સંૂઘતાં, નાળિયેરીના થક પર નાક ઘસતા
લબડતી જીભના પોલિસકુત્તા પગના ન્હોર વતી અહીં જો ન ફંફોસે
તો તો પછી
કયામતને તો ઘણી વાર છે.
તે ક્યાંક આ ચક્રવાક યુગ્મનું અન્ય અર્ધ પણ આમ જ…?