પ્રથમ સ્નાન/મૌન

મૌન


આ બે ઓષ્ટ તણું આલંગિન એવું જામ્યું કે હું શેં બોલું?
ખૂૂલું ખૂલું પાંખડીઓના બે કમળ વચાળે ફૂટે પ્રાત:કાળ
કહો, હું શેં કલશોરું?
બે ઓષ્ટ તણું આલંગિન ને કૈં જામ, મદિરા,
સ્વર્ણ સુરાહી એક પછી એક ખાલી
ખાલીથી તે ભરી લગીનો, ભરી થકી તે ખાલી લગનો નહીં વીતતો સમય
સમય હું જોતો ઊભો — ક્યાંક વીથિકા, તરુ, વાડ કે ઘુમ્મસને હું શોધું.
રે ગોપાઈ જવા હું શોધું.
સ્હેજ જરા અણસાર… પછી આ લોચનિયાં,
જ્યાં કીકી થૈને ચકળવકળતા બે કૈં પારાવાર
ઉપર કૈં એવાં અપરંપાર પોપચાં ઢળી પડ્યાથી
છળી પડેલી કીકીઓનો ઘુઘવાટ
પછી હું શે અવરોધું?
આ બે ઓષ્ટ તણું આલંગિન એવું જામ્યું કે હું શેં બોલું?
શેં બોલું, હું શેં બોલું. કહો કંસ મોકલ્યો બકાસુર હું બની જઈને
કૃષ્ણ-રાધને જમના જળમાં ઝબકોળી ભંડાર્યાનો ગંૂગળાટ સેવવા
કૈંક યામિનીઓથી જે બે અવાક્ છૂટા સ્તબ્ધ ઊભેલા દૂર દૂર તે
ચીર મળ્યા ને — વળી ફરીથી જરા મળ્યાને છૂટ્યા, મળ્યા ને છૂટ્યા તણી
હાલતમાં તે શેં મૂકુંં હવે હું? — અરે, હવે હું સરનામાને બ્હાને
જૈને દરવાનોની પાસ ભલેને બાકસ-બીડી-ચિનગારીની કરું આપ-લે
ધૂમ્ર-વલયમાં ફરું ચીતરતો હંસહંસીના આકારોમાં
ઈકારાન્ત કોઈ નામ ભલે.
પણ કહો, કહો હું ઓષ્ટ વચાળે શોધીને પોલાણ
જીભને ધૂમ્રગોટનો સ્વાદ ચખાડી શેં ઢંઢોળું?
આ બે ઓષ્ટ તણં આલંગિન એવું જામ્યું કે હું શેં બોલું?

૫-૮-૭૧