પ્રથમ સ્નાન/રાત્રે શયનખંડમાં

રાત્રે શયનખંડમાં


‘આવ’
પાત્ર સ્પર્શનું ગ્રહી હું ભીખ માંગતો હતો
‘આવને જરા!’
જરાક (હાથની) હથેળી હાથમાં લઉં.
તળાવમાં સરિતમાં પૂરની જેમ હું ફરી વળું.
પછી જપાનનો બુલંદ ધરતીકંપ આવશે ધસી.
નવાઈ! કાગદી મકાન તોય તૂટશે નહીં.
તૂટી જશે પછી તમામ ‘આવ’ કેરી યાચનાનું છલ.
હલ્બલી પછીથી ઉઠશે સમગ્ર રક્તરંગી
પ્લાઝમાનું જલ.
કટાઈ ગૈ હતી તમામ કાતરો છતાંય હું જ
કાપતો ન’તો,
વધી ગયેલ તે બધાંય સ્વચ્છ શ્વેત ખૂલશે નખો.
મધપૂડા પરે સહુ કરોળિયા ફરી જશે.
જાંઘ, છાતી, ચહેરે, સ્વતંત્ર ત્રાડ કૂદતી હશે.
સર્પકોટરો થકી યયાતિ બ્હાર આવશે
તોય… એ બધું પછી…
જરાક, સ્હેજ, હાથની હથેળી હાથમાં લઉં.
આવને જરા!
ટેમ્સના ધીરા, ગભીર વારિને હલાવવું.
તરી જવું હું જાણતો હતો.
‘આવ, આવ, આવ, આવ’
પાત્ર સ્પર્શનું ગ્રહી હું સ્પર્શના જ પાત્રકેરી
ભીખ માંગતો હતો