પ્રથમ સ્નાન/રાવજી પટેલ જતાં

રાવજી પટેલ જતાં


રામ, પ્હોળા બ્હોળા ગાલ્લાંની જેમ કૂવામાં સૂતા રે,
રામ, લોખંડી દરવાજો ચળકતો અક્કડ, કટાયો દરવાન
શાવકારને જ ડૂંડાં લણતાં ના’વડ્યું.
પ્હોળું બ્હોળું ગાલ્લું, રામ, પાછળ કોલાંની ચીસો.
ડૂંડાં કાપતાં દરોઈનો ઘા આંગળીએથી વ્હેતો વ્હેતો ઊંડે મા’જન.
કટાયેલો દરવાન ને તમે મા’જન, ઓળખું તમારી પોઠનાં ઊંટ ને ઘંવ
મા’જન, પણ તમે કિયા ગામના?
હૂરત, વલછાડ, નરબદાના પૂર આણીમેર આણંદ, નડિયાદ થઈને
ઊતર્યા ચાર ખેતરવા પાર.
ભળ્યા દરોઈના આંગળીના ઘા ભેળા, ચાલ્યા ઊંડે ઊંડે
અલ્લાની કબર પર લોંકડી ચીસે, ચીસો કોલાની.
ફેડું કાંદાના છોડાં
ફેડું પોઠના ઊંટની ખાલ, ચક્કીમાં દળી નાખું ઘંવ.
તોય રામ, મા’જન, શવકાર, મોટા,
તમે કિયા ગામના?
શોધું એક અક્કડ આદમીનું એડ્રેસ કાંદાનાં છોડાં પર
ફેડું હાયરે,
‘‘કાલે રાતે એક કવીત વીંઝાયું’તું’’ ઊઠશું આવતીકાલે.
વહેશે નરબદા આણંદ નડિયાદથી ચાર ખેતરવા ઊતરી આવી,
આણીમેર જેમની તેમ
રેડિયો પરેથી જેની વહે છે ગીતમાલા તે ઘસશું ટૂથપેસ્ટ.
પણ ના’વડ્યું અચ્છાબડાને ડૂંડાં…
ફોલતાં કપાસિયાનાં કાલાં.

૧૮,૧૯-૮-૬૮