પ્રથમ સ્નાન/વાયરે સૂરજ વે’તો…

વાયરે સૂરજ વે’તો…


વાયરે સૂરજ વે’તો, ટેટા ટપકે ઝીણા લાલ ને તપે દેવ વિનાનું દેરું.
સાંકડી સીધી નેળમાં લીલું છાણ ને કાંટા થોરિયા, ચીલે પગમાં મે’લું.
ક્યાંય ના ગાડું કોઈ કળાય
કાંખમોં છોરો રડતો જાય, પાદર પોંગતા વરસો થાય.
જીંથરપીંથર સાફો, સૂકા સોડિયે છા’તી જાય સફેદી ઢોલરો મારો.
ટેસ્સમાં ઘોરતાં જાઈં છોને વાદળ કરે કેકા વરસે મોરલો ઢેલ વન્યાનો.
હાંફતી છાતી કેમ વિજોગી સોરઠા નંઈ રે ગાય
ભીંતપે ચીતરી વેલનાં પાંદડાં ધીમે ધીમે ખરતાં જાય.
પ્હોર થતાં પરભાતિયાં દોડે, છાણ-વાસીદાં ભતવારીના ભાત કસુંબો કાઢતી જાઉં
બબ્બે ખંજન સામટા બોલે, ભીંસની ભાંભર પૂરવા જૂનો બાજરો બધે નીરતી જાઉં
હેલનાં પાણી ભરવા જતાં કૂવે ઢાલિયા કાચબા ન્હાય
પગ વાળીને બેસવું લીલા ઝાડની ભૂરી છાંય

૨૭-૧૧-૬૮