પ્રથમ સ્નાન/વાયરો અને વાત

વાયરો અને વાતટ


વાયરો તો વૈ જાય, રે વ્હાલમ, વાયરો તો વૈ જાય.
આપણી ગોઠડ આપણી ગોઠે તોય રે કાં રૈ જાય,
રે વ્હાલમ, તોય રે કાં રૈ જાય?
નાગરવેલે પાન કૈં ફૂટ્યાં લવંગિ છોડે ફૂલ
વાટ જોતાં તો જલમ વીતે તોય રે ના લેવાય, રે તંબોળ
તોય રે ના લેવાય.

પાંપણ નીચે પાન ખીલે ને કંચવા હેઠે ફૂલ
હોઠથી ખરી ગોઠને ઝીલી હોઠ ગુલાબી થાય, રે વ્હાલમ,
પાન ગુલાબી થાય.

પાન ગુલાબી થાય, રે વ્હાલમ, વાયરો શેં વ્હૈ જાય,
પાતળો આવો વાયરો આપણી ગોઠડ શેં વ્હૈ જાય.

વાયરા ભેળું વ્હાલ આવે, નૈ વાયરા ભેળું જાય,
હાટમાં એનાં મૂલ ન ઝાઝાં, પાલવડે નહીં માય, રે વ્હાલમ,
પાલવડે છલકાય.

લઈ લે — પાણી મૂલનો સોદો — સાવ સોંઘું જાય
કાનની તારી ઝૂકતી કડી સાંભળે રે નૈં કંઈયે જરી એમ
પતાવટ થાય, જો વ્હાલમ એમ પતાવટ થાય.

વાયરો છો વૈ જાય, રે વ્હાલમ, વાયરો છો વૈ જાય,રે વ્હાલમ,
વાયરો છો લૈ જાય, રે આપણ બેયને છોે વૈ જાય, રે વ્હાલમ,
તોય નહીં રૈ જાય.

૧૮-૮-૭૧