પ્રથમ સ્નાન/વિદાય

વિદાય


બૂટાળાઓનો આ દેશ — વિશ્વ!
બૂટ, મારા પરમ પ્રિય, મારી આશાની ચરમ ટોચ.
વિદાય, વિદાય તને — અશ્રુપાત.
બૂટાળાઓનો આ દેશ — વિશ્વ!
સૌના બૂટમાં નિવાસ, બૂટમાં વાસ, બૂટમાં પ્રકાશ, બૂટમાં શ્વાસ,
ઉછાસ— … ઉછાસ!
બૂટની બોલી પર બધા આફરીન છે.
કાલી કાલીને ઘૂઘરીથી રમાડે છે.
બેબીના વાળ સજાવવા જેમ ચમકાવે છે.
‘ઓ, કોનું બૂટ છે? તમારું? સ્મોલ સ્વીટ ચૅપ!’
— રમાડે છે, ગુદ્ગુદી કરે છે, ખંજન પડે છે
માનજો કે તમે બઢતી પર છો!
બૂટને દીવાનખંડમાં ટાંગે છે.
શો-કેસમાં ગોઠવે છે
એનું ‘એકવેરિયમ’ જેવુંય —
બોસ ખુશ છે.
બધા બોસ છે.
વિદા, વિદાય, અતીતનાં ચુંબનોનો વરસાદ મને જંપવા દેતો નથી.
બૂટ વિનાનાં માનવી પશુ સમાન છે
રસ્તાની મારી પહેલી ઠોકર માઈલસ્ટોન સાથેની.
ઉઘાડપગો!
વાંઝિયામેણાં માડી દોહ્યલાં…
ઘર ત્યજી ભમું દૂર ને મારા પોતીકા પગ જો બને બૂટ
તો દોરીની ગાંઠ છૂટતાં જ
હાડકાંની સળીની વચ્ચે લોહીમાંસના ગઠ્ઠા!

૧૨-૭-૭૪