પ્રથમ સ્નાન/સર્જક ભૂપેશની આન્તરછવિ


સર્જક ભૂપેશની આન્તરછવિ
સંપાદકો વતી મૂકેશ વૈદ્ય

‘વ્યક્તિ-માત્ર સારી કે ખરાબ નથી હોતી પણ વ્યક્તિમાં ઊછરેલા સમાજનું એ (સારું કે ખરાબ) લક્ષણ છે’ એવા, અથવા તો, ‘મનુષ્યને નાનપણથી બાઝેલા અધ્યાસો, ભાવો ખેરવી શકાય? સ્વભાવ જેવું કંઈ હોઈ શકે? સ્વ-ભાવ પામવો છે મારે’ જેવા તાત્ત્વિક મુદ્દાઓ લઈ ભૂપેશ ચર્ચા કરતો. પણ એથી ય અગાઉનું ભૂપેશ સાથે સંકળાયેલું છેક નાનપણનું દૃશ્ય આજે પણ સ્પષ્ટપણે યાદ છે. જ્યારે હું પહેલા કે બીજા ધોરણમાં ભણતો હોઈશ અને ભૂપેશ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતો હશે ત્યારનું. ચીખલીમાં મારાં ફોઈનું ઘર ભૂપેશનું મોસાળ. પશ્ચિમાભિમુખ ઘરમાં ફરી વળેલા સાંજના તડકાઓ વચ્ચે બાંકડે બેસી બન્ને પગનું ‘ડેસ્ક’ બનાવી શિવાજી અને મોરનું ચીતરામણ કરતો ભૂપેશ હજીય આંખ સામે તરે છે. અમને નાના છોકરાઓને કાવેરી નદીના ભાઠામાં ફરવા લઈ જતા ભૂપેશ અને એમના મોટાભાઈ ધીરેશ ક્યાંય લગી મસલત કર્યે જાય, આ દિવસોથી માંડીને છેલ્લે ફેબ્રુઆરી ૧૯૮૨માં ભૂપેશ પાસે ભાષાવિજ્ઞાન શીખવા ગણદેવી ગયો ત્યાં સુધીના સમયમાં ક્યારેક મને ભણાવતા, ક્યારેક ભારતીય જનતા પાર્ટીની કે એવી વાતો કરતા તો ક્યારેક ‘ગપ મારી’ હસતા હસાવતા રમતિયાળ ભૂપેશની અનેકાનેક મુદ્રાઓ નજર સામે ઊપસે છે, ફિલ્મની જેમ સર્યે જાય છે. સ્મૃતિમાં અંકાયેલું ભૂપેશનું વ્યક્તિત્વ નર્યો પ્રેમાર્દ્ર માણસ કેવો હોય એના દૃષ્ટાન્તરૂપ છે. નાનપણમાં કાવેરીને કાંઠે મોડી સાંજ સુધી ગોષ્ઠિ કરતા જોયેલા ભૂપેશ-ધીરેશનો સંબંધ છેવટ સુધી એવો જ, એકમેકની મથામણોને સન્નિષ્ઠપણે પામવાની આતુરતાભર્યો, વિન્સેન્ટ વાનઘોઘ અને થિયોની યાદ અપાવે એવો ઉષ્માભર્યો રહ્યો.

એ પછી બિલીમોરા કોલેજમાં બે-એકવાર મળ્યા હોઈશું. પછી તો ભૂપેશ એમ.એ. કરવા અમદાવાદ ગયો. ત્રણચાર વરસ બાદ મલાડની કોલેજમાં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના સંમેલન વખતે લોકલ ટ્રેનમાં રમણ સોની અને મણિલાલ હ. પટેલ સાથે મળ્યો. ત્યારે એણે ‘બૂટ-કાવ્યો’ વાંચી સંભળાવેલાં. કહે કે એને એવા ઘણા તબક્કા આવી જાય કે એ એક યા બીજા કારણોેસર નહીં લખવાનો નિશ્ચય કરી બેસે. ઘણીવાર એકસાથે ઘણી કૃતિઓ મનમાં આકાર લેતી હોય ને એ સંકલ્પપૂર્વક લખવાનું ટાળે પણ ‘ઘોડાપૂરનું જોર વધી જતાં વાત મારા હાથની ન રહે ને કલમ હાથમાં લેવી જ પડે. ‘બૂટ-કાવ્યો’ની જેમ જ ‘થોડાંક વૃક્ષો — એ પળે’ પણ આન્તરિક compulsionમાંથી જ રચાયેલું. પણ આ આન્તરિક compulsion સાથે જ લખતી વખતે કૃતિ પર એનું બૌદ્ધિક નિયંત્રણ પણ એટલું જ મજબૂત હોય. માત્ર ‘આધુનિકતાવાદી’ સામે એને વાંધો હતો. એ પોતાને ‘ક્લાસીસીસ્ટ’ તરીકે ઓળખાવતો. રિલ્કે, બોદલેર, માલાર્મે ને વાસ્કો પોપાને પણ એ વાંચે, પણ પૂછે — આપણે ચોસર, શેક્સપિયર અને વાલ્મીકિ શા માટે નહીં વાંચવા? બાલાસિનોરમાં અધ્યાપક હતો એ દિવસોમાં ભૂપેશને મેં કાવ્યસંગ્રહ કરવા આગ્રહ કરેલો. ત્યારે એણે સંગ્રહ કરવા અંગે પહેલી ને છેલ્લીવાર ઉત્સાહ બતાવતાં કહેલું કે ‘એકવાર બધાં જ કાવ્યો, રિલ્કે કહે છે તેમ, એકાન્તમાં કાવ્યની સૃષ્ટિમાં નવેસરથી પ્રવેશી ચકાસવાં પડે.’ અધ્યાપન છોડ્યા પછી ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં ફિલ્મ એપ્રિસિયેશનના કોર્સમાં જોડાયો ત્યાં સુધીના વચ્ચેના દિવસોમાં, એક સાંજે નરિમાન પોઈન્ટને નાકે બેસી એની સર્જનપ્રક્રિયાની વાતો કરતાં એણે કહેલું કે ‘લખવાની શરૂઆત કરતાં પહેલાં કૃતિ abstract formમાં મારી પાસે ઘણીવાર સ્પષ્ટ હોય છે.’ કહે કે મને તો લખવાની બાબત મહષિર્ અરવંદેિ જણાવેલી બાબત જેવી જ લાગી છે; કે મારા આવકાશમાં એક પદાર્થ તરે છે અને મારે એને અવતારવાનો છે. ચિત્તમાં abstract formમાં પડેલા પદાર્થને કાગળ પર અવતારવા માટે એ જુદાજુદા શૈલી-વળાંકો વિચારતો રહે. એક રીતે સંતોષ ન થાય તો ફરી બીજી રીતે મથે. આમ લખાતી જતી કૃતિ પર અનેકાનેક છેક-ભૂંસ પણ ભૂપેશ કરતો જ રહે. એને મન વર્ણ્ય-વિષય અને સામગ્રી કરતા વધારે મહત્ત્વ નિરુપણ-રીતિનું જ રહેતું. ભૂપેશના કવિતા માટેના ખૂબ ઊંચા ખ્યાલો. વાંરવાર એ કાવ્યલેખનના સંદર્ભે ‘બાથ ભીડવી’ શબ્દ વાપરતો. કૃતિએ કૃતિએ વાતાવરણ અને કાવ્યભાષા ધરમૂળથી બદલાવાં જ જોઈએ એમ એ દૃઢપણે માને. ઘણી બોલીઓ પર પણ એ સારું પ્રભુત્વ ધરાવતો. સાહિત્ય અને પાછળથી કળામાત્રથી વિમુખ થવાનું વિચાર્યું ત્યારે પણ એણે ભાષાવિજ્ઞાનનો અભ્યાસ ચાલુ જ રાખેલો. કહે કે ભાષાવિજ્ઞાન જગતનાં મહાન વિજ્ઞાનોમાંનું એક છે અને ભાષા સાથેનો સંબંધ માણસ માત્રને અનિવાર્ય છે.

હાલ એ પત્ર હાથવગો નથી પણ એક પત્રમાં એણે એવું કંઈક લખ્યાનું યાદ છે કે કવિતા લખવી એટલે આપણી સામે પડેલી સૃષ્ટિ રચનાર ઈશ્વરને પડકાર ફેંકવા જેવું છે કે આવી જ એક સૃષ્ટિ હું રચું છું, સર્જું છું. આપણી સામે પડેલી સૃષ્ટિના સંકુલ આટા-પાટા બુદ્ધિ કે ઇન્દ્રિયાનુભૂતિથી નિ:શેષપણે પામી શકાય નહીં. એમ કાવ્યમાં કે સર્જનમાત્રમાં એવી સંકુલતા હોવી જોઈએ. અહીં શબ્દફેર થવા સંભવ છે. કારણ ભૂપેશની સામાન્ય વાતચીતનો શબ્દ પણ આખી વસ્તુના અર્ક જેવો સઘન અને સચોટ રહેતો. હમણાં થોડા સમય પહેલાં મળ્યા ત્યારે કવિશ્રી સિતાંશુ યશશ્ચન્દ્રે કહ્યું હતું કે, ‘‘કવિતા લખવી અશક્ય છે’ એવા વાક્ય નીચે ભૂપેશ સહી કરી આપે.’ કદાચ એના કવિતા અંગેના ઊંચા ખ્યાલો ધ્યાનમાં રાખીને જ એમણે આમ કહ્યું હશે. પરન્તુ ભૂપેશ એટલો ભલો-ભોળો પણ ન હતો. એણે ‘એક ઈજન’ લખ્યું ત્યારે ખુમારીપૂર્વક કહેલું કે ‘‘ધારો કે આ મારી રચના ન હોય તો પણ, objectively જોતાં અત્યારે એ ખૂબ નોંધપાત્ર કાવ્યરચના લાગે છે.’’ ‘એક ઈજન’ કાવ્ય લખાયું ત્યારે કાવ્યપદાર્થ માટેની અપેક્ષાઓ પરાકાષ્ઠાએ પહોંચી હતી.

ભૂપેશના પત્રોમાંથી સર્જકચેતના, કાવ્યપદાર્થ, અને પોતાની સર્જન-પ્રક્રિયા અંગેની એની સાતત્યપૂર્ણ એટલી જ વિકાસશીલ વિચારધારાનો આલેખ તારવી શકાય. મારી, જયદેવ શુક્લની અને બીજા કેટલાક કવિમિત્રોની કાવ્યરચનાનો પ્રતિભાવ એ મરમી કાવ્યજ્ઞ અને સાચા સહૃદયની હેસિયતથી પત્રમાં લખી મોકલતો. એના નક્કર પત્રવ્યવહારમાં લાંબા ફુલસ્કેપો ભરીને પણ લખાણ હોય, ને કહેવાનું આવી જતું હોય તો ભૂપેશ માત્ર ત્રણ લીટીનો પત્ર પણ લખે. દરમ્યાન કશુંક નવું લખ્યું હોય તો પ્રતિભાવ પણ પુછાવે. તા ૨૨-૫-૭૯ના એક પત્રમાં એણે લખીને મોકલેલી એની બે કાવ્યરચનાઓ — ‘ડાલામથ્થો પહાડ’ અને ‘ચાટલાને જો’ — સાથેના લખાણમાંથી એની મથામણ સ્પષ્ટપણે નિદિર્ષ્ટ થાય છે, જે અહીં ઉતારું છું : (બીજી રચના સંગ્રહમાં છે જ.)

ડાલામથ્થો પ્હાડ

ધુમ્મસની રાખ તળે ભભૂકે અંગાર
ડાલામથ્થો પ્હાડ, ડાલામથ્થો પ્હાડ.
સાગરનું પેટ ચીરી આવ્યો ધસી બહાર
ડાલામથ્થો પ્હાડ, ડાલામથ્થો પ્હાડ.
લાંબો તાડ વધે કરે આભનો શિકાર
નીચે બળજોરે દાબી તળેટીની નાર.
લથબથ ચોંટી ખૂંપી લાવા કેરી ઓક
પરસેવે લીધું ઝમે પાણી થોકે થોક.
ઝોડ જેમ વળગ્યા છે રાફડાના ઝાડ.
ટોળે* ઊગે તરુવર સૂરજ ને ચાંદ
ઉપર…….*ઊડે લીરે લીરા પાંદ
વલાય ચીખે વાદળોનું દળ
બૂડે કાળુ જગ તરે ઝળહળ જળ.
વાયરાની રાડ સામે ખડી કરે ત્રાડ.
૬-૫-’૭૯

‘હમણાં આ બે રચનાઓ લખાઈ. કવિતા નથી આ. કવિતા તો ખૂબ સંકુલ પદાર્થ છે — સંકુલતા છે એટલે તો જીવન્ત છે. આ તો fragment રૂપ અસ્તિત્વના એકાદ fragmentમાંથી જન્મેલી એવી જ fragment જેવી રચનાઓ છે. એમાં જો સૌંદર્ય દેખાતું હોય તોપણ એ fragmentનું જ છે. આમ આવી રચનાઓ આન્તરિક સ્વરૂપમાં વિચ્છિન્ન ન હોય — આકર્ષક પણ હોય છતાં કવિતા ન હોય એવી હોઈ શકે. કક્ષાગત ભેદની કોઈ જરૂર જ નથી. એવો ભેદ હોઈ ન શકે. કેમ જાય છે આ રચનાઓ તે જણાવજે.’’

આ પત્રમાં જ મારી અમુક દલીલોનો પ્રત્યુત્તર આપતાં એ આગળ લખે છે :

‘‘ભૂત્તોવાળા કાવ્યમાં તેં સર્ગશક્તિનો ઉપ-યોગ તો કર્યો જ છે. તારા કાવ્ય દ્વારા એ બતાવી શકાય — મારે એની બહાર જઈને વાત કરવી નથી. હા, તું એ અંગે સભાન ન હોઈ શકે. એ ઉપ-યોગ લાગણીનું મોજું છવાયેલું હોઈ શકે. બાકી લાગણીશીલતાએ જ એ રચના લખાયેલી હોય તો એમાં કવિ વ્યક્તિત્વની તારી લાક્ષણિકતામાં-શૈલીગત લાક્ષણિકતાઓ વિખેરાયેલી એ કેવી રીતે?’’ હમણાં ધીરેશભાઈ એના પત્રોનું સંપાદન કરી રહ્યા છે, જે પ્રગટ થતાં ભૂપેશના વ્યક્તિત્વનો વધુ આન્તરિક પરિચય મળી શકશે. અહીં એની વિસ્તૃત ચર્ચાને અવકાશ પણ નથી.

ભૂપેશની કવિત્વશક્તિનો પ્રાદુર્ભાવ એની વિશિષ્ટ બાનીમાં પણ રહેલો છે. મેં કોમર્સના વિદ્યાર્થીએ ગુજરાતી વિષય સાથે એમ.એ. કરવાનું શરૂ કર્યું ત્યારે એમ.એ. કરવાનો મારો આશય સાહિત્યપ્રેમ છે અને વ્યવસાયલક્ષી નથી એ વાતની ખાતરી થતાં મને માર્ગદર્શન આપવા માટે લગભગ એકાદ મહિનો ભૂપેશ મારી સાથે રહ્યો હતો. ભૂપેશનાં કાવ્યોમાં અવારનવાર લોકલય, તળપદી ભાષા અને અનેકવિધ બોલીઓના લ્હેકા પીંડીભૂત થતા અનુભવેલા. પરન્તુ એણે સંસ્કૃત સાહિત્યમીમાંસા સમજાવી ચર્ચા કરી ત્યાં સુધી એના સંસ્કૃતના ઊંડા જ્ઞાન વિશે મને જાણ ન હતી. કંઈ કેટલીયે કારિકાઓ ભૂપેશને કંઠસ્થ. મૂળ ગ્રંથો સંસ્કૃતમાં સીધા વાંચી શકે એટલું પ્રભુત્વ. પણ એણે કવિતાનું diction સંસ્કૃતપ્રચુર ભારેખમ બનવા દીધું નથી. એટલું જ નહીં, સામે છેડે તળપદી ભાષાના મૂળમાં એ ઊંડે ઊતર્યો એ પણ એના કવિ વ્યક્તિત્વની વિલક્ષણતા છે.

‘અધર’ નામ આપેલી કાવ્યપોથીમાં ભૂપેશનાં ૧૯૬૩થી રચેલાં કાવ્યો મળે છે. ૧૯૭૧ સુધી ગીતો રચ્યાં. પછી વિશેષત: અછાન્દસ રચનાઓ જ કરી. ૧૯૭૮-૭૯ની આસપાસ એણે પરંપરિત મનહરમાં ‘એક ઈજન’ રચી. મનહરની નજીકના એવા પયાર છંદમાં પણ એને ઊંડો રસ હતો. આરંભકાળની કેટલીક રચનાઓ — જેવી કે ‘મૃત્યુદોટ’, ‘કબર પરનાં પુષ્પો’, ‘પિતા’, ‘મરણ થઈ ગયું’, ‘માનવ મરે છે’, ‘ડાઘુજનો’ અને ‘બે વૃદ્ધનાં અવસાન’-માં મરણ અને સ્મશાનનું વાતાવરણ વારંવાર નજરે ચડે છે. તે ઉપરાંત સ્પર્શ અને મૈથુનના અનુભવો પણ પ્રતીકાત્મક રીતે આવતા જોવા મળે છે. એવી કેટલીક પંક્તિઓ માણી શકાય :


‘વાઘની આંખથી વનમાં લાગ્યો દવ’
(‘વાઘ’ — ૧૯૬૮)

‘‘આમતેમ હું જોઉં ક્યાંય તો વાંસતણો કાંટો ફૂટે છે?
ખીણતણી આ કરાડ ઉપર કોણ ઝૂકે છે? ચાંદો.
ચાંદો તરણાં ચરી ગયો રે.’’
(‘જંગલમાં યાદ’ — ૧૧-૮-’૬૮)


‘આવ’
પાત્ર સ્પર્શનું ગ્રહી હું ભીખ માંગતો હતો.
આવને જરા!
જરાક હાથની હથેળી હાથમાં લઉં
તળાવમાં સરિતનાં પૂરોની જેમ હું ફરી વળું
(‘રાત્રે શયનખંડમાં’ ૯-૩-’૬૮)

‘‘આંબાવાડીમાં આવી પહોંચ્યો છું
માટી કોયલની જેમ ઊડા ઊડ કરી મૂકે છે ને સેવે છે મને કેરીના ગર્ભની હૂંફમાં.’’

‘‘… … …
ઉપાડ, કોદાળી ઉપાડ. ખોદી નાખ મને
ઊંડે હાથિયા આંબાની છાયાઓ પ્રેતના ટોળામય અટ્ટહસે છે.
મૂળસોતાં તોડ્યે જા એક પછી એક ઢેફાં ફાવે તેમ ફેંક્યે જા
ક્યાં છો? તું ક્યાં છો? હળ ચલાવ.’’
(‘મૈથુનની ક્ષણોમાં.’)

લોકલયમાં જુદાજુદા ઢાળ અજમાવતી ગીત-રચનાઓ પણ એ સમયમાં ભૂપેશે ઘણી કરી છે. એનાં કુલ ત્રણ ‘પિતા’ કાવ્યો છે, જેમાંથી એક ગ્રથનમાં નબળી હોવા છતાંય ‘ચરાચરનો પિતા એક જ છે’થી આરંભ કરી ‘‘માતા સત્ય છે, પિતા કલ્પના’ કહી માતૃપ્રેમ પર કેન્દ્રિત થતી, સંકુલ પરિમાણો નિષ્પન્ન કરતી રચના છે. ૧૯૬૭-૬૮માં લખાયેલી આ કૃતિમાં ‘એક ઈજન’ કાવ્યનાં બીજ રહ્યાં હોય એવું પણ લાગે છે. પાછળથી તો ભૂપેશ મનુષ્યના સંબંધો અને એમાં રહેલા શોષણ પર ખૂબ વિચારતો થયો હતો. એ કહેતો કે ‘‘શોષણ અને લાલસા સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ લાલસા સંતોષાય ત્યારે એમાં કોઈનું તો શોષણ હોય જ છે.’’ આ સંદર્ભે ‘પેટ’ વાર્તા ખાસ યાદ આવે.

આ કૃતિઓ ઉપરાન્ત, અસંગ્રહિત રહેલી કૃતિઓમાં ભૂપેશની અત્યંત મહત્ત્વાકાંક્ષી કૃતિ છે — ‘કુપિત રાક્ષસીના શબની મહીં.’ પુરોવચનમાં ડો. ચંદ્રકાન્ત ટોપીવાલાએ દ્રુતવિલમ્બિતની અભૂતપૂર્વ નાદ-આકૃતિઓ તરીકે ઉલ્લેખી છે તે આ જ કૃતિ. બસસ્ટેન્ડ પર ‘કુપિત રાક્ષસી…’ સાંભળી શ્રી ટોપીવાળા એને ભેટી પડ્યાની વાત ભૂપેશે કહેલી. ‘કુપિત રાક્ષસીના શબની મહીં’ દ્રુતવિલમ્બિત છન્દમાં લખાયેલી કુલ ૩૨૩ પંક્તિની રચના છે. આ કાવ્ય એણે ત્રણેક વાર મઠાર્યાનું યાદ છે. પણ અન્તિમ સ્વરૂપ પામેલી પ્રત હાથ નહીં લાગી. જે પ્રત મળી તે એકદમ કાચી, પહેલી જ વાર લખાઈ ત્યારની. એમાં આગળ કઈ રીતે વધવુંં એની નોંધ પણ છે. આટલું હોવા છતાંય ભૂપેશને આખું કાવ્ય મોઢે હતું. એના મોઢે સાંભળેલા છેલ્લા રૂપની પ્રબળ અસરને લીધે, કાચો મુસદ્દો પણ સંગ્રહમાં લેવા મન લલચાતું હતું. એથી મારે આ અંગે સાથી સમ્પાદકો સાથે મહિનાઓ સુધી લાંબી અને ઉગ્ર ચર્ચાઓ થઈ અને અન્તે કાવ્યત્વ અંગેનાં ઉચ્ચ ધોરણોને ધ્યાનમાં લઈ એ કૃતિ નહીં લેવી એવું નક્કી થયુંં. અહીં એની કેટલીક લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરવા ધારું છું.


‘‘કુપિત રાક્ષસીના શબની મહીં
કવલરૂપ છું કેદ પુરાયલો’’

આ પંક્તિથી આરંભાતી આ રચનામાં કુપિત રાક્ષસીના શબમાં કોળિયાની જેમ કેદ થયેલો નાયક એના લપસતા, સરતા, ભટક્યે જવાની ગતિ અને સ્થિતિનું પોતે જ વર્ણન કરે છે. આખી ય રચનાનું માળખું કથનાત્મક (narrative) છે. મૃત રાક્ષસીના શરીરની વેરવિખેર ભૃગોળ વચ્ચે નગરોનાં નગરો બાથમાં ગ્રહી ઠરતા લાવા જેવી આંત્રરસોની જાળ, અસહ્ય લ્હાય અને ગાઢ હંસ્રિ અંધકારમાં નાયક આગળ વધે છે. જ્યાં —

‘અસીમ પેટની આગ મહીં અરે
અસીમ મારી ય પેટની આગ છે.’

*

‘‘અહીં ચહુદિશ અંધ જ અંધ છે
નથી નિશા નથી ચંદ્ર ન આભ ત્યાં
ઋષિ તણા ગણની અહીં છાંય ક્યાં?’’

*

‘‘કશુંય નૈ કશું નૈં કશું નૈં કશું
બધુંય શાન્ત જ શાન્ત જ શાન્ત છે.
ફક્ત હંસ્રિ તમિસ્ર તમિસ્ર છે.’’

આ યાત્રા સંદર્ભે ભૂપેશે કરેલી નોંધ મુજબ ‘‘આગળ વધવું, તૃષા, ભૂખની પ્રચંડતા અને રુંધામણ, અંધ માતા અને પ્રેયસી તેય અંધ, બન્ને દ્વારા શોધાશોધ. વતનની યાદ, ભૂમિની યાદ, આકાશની યાદ, પાણીની યાદ, ફરી તૃષા આ સ્થિતિમાં નાયકનું બેસી પડવું. રાક્ષસીના શબમાં પ્રવેશની ફ્લેશ બેક; પાણી ભરાવાનો પ્રારંભ, શબનું હાલવું, તૃષા છીપાવવાનો વ્યર્થ પ્રયત્ન. વિહ્વળતા, રુંધામણ, ઝેરી હવા, બેબાકળાપણું અને ગર્ભાશયમાં પોતે રાક્ષસી બાળ હોવાની કલ્પના વગેરેના વિગતપ્રચુર આલેખનથી એક અસહ્ય, તનાવભર્યું વાતાવરણ રચાતું જાય છે. અને રાક્ષસીના શરીરની ભૂગોળ નાયકને તાકતી, ઉપહાસ કરતી હોય એવા સંવાદો ચાલે છે. જે છેલ્લે મરણવેગ ‘નિશાણ’ બજ્યે જતાં મરણના પ્રતિઘોષ પાડે છે. નિરપરાધ નાયક પોતાની કઈ ભૂલને કારણે આ સ્થિતિને પામ્યો એની વિમાસણમાં શબના હૃદયગુંબજ પાસે આવીને અટકે છે. જ્યાંથી દૂરના દેશે અકીક, મોતી, ચીનાંશુક ભરેલી સઢની પોઢ સરી હશે.

સઘળું એક ચૂક્યા ધબકારમાં
અતીત પ્યાસનું ગ્રાસ બન્યું અરે!
સઘળું એક ચૂક્યા ધબકારમાં
સઘળું એક ચૂક્યા ધબકારમાં

નથી નથી જ ચૂક્યો ધબકાર હાં — પંક્તિથી વિરમતા આ કાવ્યમાં ઘણી જગ્યાએ અર્થસભર સંદિગ્ધતાઓ જોવા મળે છે. ‘પવનનું પ્રતિબિમ્બ હલ્યા કરે’ જેવી અનેક સ્પર્શી જતી પંક્તિઓ છે. દીર્ઘ છાન્દસ રચના સાથે કામ પાડવાની રીતિ પણ ધ્યાન ખેંચે એવી છે. ભવિષ્યમાં આ રચનાનું છેલ્લું રૂપ મળી આવશે તો ગુજરાતી કવિતાને એક ઉત્તમ દીર્ઘ કાવ્ય પ્રાપ્ત થશે.

અત્યંત સ્પષ્ટ વિચારણા અને વિષયના ઊંડાણમાં તર્કકઠોર ચિન્તન સાથે ઊંડે ઊતરવાની તત્પરતા ભૂપેશના વ્યક્તિત્વનાં મુખ્ય લક્ષણો હતાં. નમ્રપણે એનો મુદ્દો સ્પષ્ટ કરે, પણ સામેવાળો ગમે તેવો ઊંચો મોભો કે વ્યક્તિત્વ ધરાવતો હોય, ભૂપેશ મક્કમ રહે. એને ‘મતભેદને મનભેદનું રૂપ આપતા ટોચના કેટલાક સાહિત્યકારો પણ વ્યક્તિ તરીકે વામણા લાગતા. એ અળગો અને એકાકી રહેતો એના મૂળમાં એની સજાગતા પણ હતી. ભૂપેશ ક્યારેક કોઈને સિનિક, કે આક્રમક, લાગ્યો હશે પણ એનું એ સમગ્ર, સર્વ સામાન્ય વ્યક્તિત્વ ન હતું એ માનતો કે સંવેદનશીલતાને ક્યારેય આંચ નહીં આવવી જોઈએ. માત્ર સાહિત્ય કે કળા જ નહીં પણ પ્રવૃત્તિમાત્રથી વિમુખ થવા માટે નક્કર ચિન્તન હતું. જે માને તે આચરણમાં મૂકી જીવવાનું જોમ હતું. એના મતે ‘‘જીવન કંઈ સમય ભરવાની વસ્તુ નથી. પ્રવૃત્તિમાં જાતને પરોવી દીધા વગર પણ જીવી શકાય. જીવનનો આનંદ લઈ શકાય.’’ ટૂંકમાં voidને અર્થપૂર્ણ રીતે જીવવા માટે વ્યક્તિ સભર હોવી જોઈએ એવું કંઈક એ માનતો. આથી એણે જે જે છોડ્યું તે સાચી રીતે સમજવું જરૂરી બને છે. કાન્તિ પટેલ અને રમણ સોની બન્ને ભૂપેશ વિષેના તેમના લેખોમાં પોતપોતાનાં નિજી દૃષ્ટિકોણથી પણ આવા જ તારણ ઉપર આવ્યા છે. બન્નેમાં કેટલું સામ્ય છે તે નીચે આપેલા અંશો પરથી જણાશે.

‘‘ગંભીર પ્રકારના સૌંદર્યશાસ્ત્રીય તેમજ તાત્ત્વિક પ્રશ્નોમાં તે અટવાયેલો જણાતો હતો. કલાપ્રવૃત્તિની સાર્થકતા વિશે સાશંક બનાવનારી સ્થિતિ તેને કંઈ અચાનક જ નહીં લાધી હોય. શબ્દને ગંભીરતાથી લેવાની તેની પ્રકૃતિમાં જ એ માન્યતાના બીજ રહેલાં હોય કદાચ. બાકી શબ્દમાંની અશ્રદ્ધાને જીવનમાંની અશ્રદ્ધામાં ખપાવી દેનારને ભોંઠો પાડી દે એવું તંદુરસ્ત એફર્મેશન તે જીવન વિશે ધરાવતો હતો. જીવન અને કવનનો સીધો સંબંધ સ્થાપનારના મતનો તે નહોતો. વિશ્વાસ ન આળતો હોય તેણે ‘પરબ’ (અંક ૩, ૧૯૭૪)માં પ્રગટ થયેલ તેનો ‘કૃતિનિષ્ઠ સર્જન’ એ નાનકડો લેખ જોઈ જવો જોઈએ. તેમાં તેણે કૃતિત્વને આધારે કૃતિ અને સર્જકને મૂલવવાનો આગ્રહ સેવ્યો છે.’’

— કાન્તિ પટેલ (ફાર્બસ ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટેબર ૧૯૮૨)

‘ભૂપેશ મૂળભૂત રીતે તો ચંતિક હતો. સર્જકતા કિશોર વયથી કોળેલી. પછી તો ઘણું લખ્યું પણ પ્રકાશિત ઓછું કર્યું. એમાં અપેક્ષિત ધોરણો મુજબનું ન નીપજી આવે ત્યાં સુધી બહાર ન મૂકવાનો આગ્રહ — એવી સાહિત્યનિષ્ઠા તો ખરાં જ, પણ સમગ્ર જીવનના સંદર્ભે જોતાં આવી બધી આકાંક્ષાઓને એ વારતો ગયો; શરૂઆતમાં હતી એ, માન્યતા ને સ્વીકૃતિ માટેની તીવ્ર ઇચ્છાને એ ક્રમશ: ઓછી ને ઓછી કરતો ગયો; કોઈને લઘુતાગ્રંથિ લાગે એ હદે બાહ્ય રીતે એ નિષ્કિય થતો ગયો એમાં એની ચંતિનશીલતા જ વિશેષ જવાબદાર, પરંતુ આ જ કારણે એ અંદરથી તો વધુ ને વધુ સ્પષ્ટ, સમૃદ્ધતર થતો રહ્યો. કલા વિશેની એેની લેખમાળા મળી હોત તો એની આંતરિક સમૃદ્ધિનો હિસાબ મળ્યો હોત.’’

— રમણ સોની‘ (પરબ’ ઓક્ટોબર, ૧૯૮૨)

ભૂપેશ સાથેનો પ્રત્યક્ષ, પરોક્ષ સમ્પર્કમાંથી ઝીલાયેલી ભૂપેશની આન્તર્છવિની નોંધ અહીં કરી છે. ભૂપેશને અને એની સર્જનસૃષ્ટિને પામવામાં એ સહાયક થશે એવી મારી શ્રદ્ધા છે.

૨૯, મે ૧૯૮૬

*