પ્રથમ સ્નાન/હું ચા પીતો નથી

હું ચા પીતો નથી


જીઈ ઈ ઈ, હા સાચ્ચે જ.
મારી સામે આમ મ્યુઝિયમના પ્રાણીને તાકતા હો તેમ તાકી ન રહો.
ચા ન પીવી એ માતાદોર બનવા જેવું નથી, જેટલું નથી.
ચા ન પીનાર એ એવરેસ્ટ પર ગયેલો હિલેરી છે?
ઇંગ્લિશ ચેનલ તરવાની સામે વજનમાં એને મૂકતાં
પલ્લું એક પળ પણ થંભ્યા વિના એની વિરુદ્ધમાં ને વિરુદ્ધમાં
એટલું નમે એટલું નમે એટલું નમે કે
નીચે ધરતીનું ટેકણ ના હોય તો ઉપર ગગનની માંય ટોચે પહોંચી
વચ્ચેના ન્યાયાધીશી કાંટાને બળપૂર્વક ઝાટકો આપે ને પાડે
વસુદેવના ટોપલાના વાસુદેવની નિશ્ચિતતાથી સૂતેલા ચા વિનાનાને નીચે—
ટચાક્ દઈને ટોચાય તેમ.
હું ચા નથી પીતો. ઘણા નથી પીતા.
પણ તેમાં તમે આમ—
હું તો માત્ર હકીકત, એક સાદી વાત—
તેમાં પણ… તમે આમ…
‘‘પણ… તમે તો —કવિ—’’
આહાહાહાહાહાહા ગગને મેઘ છવાયો જી રે ગગને મેઘ છવાયો.
કવિ પ્હેરે કફની ને કવિ પ્હેરે ફર્‌ર્ ફર્‌ર્ વાળ
કવિ પ્હેરે ચશ્મો ને પ્હેરી પીએ સુડ સુડ સુડ સુડ ચા.
ચામાં આવે દૂધ ને દૂધે ભર્યો ચાંદ
ચાંદે ભરી કવિતા ને કવિતાની ઝીણી ઝીણી કાળી કાળી ઉકળતી જાય
ઝરે રાતું રાતું એવી બધી યાદ તરે ચામાં
ચા એ કવિ કરે સુડ સુડ ગરમ ગરમ જીભે ફૂંકાવી
ફૂંકાવી પીએ.
ફૂંકે ફૂંકે સિગારેટ ધુમાડે ધુમાડે ધમે લલિત લવંગ કૂણી કાકડી શું
કશું ગોટંગોટ
જી, કવિ તો હવે એવું છે ને કે… હેં હેં… તમને નમ્રતા લાગશે.
બાકી ક્યાંથી? ઠીક છે થોડું…
બાકી તો બહુ સહજ સાદી, વાતવાતમાં હોય તેમજ
હું તમને કહેતો હતો કે હું ચા—
સાદી, સહજ, વાતવાતમાં, ઠીક છે થોડું, બાકી નમ્રતા.
થંભાવો મને કોઈ થંભાવો હું આમ ભાગ્યો છું તે કોને પછાડીને
ભાગ્યો છું તે જોવા
એને જોતાં જ મારે પૂછવું પડશે — ‘ચા નથી પીતો તું?’ બોલ,
બોલ બોલ હચમચાવીને.
પણ એમ તો ચા ઘણા નથી પીતા.
અનેક ચા ન પીનારમાંથી મેં પેલા નમ્રને જ પછાડ્યો હોય
ભાગનારને જ પછાડ્યો હોય
પછાડનારને જ પટક્યો હોય તો એ પટકવા ઊંચા તંગ સ્નાયુવાળા
હાથ પર હજુ એની કાયા તોળાઈ છે
ત્યાં જ મને થંભાવો. મ્યુઝિયમની જેમ તાકી ન રહો.
હું ચા પીતો નથી. short hand હું જાણતો નથી. ને તમારી
સાથેના બળબકાટના આ
બિલાડા ચીતરવા પાછળ મારી કઈ મુરાદ મારે બર લાવવી છે?
પત્રકાર નથી કે મને કોઈ ‘સ્કૂપ’ મળે — નથી સી. આઈ. ડી. કે
સી. બી. આઈ.
ને એ બધાને પણ ‘પોતાના’ બકબકાટનો દસ્તાવેજ ધરવામાં—
નક્કી કંઈક—
આહાહાહાહાહાહા ગગને મેઘ છવાયો જી રે ગગને મેઘ છવાયો.
દશ બાર પંદર વર્ષ થઈ ગયાં.
પાંચમા છઠ્ઠામાં માસ્તરે ભાષણ આપેલું ને મેં છોડેલી ચા.
તે પહેલાં તો ઘરમાં બધાં ઘોરે ને હું એકલો ઊઠી
દાતણકૂચો ઠાંસી
ગરમ પાણીની તપેલી ચડાવી દઉં પછી બધાં સાથે બેસી આનંદમગ્ન—
હાજી, નથી પીતો એટલે દશ બાર વર્ષથી કે પછી
પંદર વર્ષથી.
ના, ના, ચાનું ટીપું મોંએ મૂક્યું જ નથી એવું નથી.
ચા નથી પીતો એટલે ચા પીતો ન્હોતો કે ચા ન પીશ એવું નથી.
એવું પણ નથી કે હું કેવળ આ જે ક્ષણ ચાલી રહી છે
તે પૂરતો જ એકરાર કરું છું.
એકરાર? એકરાર શાનો? આ માત્ર હકીકત.
કદાચ આ જ ક્ષણે અકલ્પ્ય ભયંકર તૃષા મારી પર આક્રમણ કરે
તૃષા કેવળ ચાની
કદાચ આ કે આવતી ક્ષણે જ મારી પર ચા પીવડાવવાનો બળાત્કાર થાય.
કે પછી હૃદયપલટો થાય
કે પછી સ્મૃતિભ્રંશ થાય
કે પછી વિચારપલટો થાય.
કે પછી શરીરપલટો થાય.
એટલે કે હું આખ્ખે આખ્ખો ઊંધો ઉલટાઈ જાઉં
શીર્ષાસનની સ્થિતિમાં ચા પી શકાય ખરી?
ને યોગાસનના તમે નિષ્ણાત નથી
એટલે વાત આગળ વધતી નથી, વધારવી છે પણ વધતી નથી.
એટલે બસ આનંદ, તમને મળીને આનંદ.
આવજો.
પણ ના, તમે તો ઊભા જ છો, ઝીણી આંખે રહસ્ય શોધો છો.
એંહ્હેં. મારામાંથી તમારે ‘ડેટા’ ક્લેકટ કરવો છે? લાગે છે તો એમ.
‘‘તે તમે સાચ્ચે જ ચા નથી પીતા.’’
અલ્યા ટોમેટો કેચ-અપ, ખોટાકાઈ ગયેલી રેકર્ડ તું તારે ચલાવ્યે રાખ્ય
પણ મને તો છોેડ હવે.
નાઆઆઆ હું ખોટ્ટેખોટ ચા પીઉં છું.
બસ હવે ટળો.
સાચ્ચે સાચ જ હું ખોટ્ટેખોટ ચા પીઉં છું.
લિપ્ટન, નીલગિરિ આદિનાં પોસ્ટરોને પીઉં છું.
મૂવી જાહેરાતોમાં તો એ રીસ્સસ ગળામાં ઊતરે છે.
સગા સંબંધી, મિત્રો, હોટેલ, મહેફિલ કપરકાબીના ખખડાટની
સોડમને પીઉં છું.
દશ, પંદર કે બાર વર્ષથી જો કે મેં ચા પીધી જ નથી એમ નથી
કેમકે હું મોહનચંદ કરમદાસ નથી.
આ તો એક નાની શી હકીકત એક અટેવની વાત
ઘંટીનું પડ બનાવો તમે ને બાંધો મારે ગળે એ ક્યાંનો ન્યાય?
વાચક, ન જાણે મારા અંગે તેં કેવી કેવી કલ્પનાઓ કરી લીધી હશે!
મારે
મુખે નિવિર્કારતા સ્વસ્થતા
મુદ્રા પ્રશાંત, નેત્રે અભય અને કરુણા
હાથે ચરખાનું ચકરડું ને તકલી,
ને બાકી બધ્ધે ખાદી જ ખાદી
ખાદીના હાથરૂમાલથી શરદીના સેડા લૂછું છું.
નિરાહારી થઈ વિષયોને છોડવા બસ નથી પણ રસ ચાલી જાય
એ કાજે ‘પર’ને જોવા મથું છું,
આ કાવતરું છે, મુત્સદ્દીનું રાજકારણ છે, મારે બાપોકાર કહેવું
છે કે ભોળાને ભરમાવવાની રીત છે — પેરવી છે.
હવે હું ગાયને ગરદનવઢ ઘા કરી ભાંભરડા કઢાઉં?
ખુલ્લું લેટરિન રાખી બીભત્સ ચિત્રો ચીતરું?
તમને માતાજી ને ભગિનીને એક એક હાથે બાથમાં જકડી
સપાટ સૂઈ જવાની શુભેચ્છા પાઠવું?
દિવાનખંડના સોફાસેટ પર મૂતરું?
દાણચોરી કરીને કાળું નાણું જમાવું?
કે પછી હો જાય એક કપ બાદશાહી?
‘લ્યા, તું ટોમેટો કેચ-એપ નથી, તું ડેટા-કલેક્ટર પણ નથી.
— તું મને મ્યુઝિયમ માનતો નથી ને?
મારો સ્વભાવ બોલકો ને તું બજાવે ઢોલક—
તું ચા પીએ છે? —હા. તો પછી તું કવિ છે? ના.
તો પછી તું ચા કેમ પીએ છે? બોલ, કવિ હોય તે જ ચા પીએ
એમ તેં નથી કહ્યું?
કવિ હોય તે તો ચા પીએ જ એમ? એમ. પણ કેમ?
તું સાચ્ચે જ ચા પીએ છે?
ચા એટલે શું?
કાળી પાંદડીનો માત્ર ભૂકો? તો એ તો પી ન શકાય.
પાણીમાં ઉકાળેલી ચા ચા છે?
જો એને જ ચા કહેવાય તો એમાં દૂધ ઉમેરાતાં બને છે તે
ચા નથી બીજું કંઈક છે.
તું ચા પીએ છે એટલે શું પીએ છે? હું ચા નથી પીતો
એટલે શું નથી પીતો?
દૂધ વગરની ચામાં લીંબુનાં ટીપાં નાખવાથી એક સ્વાદિષ્ટ પીણું બને છે
એ ચા છે?
‘પીવું’ એટલે શું? હોઠથી જઠર કે આંતરડા સુધીના કોઈ પણ
ભાગના કોઈ પણ અંશને
પ્રવાહીનું એક પણ ટીપું અડે તો ‘પીધું’ કહેવાય?
તો તો ‘ખાવા’ ને ‘પીવા’ વચ્ચેનો ભેદ પાડવો મુશ્કેલ બની જાય.
જેમ ‘ખાવું’ તેમ ‘પીવું’ને પણ પ્રક્રિયારૂપે જ લઈએ તો
ઈન્જેક્શન દ્વારા પણ ઘણી વસ્તુ શરીરમાં દાખલ કરી શકાય છે
‘સર્જરી’ દ્વારા ખોરાકને સીધો જઠરમાં મોકલવાનું પણ
અશક્ય નથી રહ્યું.
જાવ, ‘ચા’ અને ‘પીવા’ અંગેની તમારી સંકલ્પના સ્પષ્ટ કર્યા
બાદ મને પ્રશ્ન પૂછો.
હું ચા નથી પીતો, કોફી નથી પીતો, ચાફી તો ન જ પીતો હોઉં —
 એલ.એસ.ડી., અફીણ, ગાંજો, ભાંગ,
પાન, બીડી કશું જ—જાવ, મારી આ ટેવ છે.
શા માટે હું ચા ન પીતો હોઈશ? બસ એક ટેવ પડી ગઈ છે?
કે પછી બધા ચા પીએ છે એ સામેની અળવીતરાઈ છે?
વીંખાઈ ગયેલાં કરચલિયાળાં કપડાં પર અસ્ત્રી ફરે તેમ
નંખાઈ ગયેલા
માણસને ચાનું મિલન થતાં જ સ્ફૂતિર્લો બનતો હું જોઉં છું.
પણ રોજે રોજ હોટલની હડતાળ પડ્યા જ કરતાં ચા, ચા,
કરીને તફડી પડતાં,
માથું નીચું ઢાળી લબડી પડતાં અપંગ નિ:સહાયને
પણ હું જોઉં છું
એવું છે કે મને ખડખડાટ અટ્ટહાસ્ય કરવાની આથી
તક મળે છે?
આમ તો હું ક્યારેય એવું હસી શક્યો ન હોત.
એક તરફથી આસામનો બગીચો ને બીજી તરફથી શેરડીનાં ખેતરો
યંત્રોમાંથી પસાર થઈ મારા ગામની કૂઈમાં ઠલવાય છે
ઠલવાય છે ને ખદબદે છે. કપમાં રેડ્યા પછી પણ ખદખદ
વધતી જ જાય છે — તોફાન.
ચા પીઓ છો? નહીં. કોફી? નહીં. તો પછી દૂધ.
ના, ના, હું સાચે જ કહું છું કે મને એ ટેવ જ નથી
તને નકામી તસ્દી—
ટેવ તો અમનેય નથી.
કાલથી તમે ના પીતા પણ આજે તો તમે લો જ ભાઈ.
ચા મિત્રો બનાવી આપે છે.
ચા ન પીવાથી તમે કયું જગત જીત્યા, કહેશો?
તમે કોઈ ‘બોડી’ બનાવી?
રોજ ચાના પાંચ કપ. નથી ઊંઘ બગડી નથી પેટ બગડ્યું
નથી કબજિયાત. આજ સુધી—
—ની જંદિગીમાં એક્કે દિવસ માંદો થયો નથી.
તમને ડાયેરિયા છે? તો યુ મસ્ટ ટેક કોફી.
થોડો ફૂદીનો નાખો, આદુ નાખો. અનુભવેલી વાત છે.
તમારે ચા નથી પીવી પણ અમારે પીવી છે, અમને ‘કંપની’ આપો.
અર્થશાસ્ત્રના માણસ લાગો છો તમે! પાંત્રીસ પૈસાનો એક કપ?
દિવસમાં બે — વર્ષે કેટલા પૈસા બચ્ચા?
ના, ના, ના, ના,
માસ્તરના પૌષ્ટિક ભાષણે છોડાવેલી ચા હવે હું પી શકું.
ચાખવી છે ફરીથી મારે ચીન દેશની એ વાનગી.
અળવીતરાઈ નથી, વિજય નથી. ટેવ નથી.
પીવાની કોઈ જબરી તલપ નથી, જરૂર નથી, એમ તો ચાખવીયે નથી.
ને તોય ઘૂંટડો ભરવામાં કોઈ જુલમ થતો નથી ને જીભ
સ્વાદ ચૂકી જાય છે એમ પણ નથી.
પણ ના.
હું ચા નહીં જ પીઉં પીતો નથી અને નહીં જ પીઉં,
કેમકે ‘‘ચા અંગે મારી સાથે વાત કરવી નહીં’’ એવું પાટિયું
ગળે લગાડવામાં તો અગવડ મોટી છે.