પ્રભુ પધાર્યા/૧૦. પ્રેમ-મંત્ર


૧૦. પ્રેમ-મંત્ર

રતુભાઈએ શિવશંકરના ઘર તરફ ઝડપ કરી. કિકિયારા અને ખૂનરેજીની વચ્ચે થઈને એ ચાલ્યો જતો હતો. છાતી થડક થડક થતી હતી. પણ મોરો સાવજનો રાખીને એ ચાલ્યો. જેમ શિવશંકરનું ઘર નજીક આવતું ગયું તેમ તેમ એને ફાળ પડતી ગઈ. કિકિયારા એ દિશામાંથી જ આવતા હતા. ટોળાં એ જ લત્તામાં ઘૂમાઘૂમ કરતાં હતાં. જ્યાં જુઓ ત્યાં ધા ઊછળતી હતી. અપ્સરા-ભુવન જેવો બ્રહ્મદેશ નવી સરજાવેલ નરક-શો ભાસતો હતો. ઘર સામે પહોંચતાં જ રતુભાઈના મોતિયા મરી ગયા. જબરદસ્ત ટોળું ધા ઉછાળતું એ જ બારણે ખડું હતું. બારણાં બહાર ઊભો ઊભો શિવશંકર એ ટોળાના અગ્રણી એક ઝનૂને ટપકતા ફુંગીને હાથ જોડી અંદર પેસતો વારતો હતો. ``હટી જા, ફુંગી ધા હિલોળીને ફરમાવતો હતો : ``તારા ઘરમાં જ ગયો છે એ કાકા. ``ફયાને ખાતર અટકો. મારી લાજ લો નહીં. ``તોડો, કાપો, આગ લગાવો એના ઘરને. એ આંહીં જ છુપાયાં છે. ટોળું પોતાના ફુંગી પાસે ત્વરિત પગલું માગતું હતું. રતુભાઈ નજીક જતો હતો. પણ ફુંગીનું મોં જોઈ શકતો ન હતો. ગિરદી ફુંગીને વીંટળી વળીને ખીચોખીચ ઊભી હતી. કોણ જાણે કેમ, પણ રતુભાઈના કાનને આંખો ફૂટી. એણે અવાજમાં ઓળખાણ ઉકેલી. પણ બોલનાર ફુંગીનું સ્મરણ થયું નહીં. કાકલૂદી કરતા શિવશંકરને ધકેલી દઈને ફુંગી ઉપર ચડવા ગયો, શિવશંકર ગડથોલું ખાઈ ગયો. એક ક્ષણ — અને ધસારો કરતું ટોળું એને ચગદી નાખત. પણ તે કાંઈ બને તે પૂર્વે આ મેડી પરથી એક યુવાન સ્ત્રી સડસડાટ ઊતરતી — ઊતરતી નહીં, પણ જાણે કે સરકતી — કોઈ પક્ષી ઊતરે તેમ આવીને નીચે ઊભી રહી ને આડા હાથ ધરીને બોલી : ``તિખાંબા ફયા! તિખાંબા! (શાંત થાઓ, પ્રભુ! દયા કરો!) પરિચિત સ્વર કાને પડતાં જ ફુંગીનો ધસારો તૂટી પડ્યો. એ ચમક્યો. ``કોણ... ``હાઉકે માંઉ! (હા એ જ, ઓ માંઉ!) `માંઉ' એ શબ્દે રતુભાઈને પણ સ્મરણ-દ્વારે જાણે ઘંટડી રણકાવી. ફુંગી જોઈ રહ્યો. આ સ્ત્રી! ગુજરાતી સાડીનું અંગઓઢણું, છૂટી વેણી, કપાળે કંકુનો ચાંદલો : આ કોણ? મોં બર્મી, વાણી ઇરાવદીના અંતસ્તલમાંથી ઊઠતી હોય તેવી, અવાજ બ્રહ્મદેશના પ્યારા પુનિત ઢાંઉ (મયૂર)-શો મીઠો, નાક ચીબું, છાતી સપાટ, આ કોણ? ફુંગીની ધા નીચી ઢળી. ``એમને પ્રથમ ઊભા કરો, કો-માંઉ! એ મારા પતિ છે. સ્ત્રીએ ચગદાતા પડેલા શિવશંકર તરફ આંગળી ચીંધાડી. પણ રતુભાઈ શિવશંકરની નજીક પહોંચી ગયો હતો. એની મદદથી ઊભા થતા શિવશંકરે હર્ષાવેશમાં કહ્યું : ``રતુભાઈ, તમે! પહોંચ્યા! રતુભાઈ નામ સાંભળીને સ્ત્રીએ પોતાની સાડી સંકોડી. પતિએ વાતો કરી હતી. એક વાર આવેલ ત્યારે દીદાર પણ કર્યા નહોતા. ફરી આવવાનો હતો. અત્યારે વખતસર આવ્યો છે! ``હવે તમે એકલા આંહીં આવો, ફયા! સ્ત્રીએ ફુંગીને કહ્યું, ``અને પછી જેને શોધો છો તેને લઈ જજો. ફુંગી વેશધારી માંઉને રતુભાઈએ નિહાળ્યો. યાદ આવ્યું : આ તો પીમનાવાળી સોનાં કાકીનો પુત્ર, `ઢો ભમા' તખીન પક્ષનો અનુયાયી, તે રાત્રીએ ડૉ. નૌતમને ઘેર દીઠેલો તે યુવાન! આંહીં ક્યાંથી! ફુંગી ક્યારે બન્યો! એને આ સ્ત્રી ક્યાંથી ઓળખે? ટોળું પોતાની મેળે જ જરા આઘે ખસી ગયું. ફુંગી, શિવશંકર અને રતુભાઈ મેડી ઉપર ચડ્યા. ``એને ધોખો તો નહીં આપે ને? ટોળામાંથી એક બર્મી અનુયાયીએ બીક બતાવી. ``મગદૂર નથી કોઈની! બીજાએ કહ્યું, ``આ ઉઝીં તો સયા સાન થારાવાડીવાળાના સગા છે. એની માફક આણે પણ પીઠ પર અભય છૂંદણું મંતરાવ્યું છે. એના પર કોઈની ધાનો ઘા ફૂટે જ નહીં! ``ધાનો ઘા ન ફૂટે, પણ વાંસની અણી કોઈ ઘોંચી દે તો! બર્મી લોકો માનતા કે ફુંગી લોકો અમુક છૂંદણાં મંતરીને ત્રોફી આપે તો તે માણસને બીજું કોઈ હથિયાર ન વાગે, ફક્ત વાંસની અણી વાગે. વાંસ કોઈ મંત્રના કે વશીકરણના કાબૂમાં આવતો નથી. ``અરે ઘેલા થાઓ ના, ઘેલા! ત્રીજાએ કહ્યું. ``આપણને સૌને ઠોં ખવરાવનાર પોતે શું કમ હશે! ઠોં એટલે ચૂનાની મંતરેલી ગોળી. આ હુલ્લડ વખતે ફુંગીઓ ટોળામાંના સૌને ઠોં ખવડાવતા હતા, અને એમ મનાતું હતું કે ઠોં ખાય તેને ધા લાગે નહીં. ``કો-માંઉ! ગુજરાતણવેશી બર્મીએ ઘરમાં આવી સીનો ટટ્ટાર કરીને કહ્યું : ``હવે તો યાદ આવે છે ને? ``તું અહીં? ફુંગીનો સ્વર મૃદુતાભેર ધ્રૂજ્યો. ``હા, અહીં છું. તમારા વિચારો તમે તે રાત્રીએ ઠાલવ્યા તે પછી હું મારે ન્યારે માર્ગે વળી ગઈ છું. હું તમારી સ્ત્રી ન બની શકી, તો હું એક બાબુની સ્ત્રી બની છું. તમે છોડી... ``પણ અહીં શી રીતે? ``મજૂરણ બની હતી ચાવલ-મિલમાં. એ તો પત્યું. પણ હવે શો વિચાર છે? ``એ કાકાને, એ ખોતોકલાને બહાર નિકાલો. ``રહો, કો-માંઉ! એમ કહી સ્ત્રી ઘરમાં જઈ, પાછી આવી. એના હાથમાં ધા હતી. એ બતાવીને એણે કહ્યું : ``ચાલો નીચે. અહીં તો સાંકડ છે. આપણે બંને એક વાર ધાએ ખેલીએ. મારું મુડદું તમારાં ચરણોમાં પડે તે પછી લઈ જજો તમારાં અપરાધીઓને! પોતાની સામે એક સ્ત્રીને ધા ઉઠાવતી દેખી જુવાન ફુંગી થડક્યો. એણે પૂછ્યું : ``કોણ છે એ? ``છે મારા જ જેવાં : નર છે કલા અને નારી છે બ્રહ્મી. ને કો-માંઉ! એમનો ઇષ્ટદેવ છે પ્રેમ. બ્રહ્મી નારીઓએ પ્રેમના કરતાં કોઈ બીજી વાતને ઊંચું આસન આપ્યું નથી. કુળને કે કુળપરંપરાને, વર્ગને કે દરજ્જાને, માબાપની મરજી કે દબાણને, હીરા, હેમ કે સંપત્તિને, મો'લાતોને, કોઈ કરતાં કોઈને બર્મી નારીએ પોતાનું જીવન નથી આપ્યું. આ નારીએ પણ એ જ કર્યું છે. એ વટલાઈને મુસ્લિમને વરી નથી. એ પરદાબીબી બની નથી. એ આઝાદ રહી છે. એણે પરધર્મ સ્વીકારી નિજધર્મને ત્યાગ્યો નથી. એણે બ્રહ્મદેશની સર્વોપરી પરંપરાના ઇષ્ટદેવ પ્રેમને ઉપાસ્યો છે. એ જો અપરાધ હોય તો ભલે કટકા કરો — પણ પહેલાં કાં મારા ને કાં તમારા ટુકડા પડે તે પછી. ફુંગીના બેઉ હાથ પીઠ પછવાડે ભિડાયા. ત્યાં પાછળ ધા ઝૂલતી રહી. એણે કહ્યું : ``તું ભણેલી-ગણેલી થઈને દેશનો પ્રાણપ્રશ્ન સમજી જ નહીં! ``પહેલાં એ ફુંગીઓને સમજાવો, ઉઝીં! કહો એમને કે દેશને સમજે, દેહને એકલાને જ ઉપાસતા અટકે. ઢમા! ધા ન હોય તમારા હાથમાં; તમારા કરમાં તો શાંતિ-અહિંસાનું કમલ શોભે. ``આજે તો જાઉં છું. ``હા, ને હું ચરણોમાં વંદું છું, ફયા! એક વારના આપણા સ્નેહનું પઢાઉ વૃક્ષ આજની આપણી કરુણાધારે સિંચાઈને નવપલ્લવિત રહેશે. થોડી વાર ઊભા રહો. અંદર જઈને ઘોડિયામાંથી એ પોતાના નાના બાળકને લઈ આવી અને સાધુના ચરણોમાં નમાવ્યું. આશીર્વાદના ધર્મબોલ ફુંગીની જીભ પર ન ચડી શક્યા. એના કરડા મોં પર પહેલી જ વાર કુમાશની ટશરો ફૂટી. ``ને જરા વધુ થોભો, કહીને એ અંદરથી બે જણાંને બોલાવી લાવી. ચટગાંવના મુસ્લિમ અલીને અને એની બર્મી ઓરતને. ``આનીયે વંદના સ્વીકારો, ધર્મપાલ! ને નિહાળો, એનાં મોં પર છે કોઈ કોમ કે પંથ? ``જાણું છું, ફુંગી બોલ્યો, ``આ કલાકાકા આજે દીનતાની મૂર્તિ છે, પણ એ આંહીં એનું રક્તબીજ મૂકતો જશે — ઝેરબાદી બાળરૂપે. એ આજે અમૃત હશે, કાલે એની ઓલાદ વિષબિંદુ બની આપણા જીવતરમાં રેડાશે. તમારું સ્ત્રીઓનું સ્નેહ-સ્વાતંત્ર્ય તમને આજે પ્રિય છે. મને દેશનું દેહસ્વાતંત્ર્ય સર્વોપરી લાગે છે. ``આપણા વચ્ચેનો એ મતભેદ : એ પર જ આપણે છૂટાં પડ્યાં. ``આજે પણ એ ભેદ પર આપણે વિદાય લઈએ. હું તો એ પાપને ઉચ્છેદવા જ જીવીશ ને મરીશ. ``કબૂલ છે. પણ જલ્લાદગીરી કરીને ઉચ્છેદી શકશો? પાંચને કાપશો, પચીસને, પાંચસોને... કેટલાને? ``વાતો નકામી છે. પણ આજે હું હાર્યો છું, રજા લઉં છું. કહીને ફુંગી હેઠે ઊતરી ગયો, ટોળાને દૂરદૂર દોરી ચાલ્યો ગયો. ગડગડતા જતા વાદળા જેવું લોકવૃંદ `ઢો ભમા'ની ગર્જનાને ક્યાંય સુધી પાછળ મૂકતું ગયું. તે પછી શિવશંકરની સ્ત્રીએ મુખવાસનો દાબડો લાવી, ઘૂંટણભર થઈ, નમીને રતુભાઈની સામે ધર્યો. રતુભાઈની મીટ હજુ નાનકડા બાળક પર ઠરી હતી. એ શિવશંકરને કહેતો હતો : ``આને ગુજરાતી બનાવવો છે, કે બરમો? ``બરમો. ``ના, એ બાબુ જ બનશે. સ્ત્રી મીઠે કંઠે બોલી. ``પણ એને કોઈ ગુજરાતી દીકરી નહીં દે! ``પચીસ વર્ષ પછી પણ? સ્ત્રી હસી. ``પચીસ વર્ષેય અમે નહીં પલટીએ, દુનિયા ભલે પલટી ગઈ હોય. ``પણ અહીંથી ગુજરાત જવું જ છે કયા ભાઈને? શિવશંકરે જાણે કે સોગંદ લીધા. ``આ ઢો ભમાવાળાની સરકાર થશે અને કાયદો કરીને કાઢશે તો? ``તોય નહીં જઈએ. શિવનો નિશ્ચય હતો. ``અમે એટલી લાંબી ચિંતા કરતાં નથી. અમે તો બ્રહ્મીઓ. શિવની પત્ની બોલી. ``બાળક જેવાં! રતુભાઈએ મર્મ કર્યો. ``બહુ મધુર દશા, સ્ત્રી બોલી, ``થપાટ મારી કોઈ રડાવે તોય પાછા પળ પછી એને ખોળે બેસીને ખેલીએ. ``પણ તમારી ધા તો સાથે ને સાથે જ ના! ``એ જ અમારું બાળકપણું. ધા ન હોત તો અમારો પ્રેમ અને અમારી લાલાઈ પણ ક્યાંથી હોત? ``ચાલો. હવે આજ તો જમાડશો ને? ``હા જ તો. હમણાં રોટલી કરી નાખું છું. ``રોટલી પણ વણો છો? ત્યારે તો પેલું બાળકપણું ગુમાવ્યું! ``કયું? ``હાંડીમાં પાણી ને ચોખા નાખી, ચૂલે ચડાવી, બહાર લટારે નીકળી પડવાનું. ફૂલો ને આભૂષણો લીધા કરવાનું. ``પણ રોટલીની બધી જ ક્રિયાઓ બાળકની જ ક્રીડા જેવી છે. હું કાંઈ એમને ગુજરાતી ખાણું ખવરાવવા ખાતર નથી કરતી, હું તો બાળક જેવી થઈને રોટલીએ રમું છું. ``શિવા! રતુભાઈએ ગુજરાતીમાં કહ્યું, ``તારો સંસાર પાકે પાયે ચણાયો છે. ``મને તો એ કંઈ વિચારો જ નથી આવતા. મૂળાને પાંદડે મોજ કરું છું હું તો. શિવશંકરે પત્ની સામે જોયું. ``ત્યારે તો તું ખરો બરમો બન્યો. ક્યાંઈક ધંધો મૂકી દેતો નહીં. ``શા માટે નહીં? આ રળવા માંડે એટલી વાટ જોઉં છું! ``કાંઈ ધંધો માંડેલ છે? ``હા, એની માનું હાટડું સંભાળશે. પછી તો મારે નિરાંતે ઊંઘવું છે, બેઠા બેઠા લાંબામાં લાંબી સલૈ (ચિરૂટ) ચૂસ્યા કરવી છે. હિંદમાં તો હેરાન થઈ ગયા. રળી રળીને એકલા તૂટી મરીએ. સ્ત્રી આપણે પૈસે શણગારો કર્યા કરે ને છોકરાં જણ્યાં કરે. મોતની ઘડી સુધી કોઈ દી હાશ કરીને બેસવા ન પામીએ. હું તો ભાઈસા'બ, એ હિસાબે ન્યાલ થયો છું. ``એ તો ઠીક, પણ આ બેઉને તો હવે ઠેકાણે પહોંચતાં કરો! રતુભાઈએ હેબતાઈ ગયેલા અલી અને એની બર્મી સ્ત્રી વિશે કહ્યું. ``નહીં, શિવની સ્ત્રીએ કહ્યું, ``એ વધુમાં વધુ આંહીં જ સલામત છે. અમે બેઉ બર્મી સ્ત્રીઓ છીએ. આસપાસ કોઈ સલામતીનું ઠેકાણું નથી, ને આંહીંથી ફુંગી પાછા ફરેલ છે એ વાત જાણ્યા પછી કોઈ નજીક પણ નહીં આવે. તેમ છતાં મરવાનું હશે તો સહુ ભેળાં હશું. ``પણ અલીને એકલાને... ``ના, હું એકલો તો ડગલું પણ નથી દેવાનો. મારે હવે એકલા જીવીને શું કરવું છે? અલી બોલી ઊઠ્યો. પછી તો શિવની પત્નીએ રાંધ્યું ને સૌ જમી ઊઠ્યાં. રતુભાઈએ શિવને ગુજરાતીમાં પૂછ્યું : ``એલા, આ માંઉ અને તારી પત્ની વચ્ચે કાંઈક ઇતિહાસ લાગે છે! ``હા, એ પણ એણે મને કહેલું, કોઈ વાતે એણે મને અંધારામાં રાખ્યો નથી. રંગૂનમાં બેઉ ભણતાં હતાં. માંઉ કોલેજમાં હતો ને આ હાઈસ્કૂલમાં સાતમી ભણતી હતી. માંઉ વળી ગયો ઉગ્ર ઉદ્દામ વિચાર તરફ; માંઉ કહે કે તારે નૃત્ય કરવું નહીં. આ કહે કે નૃત્ય તો મારા રક્તમાં છે. ફો-સેઈનું નૃત્યમંડળ આંહીં આવ્યું, તો તેના તિન્જામ પ્વે(ઇન્દ્રાણીના નૃત્યનાટક)માં જવાની માંઉએ એને ના પાડી. એના માથા ઉપર થઈને એ તિન્જામ પ્વેમાં આવી હતી. હું પણ ત્યાં ગયો હતો. અમારો મેળાપ ત્યાં થયેલો. તે પછી જ એ આપણી મિલમાં થોડા દિવસ મજૂરી કરી ગઈ. અને અમે ચાવલ સૂકવતાં સૂકવતાં વધુ નિકટ આવ્યાં. ``ત્યારે તો એ ભણેલી છે. એથી કોકડું ગૂંચવાતું નથી ને? ``ના, ઊલટું સરલ બને છે. ``નૃત્યમાં જાય છે? ``હવે નથી જતી. ``કેમ? ``મેં એની નૃત્ય કરવાની સ્વતંત્રતા કબૂલ રાખી એટલે. ``એ જ ખરો ઉકેલ છે. બંધન ન મૂકો તો આપોઆપ સંતૃપ્ત રહે છે કેટલીક સ્ત્રીઓ. રાત ત્યાં વિતાવી, વળતા દિવસે હુલ્લડ શાંત પડ્યા પછી જ આ નાનકડો કુટુંબ-મેળો વીખરાયો.