પ્રભુ પધાર્યા/૨૭. પ્રભુ સિધાવ્યા


૨૭. પ્રભુ સિધાવ્યા

એક પખવાડિયા પછી ટમુ નામના ગામને સીમાડે જે સેંકડો માણસોનો પડાવ પડ્યો હતો તેમના દીદાર વિચિત્ર હતા. પડાવમાંથી કોઈક એક અનિર્વચનીય બદબો બફાતી બફાતી બહાર નીકળતી હતી. હજુયે ગાડાંની કતાર ચાલી આવતી હતી. જેઠ મહિનાની બાફ લાગતાં મકોડાનાં ધણ ઊમટે તેમ માનવી ઊભરાઈ ચાલ્યાં હતાં. માર્ચ મહિનો હતો. કાળા કીટોડા જેવા લેબાસમાં બે જણા એક ગાડા પાસે લોથપોથ પડ્યા પડ્યા વાતો કરતા હતા, ત્યાં ગામનાં કંગાલો તેમની પાસે માગતાં ઊભાં : ``તઠે એ... સેલેંયે લફેયે સીએને પેબા! (ઓ શેઠજી, બીડી ને ચા હોય તો આપો ને!) ``હવે ભૈ, ભલાં થઈને ઝટ પ્યામ ત્વા કરો ને! ટળો ને અહીંથી! પેલા બેમાંથી એકે બર્મી-ગુજરાતીનું ખીચડું બાફ્યું : ``મારો સાળો આ તે કાંઈ દેશ છે કાંઈ દેશ! આ બેહાલ દશામાં પણ હજી આપણને ખંખેરવામાં કાંઈ કમીના નથી રાખવી! ઈંગોનથી આંહીં ટમુ લગી છ દિવસને રસ્તે એક પણ ગામડું માગ્યા વગર રહ્યું છે! એક પણ બરમો એમ પૂછવા આવ્યો છે કે બાબુલે, કાંઈ જોઈએ છે? ચાવલ કે દૂધ લાવી આપું? ગાડાં બાંધી આપું? ઊલટાનાં આપણાં ગાડાં લૂંટ્યાં, આપણને પૂછપરછ કરી રંજાડ્યાં... ``હવે એ કાણ્ય મૂકો, અને આમ જુઓ. એના સાથીએ આથમણી દિશાએ અનંત અમાપ એવો ગિરિમાળાનો ગઢ બતાવતાં કહ્યું. ``આ શું? પેલા ભાઈએ પૂછ્યું. ``બસ, આ જ નાંગા પહાડૉ. ``ઓહો! ત્યારે તો આની પછવાડે જ આપણો હિંદુસ્તાન. ``હં-અં! પછવાડે જ! એટલે કાંઈ વંડી ટપવા જેટલી વાત નથી. પાકા છ દિવસનો ચડાવ-ઉતાર છે! ને શેઠ, ઝટ ઝટ આ નાંગાઓને મજૂર રાખી લઈએ. નહીંતર રઝળશું. ``નાંગા સામે આવ્યાં છે, એમ ને! તયેં તો હાશ! તયેં તો હવે આ ભમરાળી ભૂમિમાંથી છૂટ્યાં! કરી છે ને કાંઈ માથે! ડુંગળી ને ભેંસના દૂધ સિવાય કાંઈ મળે જ નહીં ને! એક એક વીસા દૂધના (૩.૫ શેરના) બાર બાર આના! અરે તારી જાતનું મિકૂન! (મિકૂનો એટલે ભેંસનું દૂધ. મિકૂ : ભેંસ; નો : દૂધ.) ``અરે ભાઈ! સાથીએ કહ્યું, ``જંગલમાં તો એટલુંયે મળ્યું કહો ને! પણ મોલમીન—રંગૂનની આગબોટમાં તો કહે છે કે મૂઠીમૂઠી ચણા સિવાય કંઈ ખાવાનું છ-છ દિવસ નથી મળ્યું, અને મૂઠીમૂઠી ચણાના મૂઠીમૂઠી રૂપિયા ચૂકવવા પડ્યા છે. ``ઓલ્યા બેઠા યુ.પી.વાળા ભૈયા. ઈ તો ઇવડા ઈ જ ને, જેના સાત જણા રસ્તે મરી ગયા? ``હા, ઈ જ. મરે ઈ તો. અમરપટો કોઈ થોડો લાવ્યું છે! એમ કહેતો એ માણસ થૂંક્યો. ``ઓ પણે ઓલી મદ્રાસણ બાઈ રુવે. હવે મોં શું વાળી રહી હશે? કોલેરા ફાટ્યો એમાં કોઈ શું કરે? એનો ધણી મૂઓ ને બીજો શું જીવતો રે'ત! ``ભાઈ! આપણાં બૈરાંછોકરાં દેશ ભેળાં થઈ ગયાં એટલે સૂઝે છે આ બધાં લાડ! ``દેશ છે કાંઈ — કમબખત દેશ! પેલા ભાઈએ વળી પાછું શરૂ કર્યું : ``નોટુંના થોકડા ગાંઠે બાંધી લીધા ન હોત તો રસ્તે પાણી પીવાય આપત? આમ જુઓ આ મૂર્તિયું હાલી આવે. ડાકણ્યું જ લાગે છે કે બીજું કાંઈ? બે-ત્રણ બર્મી સ્ત્રીઓ ચારે બાજુ ફરતી ફરતી આવતી હતી ને બધાને કહેતી હતી તેમ આ બે જણને પણ કહ્યું : ``બાબુ ત્વામલા? (બાબુ, દેશ જાઓ છો ને?) ``હા બાપ! ત્વામશું જ ના હવે તો! એમ કહેતા આ ભાઈ ડોકું ધુણાવતા હતા. ``હાં... આં... બાબુ ત્વામે! (બાબુજી દેશ જશે!) પેલી સ્ત્રીઓ સાદી જ વાત કરતી હતી. પણ એ શબ્દોમાં આ ભાઈએ વ્યંગ ઉકેલ્યો : ``ટળિયેં છયેં બાપ! ટળિયેં છયેં. તમારા દેશનો છેલ્લો છેડો આવી રહ્યો તોય હજી કેમ અમારો જીવ ખાવા ફરી છો, માવડિયું! આ ત્વામ્યા, બાપા! અમે તો હવે આ ત્વામ્યા. પણ ભૂલશો નહીં, બચ્ચાંઓ, કે એક દિવસ અમે પાછા આવશું! એમ કહેતાં જ એણે ઊઠવા યત્ન કર્યો ને કહ્યું, ``પગ તો સૂઝીને થાંભલા થયા છે. આ ગાડાં! — એનાં મીંદડાં જેવા બળદો! આ ગાડામાં બેસાય જ કઈ રીતે? રાતે તાપણાં કરી કરીને જાગરણ કરવાં આ બધા તખો અને ચભોજીની બીકે, અને દિવસે બસ લાગટ ઝાડીમાં જ ચાલ્યા કરવાનું. છ દિવસની લાગટ ઝાડી! અહોહો! ઝાડી તે કાંઈ બીડની ઝાડી! મારગ વગરની ઘનઘોર ઘાટી ઝાડી. અહોહો! હેં ભાઈ! આ ઝાડી કાંઈ નજરમાં બેસે છે? એકેય વાર કપાણી નથી લાગતી. આમાંથી લાકડું નીકળે તેનો સુમાર જ ન રહે. નરદમ સોનાનું જ ટિંબર છે હો! કોઈક દી પાછા વળીએ તો આ બીડ ભૂલવા જેવું નથી. ``પણ આપણા સામાનનું એક ગાડું કેમ હજુ આવ્યું નહીં! બીજો ઊંચી ડોકે ઉગમણી દિશાએ સઘન ઘન જંગલ તરફ જોતો હતો. ``આવી રયું, બાપ! દેશ છે કાંઈ ભાઠોડ! માણસાઈ તો પાતાળે ઊતરી ગઈ છે.

પડાવના બીજા એક ભાગમાં ડૉ. નૌતમ, રતુભાઈ, બે સ્ત્રીઓ અને બાળકોનો કાફલો બેઠો હતો. ચાર જણાએ ઉપાડી લાવેલી ડોળીમાં શારદુ સૂતી હતી. કોઈ દેખી ન જાય તેમ ડૉ. નૌતમ એનું શરીર તપાસીને રતુભાઈને કહેતા હતા : ``બચી જાય તો નવાઈ નહીં. ``પણ હજુ આ બીજા છ દિવસ... ``પહાડી હવા મદદ પણ કરે. પણ વરસાદ તોળાઈ રહ્યો છે તેની બીક છે... ઓ જુઓ, પેલો કોઈક ગોરો મારી સામે જોઈ રહ્યો છે. ક્યાંઈક ઓળખી પાડશે તો આંહીંથી હજુ મને પાછો ધકેલશે. ઓ મારા બાપ! એ તો પાસે આવતો લાગે છે. લશ્કરી સી.આઈ.ડી. તો નહીં હોય? આવ્યો આ તો! નક્કી કોઈક... ત્યાં તો પેલા ગોરાએ દૂરથી લલકાર કર્યો : ``હલ્લો! ``હલ્લો! ઓહોહો! તમે આંહીં? અહીં કેમ? ડૉ. નૌતમે પેલા ફયુવાળા અંગ્રેજને પિછાન્યો ત્યારે એનો શ્વાસ હેઠો બેઠો. ``અહીં જ હોઉં ને? ``ક્યાં જાઓ છો? ``બીજે ક્યાં વળી? ઓલ રોડ્ઝ લીડ ટુ ઇન્ડિયા. (બધા માર્ગો હિંદ જ લઈ જાય છે.) ``એકલા છો? ``ના, મારાં બે છોકરાં પણ છે ને! ``પણ તમે તો ખાસ યુરોપિયનોને રસ્તે જઈ શક્યા હોત! ``હા, ને તે રસ્તે મને હાથી વગેરે વાહન પણ મળત. પરંતુ મને થયું કે જે રસ્તે હિંદીઓ જાય તે જ રસ્તે મારે જવું. તેમાં વળી તમે ભેટ્યા. તમે કયે માર્ગે આવ્યા? ``પીમનાથી ગુડ્ઝ ટ્રેનમાં માંડલા, માંડલાથી લોંચમાં મીમું, મીમુંથી ખટારામાં મનીલા, મનીલાથી મોટી લોંચમાં કલેવા, કલેવાથી ઇંગોન હોડકામાં, ને ઇંગોનથી આંહીં ગાડારસ્તે. ``કેટલું ટૂંકામાં કહી નાખ્યું? ગોરો શ્વાસ લઈ ગયો. ``દુ:ખનાં લાંબાં બયાન શા માટે? નૌતમનો સ્વર ક્ષીણ પડ્યો. ``તમારે હોડીઓ ખેંચવી પડેલી? ``હા જ તો. કાંઠે કાંઠે ધગધગતી રેતીમાં ચાલીને દોરડાં ખેંચવાં પડેલાં. ``અમારી લોંચમાં ગોરાં જ હતાં. જગ્યા હતી છતાં દેશીઓને ન બેસવા દીધાં. લોંચવાળાઓ હતા હિંદીઓ. તેમની ખોપરી તપી ગઈ. તે વખતે તો ન બોલ્યા, પણ પછી રસ્તે લોંચમાં ભાર વધુ પડતો છે એમ કહી અમારી સ્ત્રીઓને ઊતરીને ચાલવા ફરજ પાડેલી. તેમાંથી કેટલીયે મરી ગઈ. ``ગોરી સ્ત્રીઓ? ડૉ. નૌતમ ચકિત થયો. ``હા. તમારાં પત્નીને હવે કેમ છે? ``આ રહ્યાં, ડૉ. નૌતમે પત્ની બતાવી, ``હવે એ એકલી નથી. ``શું કહો છો! પ્રસવ થઈ ગયો! આજે કેટલામો દહાડો? ``અઢારમો. ત્રીજે વાસે જ અમે નીકળ્યાં. ``ને બન્ને જીવે છે! ``અલાઈવ એન્ડ કીકીંગ! (લહેરથી જીવે છે.) ``અદ્ભુત! ``મુસીબત ને મર્દાઈ, બેઉ જોડે ચાલે છે. આ બીજાં બાઈ. એને પ્લેગ હતો. એને અમે બેભાન સ્થિતિમાં ઉઠાવેલ. લોંચમાં ભંડકિયાને તળિયે છુપાવીને લાવ્યા. આમ વાતો કરે છે ત્યાં તો — ``અરે ઓ, ડૉક્ટર! પહોંચ્યા છો ને શું? એવા બરાડા પાડતા પેલા બેઉ મેલાં કપડાંવાળા સાથીઓ આવી પહોંચ્યા : ``ભલા આદમી! બોલતાય નથી? ગોરો વિનયથી દૂર ચાલ્યો ગયો. ``ઓહોહો! શામજી શેઠ, શાંતિભાઈ શેઠ! માંડ માંડ ઓળખાયા. હવે મહેરબાની કરીને મને ડૉક્ટર કહી બોલાવતા નહીં, નીકર હું જાહેર કરી આપીશ કે તમે બધા માલદાર છો; તો હમણાં આ ગોરો તમને પાછા ઉપાડશે. લશ્કરવાળો છે, હમણાં તમારાં જ નામ પૂછતો હતો. ``ઠે...ક! ચાલો હવે! આ તે કોઈ દેશ છે, ભાઈ! આ દેશ તો કોઈ જાલિમનો નીકળ્યો, હો ડૉક્ટર! આ દેશનાં માણસો મલકનાં ઉતાર. આ તમે બહુ વખાણતા, તો જોઈ લ્યો આ સંસક્રતીને. મારા બેટા ગામેગામ કહેતા આવે છે કે, ``બાબુ ત્વામલા, બાબુ ત્વામલા! મારા બેટા, જેટલા બહાર એટલા બીજા ભોંમાં! નરાતાર જાપાનને મળી ગયેલા, ને મીંઢા તે કાંઈ મીંઢા! જાપાનને દોરીને લઈ આવ્યા! ``મુદ્દાની વાત કરોને, શામજી શેઠ, નૌતમે કહ્યું, ``આપનું નાણું તો બધું દેશ ભેગું થઈ ગયું છે ના? ``ઈ તો થાય જ ના! નેળ્યનાં ગાડાં નેળ્યમાં થોડાં રહે છે! આ તો હું પ્રસ્તાપી પેટછૂટી વાત કરું છું, કે આ પંદર દા'ડામાં આ દેશનાં લોકોએ અમને જે અનુભવ કરાવ્યો છે તેની કાંઈ વાત કરી જાય તેમ નથી, સાહેબ! વગર પૈસે તો વઢાણી ઉપર મૂતરવાય તૈયાર નહોતા. લાવો પૈસા! ટભ્યા પેબા! નપ્યા પેબા! પેબા પેબા ને પેબા વિના બીજું રટણ નહીં. અને રાતે બસ ધા લઈને આવે ધમરોળવા. ``આપણેય, શેઠ! ટબ્યા નપ્યા (પૈસા રૂપિયા) વગર આ લોકોની કઈ વઢાણી પર મૂતર્યા છીએ? યાદ તો કરો. ``હવે તમે પાછા, ભાઈસા'બ! બળતામાં ઘી હોમો છો, હો ડૉક્ટર! છેલ્લી ઘડીએ, આ ભમરાળો દેશ છોડતાંય તમારાં મહેણાં મટ્યાં નહીં! ``ત્યારે પછી હવે એનો દેશ છોડતી વેળા છેલ્લી ઘડીએ એનાં જ વગોણાં કરશું! ``ખાસું. ચાલો, કાનની બૂટ પકડી. હવે, આ શું તમારો કાફલો? આ છોકરું... ``દેવનાં દીધેલ. ``અરે રંગ! જાતાં જાતાંય આ દેશનો પાણીફેર વસૂલ કરતા જાઓ છો ને શું? ત્યારે તો પછેં આ દેશનું વાંકું શેના બોલો, મારા ભાઈ! તમારું કામ તો બેવડે દોરે છે. ``પણ શાંતિભાઈ શેઠ! નૌતમે કહ્યું, ``તમે કેમ ચૂપ છો? ``સહજ જ. અમારું એક ગાડું નથી આવ્યું. ``હવે છોડોને ગાડાવાળી, શેઠ! શામજી શેઠ ખીલ્યા હતા. ``હવે તો સુગલ ઉડાવો; જીવતા આવ્યા તેનો આનંદ માણો. તમારી છાતી પર તો ગાડું જ ચડી ગયું છે. ગાડામાં હતું શું! જાવા દ્યો ને જહાનમમાં. સમજો ને કે ગાડેથી જ પત્યું. નજરોનજર નથી જોયું? — કોલેરામાં ટપોટપ માણસો પડતાં'તાં, મા સગા દીકરાને ડચકાં ખાતો મૂકીને ચાલી નીકળતી'તી, ને આપણાં ગાડાં મુડદાંને માથે થઈને ચાલતાં હતાં. ``આપણે જરાક છેટા જઈએ. ડૉ. નૌતમને પત્ની તેમ જ શારદુનાં નબળાં મગજ પર ભયાનક છાપ પડવાની બીક લાગી. ``મારું તો ભાઈ, એવું કે મને ઈ બધાં મડદાંફડદાં દેખી ચીતરી ન ચડે. કંઈક જોઈ નાખ્યાં. આ શાંતિભાઈ શેઠ કાંઈક સુગાળવા ખરા! જ્યાં એવું આવતું ત્યાં ઊંધું જ ઘાલી જતા. હું તો ગાડાનાં પૈડાં હેઠળ મડદાં ચેપાતાં જોઉં તોયે... ડૉ. નૌતમે પણ આવી વાતોથી મોં ફેરવી લીધું હતું. દૂરથી રતુભાઈ એક ડોળી અને ચાર ઉઠાવનારાઓ લઈને આવતા હતા. એ નજીક આવતાં શામજી શેઠની નજરમાં ઓળખાઈ ગયા ને પોતે ગંભીર બનીને બોલ્યા : ``ઓહો! આ ભાઈ પણ તમારી ભેગા છે ને શું! ઠીક ત્યારે લ્યો, ડૉક્ટર! હવે તો આપણે વળી ક્યાંક આગળ ભેટી જશું. અમારે તો ગાડાની વાટ જોવી પડશે. એમ કહીને એણે ને શાંતિદાસ શેઠે ચાલતી પકડી. રતુભાઈનો તેમને ખરેખર ભય લાગ્યો. ગોરા સાહેબ પોતાનો સામાન નાંગા લંગોટીદારોના શિર પર ઉપડાવીને ડૉ. નૌતમના પડાવ પર હાજર થયા. જોડે બે બાળકો હતાં. તેને હેમકુંવરબહેને હેત કરીને પોતાની પાસે બોલાવ્યાં, કાજુ વગેરે સૂકો મેવો આપ્યો. ગોરી કન્યા હેમકુંવરબહેનની નવી બાલિકાને તેડવા પણ લાગી. તેમનો બધાંનો પડાવ એક રાત્રિ માટે સાથે થઈ ગયો. પરોઢિયે તેમનું પહાડ-પરિયાણ શરૂ થયું. પગપાળાં બધાં પહાડ ચડવા લાગ્યાં. ડૉ. નૌતમે નાની છોકરીને લીધી. બાબલો ચારેક વર્ષનો ચાલવા લાગ્યો. એ દૃશ્ય દયામણું હતું. એને ગોરા સાહેબે પોતાને ખંધોલે ચડાવી લીધો. સુવાવડાં હેમકુંવરબહેન પગ ઠેરવતાં ચાલ્યાં. શારદુની ડોળી અને રતુભાઈ આગળ નીકળી ગયાં હતાં. અરુણોદય થતો હતો ત્યારે ડોળીવાળાઓના પહેલા વિસામે રતુભાઈએ ઊભા રહી, પહાડ પરથી પાછળ રહી જતા મુલક પર મીટ માંડી. બ્રહ્મદેશનું છેલ્લું દ્વાર છૂટતું હતું. શતમુખી મા ઇરાવદીના કનકમય ફાંટા સુવર્ણના લિસોટા જેવા જાણે હજુ દૂર દૂર દેખાતા હતા. ફયાનાં ઊંચાં શિખરો ચમકતાં હતાં. બુદ્ધની વામણી અને વિરાટ પ્રતિમાઓ, બેઠેલી અને સૂતેલી દેવમૂર્તિઓ, હજુ નયનોમાં રમતી હતી. એ એંજી, લુંગી અને અંબોડામાં પુષ્પો મઢતી નારીઓ ફરી દેખવાની નહોતી. નીમ્યા અને મા-હ્લાની મધુર વાણી અને સોનાંકાકીનાં શરીરને સદાસર્વદા મહેકાવતો તનાખા-લેપ, કાન અને નાકને હજુ ભરતાં હતાં. એ સર્વ ગયું શું? સ્વપ્નમાં જ જોવું રહ્યું શું? વિશ્વસંગ્રામ વિરમે તે પછી પણ બ્રહ્મદેશમાં જવાનું કોણ જાણે ક્યારે થશે? મીઠાંબોલાં માનવીઓ સાંભર્યાં ને અંતર વલોવાઈ ગયું. નીમ્યાનો કાંઉલે મને શોધતો હશે! દડ-દડ-દડ આંખો વહેવા લાગી. આંસુનાં ટીપાં પર સૂર્યકિરણો પડ્યાં. હે દિવાકર દેવ! તમે તાજા જ કાંઈ સમાચાર લાવો છો બ્રહ્મદેશના! આગનાં પ્રલયપૂર ક્યાં સુધી પહોંચ્યાં? એ સંહારના સ્રોતમાં નીમ્યા, કાંઉલે ને મા-હ્લા સલામત છે? તેમનાં શરીરોને તો ઘરના કે પરના લૂંટારા સ્પર્શ્યા નથી ને? અતિસ્નેહ પાપાશંકી બન્યો. આશંકાના ઓઘ ઊછળ્યા. કંઈક થયું હશે તો! નીમ્યાના દેહ પર જાલિમોનાં હળ ચાલ્યાં હશે તો? તો હું શું મોઢું લઈને ઘેર જીવતો રહીશ? મા-હ્લા શું કરતી હશે? શારદુને વળાવતી એની આંખો મેં રાત્રિએ જોઈ હતી. એણે મારી સામે માત્ર મીટ જ માંડીને કહેવાનું કહી નાખ્યું હતું. આટલી વહાલી નણંદને વળાવીને મા-હ્લા ઊભી થઈ રહી; હવે કોઈ દિન કાગળ, તાર, સંદેશો કાંઈ કરતાં કાંઈ જ નહીં આવે-જાય! જાણે પાતાળમાં પુરાઈ ગયાં. ઉપર ભમ્મરિયાં પાણી ફરી વળ્યાં. બડબડિયાં બોલી બંધ પડ્યાં. ત્યાંવાળાં ત્યાં—આંહીંવાળાં આંહીં! શારદુની ડોળી તરફ પીઠ વાળીને જ એ ઊભો હતો. શુદ્ધ બ્રહ્મદેશી અદાથી રતુભાઈ ઘૂંટણિયે પડ્યો. ને એણે માથું ઢાળી છેક ધરતીને કપાળ અડકાડ્યું. એણે પુકાર્યું : ``મને સાત વર્ષ સંઘરનારી, હે વસુંધરા! હે અન્નપૂર્ણા! વિચાર માત્રથી પણ મેં તારા અવગુણ જોયા હોય, તો માનજે કે પેટના બાળકે ખોળો બગાડ્યો છે. ``હે પાલક ભૂમિ! મારાં અનેક ભાંડુઓએ છેલ્લાં સાઠ વર્ષમાં તારી કુસેવા કરી હશે. એમને ક્ષમા દેજે. એ શું કરે બાપડાં? અમારી અંબા જ જર્જરિત, લૂંટાયેલી અને ધાન્યહીન છે; એટલે અમે આવ્યા તારે દ્વારે, ભૂખનાં વડકાં ભરતાં. અમે આવ્યા, અભણ અને અણસંસ્કારી સ્થિતિમાં. આવવું કેમ, પરને આંગણે રહેવું ને વર્તવું કેમ, એની અમને ગતાગમ નહોતી; ક્ષમા દેજે. ``તને વગોવી હશે, વગર સમજ્યે. ક્ષમા દેજે. ``કોઈક દિવસ આવશે મારાં દેશવાસીઓ — તું આગળ તારાં થઈને. ``કોઈક દિવસ તું પોતે જ બની જશે અમારી માતૃતનયા. આજે તો તને ઇરાદાપૂર્વક ઉચ્છેદી છે. ફરી ફરી વંદનો કરીને એ ઊઠ્યો. આગળ ચાલ્યો. ડોળીમાં પડેલી શારદુએ ક્ષીણ નેત્રે રતુભાઈનું રડેલું મોં નિહાળ્યું, ક્ષીણ સ્વરે એણે પૂછ્યું : ``મારાં ભાભી કાંઈ બોલ્યાં'તાં? ``બધું જ કહીશ. રતુભાઈના એ મીઠા જવાબે શારદુની છાતી છલાવી. શારદુની પથારી પાસે જ પંદર દિવસ ને પંદર રાત ગાળનાર રતુભાઈ શારદુને મન અજાણ્યો નહોતો રહ્યો. દેશમાં જશું એટલે કોઈક નવી જ જીવન-દુનિયા ઊઘડવાનાં સ્વપ્નોમાં એ મસ્ત રહેતી હતી. પગપાળો કાફલો આવી પહોંચ્યો. તેમણે રતુભાઈને ઘૂંટણિયે પડતો જોયો હતો. તેમણે પણ ઊભા રહીને છેલ્લી દૃષ્ટિ બ્રહ્મદેશ તરફ નાખી લીધી. ``ચાલો, આપણે પણ પ્રાર્થના કરીએ, બચ્ચાં. કહીને ગોરા પિતાએ પોતાનાં બેઉ બાળકોને બ્રહ્મદેશ તરફ ઘૂંટણિયે ઝુકાવ્યાં. ડૉ. નૌતમ પણ પોતાની હૅટ બગલમાં દબાવી પૂર્વ ભણી ઊભા રહ્યા. સાંજ પડતાં કાફલો એક પહાડ ચડીને પાછળ એની ખીણમાં ઊતરી ગયો. બ્રહ્મદેશ આડો પરિપૂર્ણ પડદો પડી ગયો. પહાડો પછી પહાડો ઊભા હતા. પહાડોનો કોઈ પાર નહોતો. ગામડું નહોતું. જળાશય નહોતું. ઝૂંપડીયે નહોતી. પહાડોને પેટાળે પેટાળે સરકારે નવી કરેલી પગદંડી પર થઈને હિંદીવાનોનું કીડિયારું ચાલ્યું જતું હતું. એ પગદંડીની કિનારી નીચે હજારો ફૂટ ઊંડી કંદરાઓ હતી. સાહેબનો સાત વર્ષનો બાળક ચિંતાનું કારણ હતો. જરીક પગલું ચૂકે તો ગત્તાગોળમાં જાય તેવો વિકટ માર્ગ હતો. રસ્તે જે પાસે હોય તે જ ખાવાનું હતું, ટોચેથી છેક નીચે ખીણ સુધી ઊતરીને નાળામાંથી મળે તે પાણી પીવાનું હતું. ચડ ને ઊતર — ચડ ને ઊતર — પહાડની અનંત અટવી ઓળંગી જવાનો અન્ય કોઈ ઇલાજ નહોતો. નહોતું ખચ્ચર કે ગધેડું, બકરું પણ નહોતું. હતા કેવળ લંગોટિયા કાળા મણિપુરી નાંગા મજૂરો — ને હિજરતી હિંદીઓ. પહેલા દિવસની રાત એક ડહોળી નદીના પટમાં ગાળવી પડી. પડાવે ત્યાં રાંધ્યું ચીંધ્યું ને ખાઈ કરી રાતભર ચોકી રાખી. વળતા દિવસના વહેલી પરોઢના સાડા ત્રણ વાગ્યે પડાવ ઊપડ્યો. બપોર સુધી ચાલ્યો. સાંજે અનરાધાર મે ત્રાટક્યો. સુવાવડી હેમકુંવરબહેન — ને એના જેવી તો કંઈક, પલળતી પલળતી પ્રભુને ભરોસે આગળ ચાલી. ત્રીજે દિવસે ગોરા સાહેબનો સાત વર્ષનો દીકરો, આગલા દિવસના મેઘમાં પલળીને આખી રાત એ જ વસ્ત્રભર ફૂંકાતા પવનમાં સૂતેલો એટલે, સહેજ અસ્વસ્થ બન્યો. બે દિવસમાં ચુમ્માલીસ માઈલનો પંથ કર્યા પછી ત્રીજા રોજના બાવીસ માઈલ એને માટે વસમા બન્યા. એની ચાલ ધીમી પડી; પિતા-પુત્ર પાછળ રહ્યા. સાંજે ત્રીજા પડાવ પર પહોંચીને સૌ રાહ જોતાં હતાં. છેવટે તેમણે સાહેબને ખંધોલા પર કેવળ એકલા બાબલાને જ ઉપાડીને આવતો દીઠો. નાની છોકરીને રમાડતી ગોરી કુમારિકા તો આ કાળા કાફલામાં એકરસ બની ગઈ હતી. બાહ્ય પરિસ્થિતિએ કાળા-ગોરા અને ઊંચ-નીચનો ભેદ નામમાત્ર પણ નહોતો રહેવા દીધો, એટલે બાકી રહી હતી શુદ્ધ માનવતા. ગોરી કન્યાએ પણ પંદર દિવસથી કપડાં બદલ્યાં નહોતાં. સ્નાન પામી નહોતી. અરે, આલુ બાફવા સિવાય બીજું કાંઈ એને આવડતું નહીં, એટલે ખોરાક તો એને રતુભાઈ પકાવી દેતા. સાહેબ આવીને પહેલાં તો નિરાંતે બેઠા. પછી એણે મોં લૂછ્યું. કન્યાએ પૂછ્યું, ``ડૅડી! રોબી ક્યાં? ``પ્રભુને ત્યાં. ગોરાએ ઊંચે આંખો કરી. કન્યા આભી બની, આંખો ફાડી બાપ સામે જોઈ રહી. બાપે કહ્યું : ``ડાર્લિંગ! રોબીને તો સદાને માટે પાછળ મૂક્યો. પછી તો ભાઈની બહેનનું છાતીફાટ કલ્પાંત એ પડાવમાં રેલાયું. માવિહોણાં બે બચ્ચાં હતાં. એમાંથી એક જાણે કે અટવીમાં ભૂલું પડી ગયું ને ગાયબ બન્યું. ``રડ ના, બેટા! બાપે કહ્યું, ``આ સુવાવડી લેડી દુભાશે. રતુભાઈ, ડૉ. નૌતમ વગેરે સૌ દોડ્યા આવ્યા. પૂછવા લાગ્યા, ``રોબીને શું થયું? ``કાલથી જ ન્યુમોનિયા હતો. રસ્તે ન્યુમોનિયા વધ્યો. ઓઢાડવા-પાથરવાનું કાંઈ નહોતું. મેં બીજે ખંધોલે એને ઊંચકીને તેડ્યો. માથે મે તો વરસતો જ હતો. રસ્તે જ રોબી ખતમ થયો. ``પછી? ``પછી શું? એક બાજુ મુડદું મૂકી દઈને હું ચાલ્યો. ``કાલે અસર હતી તો મને કેમ ન કહ્યું? ``કહીને શું કરું? તમે થોડા ડૉક્ટર છો? ડૉ. નૌતમ લેવાઈ ગયા. એણે જ પોતાની જાત છુપાવી રાખી હતી. એણે કહ્યું : ``મિત્ર! હું હીનભાગી ખરેખર ડૉક્ટર જ છું. પણ મારે છુપાઈને નીકળી જવું પડ્યું છે. રોબીની આવરદા તો ઈશ્વરાધીન વાત હતી. પણ હું ડૉક્ટર છતાં મારી ફરજ ન બજાવી શક્યો. ધિક્ છે મને. ``તમે શું કરો, મિત્ર! મારા જેવા ગોરા પર તમને એટલો બધો ઇતબાર તે ક્યાંથી આવે કે સાચી ઓળખાણ આપો! ગોરાનું આવું મૃત્યુ, અને આવી એના મૃતદેહની દશા, એ પરાધીન હિંદીઓને પહેલી જ વાર સાંભળવા મળી. નાંગા પહાડોના નિર્જન ખોળામાં માનવી માનવી વચ્ચેનો આ નિહાળવા મળેલો અભેદ કલ્યાણકર હતો, પણ અતિ કષ્ટકારી હતો. હેમકુંવરબહેને રોબીની બહેનને પોતાની ગોદમાં લઈને આખી રાત આશ્વાસ્યે રાખી. ગોરો પિતા તો નાંગાના નિશ્ચલ શિખર જેવો બેસી રહ્યો. એણે ડૉ. નૌતમને ને રતુભાઈને કહ્યું : ``યુરોપનું અક્કેક ઘર આજે જે અનુભવી રહ્યું છે, એના પ્રમાણમાં મારા રોબીનું અવસાન શી વિસાતમાં છે! અરે, એટલે દૂર કાં જવું? ઓ જુઓ પેલી પંજાબણ રડે! એના પતિ અને પુત્ર, બેઉને મેં રસ્તે ડચકાં ખાતા પડેલા દીઠા; અને એમને છેલ્લું પાણી પણ આપી શક્યા વગર એ બાઈને પોતાને સંગાથ સાથે ચાલી નીકળવું પડ્યું છે. રાતમાં ડૉ. નૌતમે કહ્યું : ``સાહેબ, તમારી ને બહેનની મનોવ્યથાને કંઈક વિરામ મળે તેટલા સારુ આપણે આજ આંહીં જ રોકાઈ જઈએ. ``એકને ગુમાવ્યો છે, હવે આપણા પડાવમાંથી આ બીજા બાળકને પણ ગુમાવવો હોય તો રોકાઈએ, સાહેબે ડૉ. નૌતમના બાબલાને શિરે હાથ મૂકીને કહ્યું, ``ચાલો, ચાલો, રોકાવાનું હોય જ નહીં. આ તો સંગ્રામ છે; વિધાતા સામેનો. ઠંડી તાકાતના એ નમૂના પ્રત્યે, કાફલાવાળી સર્વ આંખો ચોટી રહી. એ પોતે તો સિગારના સળગતા ટોપકા પરથી મરેલી રાખને છંટકોરતો, ધીરે ધીરે જલતા છેડા પર જ તાકી રહ્યો હતો. ``સળગવું, રાખ થતાં જવું અને ખરતાં જવું — લાઈફ ઈઝ એ સિગાર, માય ફ્રેન્ડઝ! (જીવન એક બીડી જ છે, મારા મિત્રો!) એવા મધુર બોલ એ લૂંટાયેલા પિતાના મોને વધુ મધુર બનાવતા હતા, અને આત્માને તો તેથીયે વધુ મધુર. ``કમ એલોંગ માય બોય્ઝ, પૅક અપ! નો પોઝીંગ, નો વેઈટીંગ, નો લક્ઝરી ઓફ મોર્નીંગ, વી સીમ્પલી કાન્ટ એફોર્ડ ઈટ. (ઊઠો બચ્ચાંઓ! બચકાં બાંધો. રોકાવું, રાહ જોવી, કે રુદનનો વૈભવ માણવો, એ કશું જ આપણને પરવડે તેમ નથી.) એમ બોલીને એણે રાતના ત્રણ વાગ્યે સૌને ઢંઢોળી સાબદાં કર્યાં અને એણે પોતાની પુત્રીને કહ્યું, ``આમ આવ તો! જો હું તને એક તરકીબ કરી આપું. એમ બોલીને એણે પોતાની પાસેનો એક કપડાનો ટુકડો લઈ પુત્રીની પીઠ પર એનું ખોયું કસકસી આપ્યું ને પછી તેની અંદર, હેમકુંવરબહેન પાસેથી નાની છોકરીને લઈને સુવાડી દીધી ને કહ્યું : ``જો, આપણે બર્માના એક સુંદર સંભારણાને આ રીતે સાથે લઈ જઈ શકશું. બર્મી અને ચીની સ્ત્રીઓને આમ બાળકો તેડતી જોઈ છે ને? અને હવે? ક્યાં ગયો મારો બાબલો? બાબલો! ઓ યુ લિટલ ડેવિલ બાબલો! કમ એલોંગ! તને પણ વધુ કમ્ફર્ટેબલ સીટ કરી આપું. એમ કહીને એણે બાબલાને ખંધોલે લીધો, ને બાબલાને પગ ઠેરવવા પોતે ગળામાં એક રસી નાખી આડી લાકડી લટકાવી દીધી. ભારે હૈયે ચાલી નીકળેલા એ સંઘમાં સાહેબની આવી કંઈક રમૂજો-રોનકો દેખી દેખી ડૉ. નૌતમ રતુભાઈને કહેતા હતા કે ``અમારી વિદ્યામાં જે `ટ્રાન્સ્ફ્યુઝન ઓફ બ્લડ' અર્થાત્ એક શરીરમાંથી બીજા શરીરમાં રુધિરાન્તર કરવાનું છે, તે જ આંહીં થઈ રહ્યું છે. આપણા ભરપૂર બાલ-વાત્સલ્યને આ સાહેબ પોતાના દરિદ્ર બનેલા અંત:કરણમાં રેડ્યે જાય છે. બાકીના જે પાંચેક પડાવો થયા, તેમાં સાહેબ આખા પડાવનાં છોકરાંને એકઠાં કરી પોતે ૫૫ વર્ષની વયના શરીરને વિસ્મયકારી સ્ફૂર્તિથી સ્કીપિંગ-દોરી પર કુદાવતા, પછી પોતાની સામે એકાદ છોકરા-છોકરીને ઊભાં રાખી જોડલે સ્કીપિંગ કરતા. બિલાડી, કૂકડા, કૂતરા વગેરે પ્રાણીઓની તરેહવાર બોલીઓ કાઢીને એણે એવાં પ્રાણી વગરની એ પહાડસૃષ્ટિમાં ભરપૂર જનવસ્તીનો મધુર વિભ્રમ જગાવ્યો, અને પગદંડીની ઊંચી પહાડ-ટોચેથી છેક નીચે તળેટી સુધી ઊતરી ઊતરીને પાણી પણ એણે લાવી લાવી સૌને પિવરાવ્યું. ``આ કાંઈ ઉપકાર થોડો કરું છું! એ કહેતા : ``પ્રત્યેક ટીપું રોબીને પહોંચશે. સાહેબનાં ટોળટીખળો જોતી જોતી ડોળીમાં પડેલી શારદુના મોં પર હાસ્ય ઊપસતું, ને એ ઊપસેલી ફિક્કી ચામડી પરથી આંસુનાં ઝરણાં ચાલતાં.

ઇમ્ફાલ! — આખરે મણિપુર ઉર્ફે ઇમ્ફાલની મહેલાતો નજરે પડી, અને સાહેબ સૌથી પહેલો આનંદ-શોર કરી ઊઠ્યો : ``લૅન્ડ, માય બોય્ઝ, ધ પ્રોમીસ્ડ લૅન્ડ! આખરે આપણી મનોરથસિદ્ધિનું સ્વર્ગધામ આવી પહોંચ્યું. પણ એના હર્ષનાદને કાફલામાંથી એકેય જણ ઝીલી શકતું નહોતું. સૌને રોબીની ખોટ સાલતી હતી. હેમકુંવરબહેન સૌથી વધુ વેદનાને સંઘરતાં હતાં. સાથેનાં કાજુ વગેરે મેવાનો ભાગ છેલ્લા પાંચ પડાવો વખતે એણે જ્યારે જ્યારે વહેંચ્યો હતો, ત્યારે દરેક વખતે બીજાં સૌને આપી રહ્યા પછી પણ ભૂલભૂલમાં એણે એક્કેક મૂઠી ભરી રાખી હતી. કોઈક હજુ રહી ગયું છે એવો વિભ્રમ થતો, ને પછી પોતે મૂઠી ડબામાં પાછી ખંખેરી નાખી સ્વગત ઉદ્ગારો કાઢતી : `હાય હાય રે મૂઈ, હૈયાફૂટી!' પલેલના કૅમ્પમાંથી જ્યારે સાહેબે બાબલાને નીચે મૂકી વિદાય લીધી, ત્યારે હેમકુંવરથી ધ્રુસકે ધ્રુસકે રડી જવાયું. ડૉ. નૌતમે સખત ઠપકો દઈ એને માંડ ચૂપ કર્યાં. ચાલી નીકળેલાં બાપ-દીકરીની પાછળ બાબલો ચીસ પાડતો દોડ્યો. તેને સાહેબે ઘોઘર બિલાડાનો ઘુરકાટભર્યો અવાજ કાઢીને જરા બિવરાવી પાછો વાળ્યો, અને દૂર દૂર સાહેબના શિર પરથી ઊંચકાઈને હવામાં વીંઝાતી હૅટ સૌને દેખાઈ.

હિંદમાં એક સ્ટેશને પેસેંજર ટ્રેન આવીને એક પાટા પર ઊભી હતી. બીજી એક ટ્રેન આવીને પછવાડેના પાટા પર થંભી. એ લશ્કરી ટ્રેન હતી. એના ડબાઓ ઉપર રેડ ક્રોસના બિલ્લા ચીતરેલા હતા. એમાં લશ્કરી દરદીઓ હતા. આ લશ્કરી હોસ્પિટલ-ટ્રેનના એક ડબામાં બે જણા બેઠા હતા. તેમનાં માથાં, છાતી, હાથ, ખંભા સફેદ પાટામાં લપેટાયેલ હતાં. સામે ઊભેલ પેસેંજર ટ્રેનના ડબામાં આ બેઉની દૃષ્ટિ ચોંટી રહી. બંનેએ આંખો વડે સામસામી ચેષ્ટા કરી. પછી તેમાંના એકે બારી બહાર ડોકાઈને જોઈ લીધું કે નીચે ઊભેલ સંત્રીનું ધ્યાન બીજી બાજુ હતું; એણે સામા ડબાના કોઈક પેસેંજર પ્રત્યે ધીરો અવાજ કર્યો : ``બાબુ!... બાબુલે!... ડૉક્ટર બાબુ! લતુબાબુ! તાજેતરમાં જ પોતે ત્યજેલી પ્રેમભૂમિનો એ પરિચિત સૂર કાને પડતાં જ પેસેંજર ટ્રેનના બે હિંદી યુવાનોએ ચમકી ચોમેર જોયું. પલભર તો ભણકારા વાગ્યા : જાણે સોનાં-કાકી સ્વપ્નમાં બોલાવી રહી છે. પછી તેમણે ફરી વાર શબ્દ સંભળાતાં સામેના ડબા તરફ નજર ઠેરવી, પાટાપિંડીમાં જકડાયેલા એ બે જણા એકદમ ઓળખાયા નહીં, એટલે એમાંના એકનો જમણો હાથ ઊંચો થયો. પણ હાથ ટૂંકો હતો; હોય તેથી અરધો જ હતો. એને પંજાને બદલે ઠૂંઠી કોણી જ હતી. બૅન્ડેજ બાંધેલી એ કોણી ઊંચી થઈને એ માણસને કપાળે અડકી. એ સલામ કરતો હતો. એ સલામ ભયંકર હતી. એકાએક એ દેખીને રતુભાઈના મોંમાંથી ચિચિયારી ઊઠી. ``માંઉ-માંઉ! જવાબમાં સામા માણસે હસીને ડોકું હલાવ્યું, ને કહ્યું : ``ઓળખ્યો ખરો! બીજા માણસે રતુભાઈ સામે પોતાનો હાથ નહીં, કોણી પણ નહીં, પણ જમણો પગ કપાળ સુધી ઊંચો કરી સલામ ભરી કહ્યું : ``મને ઓળખ્યો! હું માંઉ-પૂ! અને એણે પોતાના બેઉ ખભા ડૉ. નૌતમ તરફ રજૂ કર્યા. ``અરરર! ડૉક્ટરે ઉચ્ચાર્યું. આના તો બેઉ હાથ ખભેથી જ ગયા છે. નીમ્યાનો વર! બેઉ ઠૂંઠાઓ હસતા જ બેઠા હતા. ઠૂંઠા હાથ ને ખભા વારંવાર દર્શાવીને કોઈક મોટી સિદ્ધિની જાણે વધાઈ ખાઈ રહ્યા હતા. ડૉ. નૌતમને અને રતુભાઈને આ દૃશ્યે અબોલ, દિગ્મૂઢ બનાવ્યા. પોતાના અતિ નિકટના આ બેઉ બર્મી જુવાનોનાં છૂંદાયેલાં મોં ઓળખાતાં વાર થઈ, પણ ઓળખાયા પછી જે એકાદબે પલ વીતી તે દરમ્યાનની મનોવેદના અકથ્ય હતી. આંખે ઝળઝળિયાં આવ્યાં. રતુભાઈએ હાથની ઇશારતે પૂછ્યું, ``આ શું? ``માંડલેનો કિલ્લો — જ્યાં તમારા લજપતરાય અને ટિળક પુરાયેલા — એને અમે ઉડાવ્યો. અમારા હાથ પણ ત્યાં હોમી આવ્યા. સમજતાં ઘડીઓ વીતી. આ બેઉ માંડલેનો કિલ્લો ફૂંકવામાં ક્યાંથી? જાપાનીઓને મળી ગયેલા? હાં હાં! તખીન પાર્ટીનો આ જલતો તિખારો માંઉ-માંઉ બ્રહ્મદેશમાંથી ગાયબ બન્યો હતો. બનેવીને લઈને જાપાનીઓમાં જ જઈ ભળ્યો હોવો જોઈએ. ``નીમ્યાને... માંઉ-પૂના મોંમાંથી આટલો બોલ પડ્યો ત્યાં તો કેદીઓની એ હોસ્પિટલ-ટ્રેનનાં પૈડાં ફર્યાં. ઘડીકમાં તો એ ટ્રેનના છેલ્લા ડબાની પીઠ પરની લાલચોળ ત્રણ બત્તીઓ જ દેખાઈ ને અંધકારમાં ઓરાઈ ગઈ. ભણેલોગણેલો જુવાન; આંખે-મોંએ માના જેવો ફૂટડો, ધડાબંધી અંગ્રેજી વાગ્ધારા રેલાવતો, વિચારવંત, કાળમાં ને કાળમાં ફુંગી બનેલો, મા-હ્લાને ચાહનારો : છેલ્લે એને ખનાન-ટોનાં હુલ્લડ ચલવતો ને નારીના તેજ સામે પરાસ્ત બની પાછો વળેલો દીઠો'તો. પણ આ શું બોલી ગયો એ? માંડલેના કિલ્લાનો ધ્વંસ ક્યાં ને આ ક્યાં! રતુભાઈને નીમ્યાએ છેલ્લી વાત કહી જ નહોતી. સોનાંકાકી સાંભરી આવ્યાં. છેલ્લે છેલ્લે એક સોનાંકાકી જ મળ્યા વગરનાં રહ્યાં હતાં. સોનાંકાકી — પિતાએ પોતાની જુવાનીમાં કોઈક દિન ચાહેલી એ પ્રૌઢા! દરેક રીતે પૂરેપૂરી માતાપદને પાત્ર એ ઢો-સ્વેનો તો આખો સમાગમ જ ડૉ. નૌતમના જીવનમાં ઝંકાર પાડી રહ્યો.

``આ બાબલો જોયો તમારો? હેમકુંવરબહેને મહેસાણા વળોટ્યા પછી ડૉ. નૌતમને નવા ખબર આપ્યા : ``પાજી જ છે ના! શારદુબહેનને કહે છે કે : શાદુ મામી! ભરાવા લાગેલા શારદુના ગાલ, જેના ઉપર કાબરચીતરી કેશલટો ઝૂલતી હતી, તે ગાલ કાનના મૂળ લગી રાતાચોળ થયા. ``ભલે કહેતો! રતુભાઈએ પૂર્ણવિરામ મૂક્યું. શારદુ વધુ લાલ બની ગઈ. વઢવાણ કૅમ્પ સ્ટેશન છોડીને ટ્રેન આગળ વધી. વાંકાનેર આવવાને વાર નહોતી. પણ રતુભાઈની નજર સામે બે જ દૃશ્યો રમતાં હતાં : એક કોણી સુધી કપાયેલા હાથની નીમ્યાના અકોએ કરેલી સલામ ને બીજું સલામ ઝીલવાના એકેય હાથ વગરની પોતાની પ્યારી અમા નીમ્યાના નાથ માંઉ-પૂની સ્થિતિ : નીમ્યાને આ સ્થિતિનું દર્શન કદી જ ન કરાવજો, હે મારા નાથ!