પ્રવીણસિંહ ચાવડા/લેખકનો પરિચય

લેખકનો પરિચય

નામ : પ્રવીણસિંહ ચાવડા જન્મતારીખ : ૧-૯-૧૯૪૫ વતન : પીલુદરા તા. મહેસાણા અભ્યાસ : એમ.એ. (અંગે્રજી સાહિત્ય) ૧૯૬૯ વ્યવસાય : (૧) ૧૯૬૯થી ૧૯૭૮ વિસનગર, સૂરત અને મોડાસાની કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક (૨) ૧૯૭૮થી ૧૯૯૭ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના જુદાજુદા હોદ્દાઓ પર વહીવટી કામગીરી (૩) ૧૯૯૭થી ૨૦૦૩ ગુજરાત જાહેર સેવા આયોગના સભ્ય લેખન : (૧) ‘સુગંધિત પવન’, ‘નવું ઘર’, ‘ત્રિમૂર્તિ’, ‘નમ્રતાના સાહેબ’, ‘હઠીસિંગની સ્ત્રી’, ‘જૂની સિતારનો સોદો’ વગેરે ૧૧ વાર્તાસંગ્રહો (૨) ‘જગુભાઈનો પુનર્જન્મ’ (લઘુનવલ) (૩) ‘બાળલેખકની આત્મકથા’ (સંસ્મરણો) (૪) ‘મારો એડિનબરાનો પ્રવાસ (પ્રવાસ) પુરસ્કાર (૧) ધૂમકેતુ પારિતોષિક (૨) ગુજરાતી સાહિત્ય પરિષદનું રામનારાયણ પાઠક ‘દ્વિરેફ’ પારિતોષિક (૩) ‘વનદેવતા’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ વાતાસંગ્રહનું પારિતોષિક (૪) જુદા જુદા પાંચ વાર્તાસંગ્રહોને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક સરનામું : ૨૧૨ વૃંદાવન-૨, ડી-માર્ટની સામે, સેટેલાઇટ રિંગ, અમદાવાદ-૩૮૦૦૧પ. ફોન : ૯૯૭૯૨૩૦૦૩૯ પ્રવીણસિંહ ચાવડાની ચૂંટેલી વાર્તાઓ વિશે નરેશ શુક્લ


‘પ્રવીણસિંહ ચાવડાને વાર્તા હાથવગી છે’ – એવું વિધાન કરવામાં જરા સરખો પણ સંકોચ ન થાય એવું સાતત્યભર્યો સર્જન ફ્લૉ રહ્યો છે. આમ તો એમણે નાની ઉંમરે લખવાની શરૂઆત કરેલી પણ એ પોતે મહત્ત્વપૂર્ણ તબક્કો અંદાજે ૧૯૯૮ની આસપાસ શરૂ થાય છે એને ગણે છે. પછીના સવા-દોઢ દાયકામાં જ એમની વાર્તાઓની સંખ્યા સદી વટાવી જાય છે. ૧૧ જટેલા સમૃદ્ધ કહી શકાય એવા વાર્તાસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. ઉપરાંત સંપાદનો અને સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ થઈ રહી છે. ૧૯૮૫ પછીના ગુજરાતી સાહિત્યના સમયગાળાને ‘અનુઆધુનિક’ સમયગાળો ગણવાના પ્રયાસો થઈ રહ્યાં છે એમાં પ્રવીણસિંહ ચાવડાનું પ્રદાન અવગણી શકાય એમ નથી. સંખ્યા અને ગુણવત્તા બન્ને દૃષ્ટિએ એમની વાર્તાઓ ધ્યાન ખેંચે છે. સ્થળની મર્યાદાને ધ્યાનમાં રાખીને એમની વૈવિધ્યસભર વાર્તામુદ્રાઓથી ભાવ અવગત થાય એવા આશયથી અહીં માત્ર દસ વાર્તાઓ પસંદ કરવામાં આવી છે. આ પસંદગી સ્વાભાવિક જ અંતિમ નથી, ન હોઈ શકે. આ સંપાદનમાં એમની અનેક મજબૂત વાર્તાઓ લેવાની રહી ગઈ છે એ આરંભે જ સ્વીકારું છું. વાર્તાઓ પસંદ કરવામાં વિષયનું વૈવિધ્ય, સંવેદનનું વૈવિધ્ય ઉપરાંત ભિન્ન ભિન્ન રૂચિસ્તરને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. હું આધુનિકોતર કહું છું એવા આ ગાળાના સર્જકોમાં કુળ-મૂળ તરફ જવાનું વલણ વિશેષ જોવા મળે છે. એ લાક્ષણિકતા આ વાર્તાઓમાં પ્રચૂર માત્રામાં ઉપસી આવે છે. આમ તો મૂળે અંગ્રેજી સાહિત્યના અધ્યાપક એવા આ લેખકને વિશ્વભરના સાહિત્યનો /વાર્તાસમૃદ્ધિનો સાતત્યભર્યો સંપર્ક રહ્યો છે. ટૂંકીવાર્તાની પરંપરા અને વિવિધ તબક્કાના વાદ-વિચાર વલણોને એ બરાબર જાણે છે, એનો અભ્યાસ કર્યો છે. પણ એની સીધી અસરો ઝીલ્યા વિના ય સાફ-સુથરી અને સરળ કથનથી કઈ રીતે કલાત્મક વાર્તા નિપજાવી શકાય? – એના નમૂનારૂપ આ વાર્તાઓને જોઈ શકાય. ફ્લેશબૅકની પ્રયુક્તિએ આલેખાયેલ વાર્તા ‘જનારી’માં એના નાયકના ચિત્ત પર બાળવયે આગવી રીતે અંકિત થઈ ગયેલ પડોશણ વિધવા ભાભીની છાપ એના તેજસ્વી, મધુર અને કોમળ સ્વભાવથી અંકિત છે. એની સામે ગામલોકો એ સ્ત્રીને સારી છાપથી નથી ઓળખતા કેમકે, એક દિવસ અચાનક જ કોઈ સાથે ગાયબ થઈ ગયેલી. એ લંપટ અને ખરાબ ચારિત્ર્યની સ્ત્રી તરીકેની જાહેર છાપ ધરાવે છે. આ વિરોધાભાસ સરસ રીતે વાર્તામાં ઉપસી આવ્યો છે. પ્રૌઢ વયે પહોંચેલાં સંપન્ન નાયકની ગેરહાજરીમાં અચાનક જ ઘરે આવી પડેલી અજાણી સ્ત્રી નાયકની પત્નીને મળીને પાછી ગાયબ પણ થઈ જાય છે. – આ ઘટના આપણી ચિત્તમાં સાવ આછા લસરકે પણ એક ભવ્ય અને નિર્મળ સ્નેહની ઝાંખી કરાવી જાય છે. ‘દૂત’ વાર્તામાં છૂટાછેડા થયા પછીની ઘણો સમય વિતી ગયા પછી સાવ છેવાડાના નાનકડા ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રંજુ એની એક દીકરી સાથે જીવનમાં વ્યસ્ત છે. ત્યારે એને મળવા આવી ચડેલ એક અજાણ્યી વ્યક્તિ મોટા માનસિક વમળો સર્જે છે. એની આછી હલકી-ફૂલકી ઘટના આ વાર્તાને બહુપરિમાણીય બનાવે છે. અંત ખૂલ્લો રાખવામાં આ વાર્તાકારને મજા પડે છે. ભાવક માટે વિચારવાની સ્પેશ આપવાની ટેક્‌નિક પ્રવીણસિંહની આગવી પદ્ધતિ પણ બની રહે છે. આવી સ્પેશ અનેક વાર્તાઓમાં સરસ રીતે ગૂંથાઈ છે. કોઈને પણ ગમી જાય એવી સરળ કથનમાં કહેવાયેલી રચના ‘ચાકરી’. પોતાના સ્વજનોથી દૂર, સાવ સૂકાભઠ એવા વેરાન ગામમાં જેનું પહેલું પોસ્ટિંગ થયું છે. એવા જંગલખાતાના અધિકારી મિહિરનો અનુભવ મમળાવવો ગમે. કામવાળી તરીકે આવેલી ઉગમ થોડા જ સમયમાં કઈ રીતે મિહિરને સહજ રીતે સમાવી લે છે. એની વાત રસાળ રીતે ગૂંથાઈ આવી છે. વાર્તાના અંતે વાચક ગૂંચમાં ફસાઈ જાય કે, દરેક સાહેબ સાથે આવું હેતાળપણું એ લાવતી ક્યાંથી હશે? ‘કોઈના નસીબમાં શીઘ્રતા છે’ – જેવું લાંબું શીર્ષક ધરાવતી વાર્તામાં એકાધિક પરિમાણો સર્જાયા છે. દેવશંકર મહારાજનું પરંપરાગત પંડિતપણું ઉપરાંત પછીથી પ્રગટતું લંપટ વ્યક્તિત્વ. પુત્ર વાસુદેવની બાઘાઈ આછા પણ મજબૂત લસરકે આલેખીને ભૂમિકા તૈયાર કર્યા પછી પ્રવેશતી વાસુની પત્ની એવી નાયિકા વાર્તામાં છવાઈ જાય છે. એ જીવનરસથી ભરપૂર ગોરાણીને લાભ લેતા આવડે છે. શહેરમાં થયેલ ઉછેર ગામડામાં બરાબર કામે લાગ્યો! એને કશી લોકલાજ નડી નથી. ચાર-ચાર પુરુષોને એ જે રીતે નચાવે છે તે તેની શીઘ્રતાને પ્રગટ કરે છે. વાર્તા બોલકી હોવા છતાં મજાની બની રહે. ‘બદામી રંગની કોટ અને છત્રી’ – વાર્તામાં નાયિકા કીર્તિની બાળપણની ઘટનાનું સંધાન વર્તમાન સાથે કઈ રીતે સંધાય છે ને એને ખોતરીને જે ભાતીગળ જીવનલીલા પ્રગટ થાય છે તે વાચકને પોતાના આશ્લેષમાં લીધા વિના છોડે તેમ નથી. ‘માણેકગઢની લડાઈ’માં ખોવાઈ ગયેલો ભૂતકાળ, વટ અને વીરત્વની ઘટનાને કઈ રીતે વિસારે પાડી દેતા હોઈએ છીએ અની દર્દ જન્માવી દેનારી ઘટના એટલે માણેકગઢની લડાઈ. ભૂતકાળ એ કદીએ ન ભરાય એવો કૂવો છે. એમની વાર્તામાં આ સ્વર વારંવાર આવતો રહ્યો છે. કાકાબાપુનું આગમન અને એમની ઇતિહાસને, ખાસ તો આગલી પેઢીના સંઘર્ષને સાચવી લેવાની લાલસા અહીં અનેક રંગે આલેખાઈ છે. એમાં હાસ્યરસ તો છે જ પણ એની પડછે નર્યો કરુણ નીતરે છે. નવી પેઢીની નવી દૃષ્ટિ શું ગુમાવી રહી છે એનો વલોપાત ન પકડાય તો જ નવાઈ. ‘ઓળા’ વાર્તામાં જીવનભર કોઈ નાતો જ બંધાયો નથી એવા પિતા-પુત્રનો નાતો પિતાના મરણ પછી ક્રમશઃ રીતે પ્રગટી આવે છે તે અને એનાથી ભાવકને પકડાય કે એ બંને વચ્ચે, અંતિમ ભાગે કરાયેલ સંકેત મુજબ ભવિષ્યની પેઢી વચ્ચેય કેવો મજબૂત બંધાયેલો હોય છે! એની વાત વાર્તાને અર્થગહન બનાવે છે. ગુજરાતી સંસ્કૃતિના પરિવેશની અજીબ લીલા પ્રગટી છે. મા તે મા ની ગાઈ વગાડીને કરાતી પૂજાની સામે આ આ વાર્તા બત્તી ધરે છે. માને પણ ઉપયોગનું સાધન બનાવી દેનાર આપણી સામાજિક વ્યવસ્થા પરનો કટાક્ષ કોઈપણ રીતે બોલકા બન્યા સિવાય આ વાર્તાકારે ચૂસ્ત બંધ સાથે આલેખી આપ્યો છે. સુન્દરમ્‌ની ‘ખોલકી’ વાર્તા જેવો જ ચૂસ્ત બંધ ધરાવતી આ વાર્તા ભાવકને સ્તબ્ધ કરી દેનારી નીવડે. ‘મકાન વેચવાનું છે’ વાર્તા નવી ને જૂની પેઢી, એના સંબંધોની ભાત, લોકલ અને એન.આર.આઈ. વચ્ચેના સંબંધો, ઇત્યાદિ પરિમાણોને એક સાથે બાથમાં લે છે. તેમ છતાં હળવાશની લકીર છેક સુધી નિભાવી રાખી છે. અંતે જે ચોટ આવે છે તે આપણા સમયમાં જેના સંતાનો વિદેશમાં સ્થાયી થયા હોવાથી એકલવાયા થઈ જતાં વૃદ્ધોની હાલતને ગૂંથી આપે છે. મજાની વાર્તા. ‘અડધી રજા’ વાર્તાના નાયક નાયિકા ભૂતકાળના પ્રેમીઓ છે. સ્વેચ્છાએ કે પરિસ્થિતિને કારણે વિચ્છેદ પામીને અન્ય વ્યક્તિઓ સાથે જીવનમાં બરાબર ગોઠવાઈ ગયા છે. નાયક તો લાંબાગાળે વિધુર પણ થઈ ગયો ને પછી, વર્ષો પછી યોજાતું સૌથી ગોપિત એવું મિલન આ વાર્તામાં બન્નેની સંવેદનાને, એમના જીવનની તરસને સાંકેતિક રીતે ઉપસાવી આપે છે. એક બીજાથી દૂર ને છતાં એકબીજામય હોવાની મજાની અનુભૂતિ આ વાર્તાને માણવાલાયક બનાવે છે. આ દસેય વાર્તાઓ વિવિધ સ્થળ, પરિવેશ, પરિસ્થિતિ, સંવેદનનું વૈવિધ્ય અને આગવી છટાઓ સાથે ટટ્ટાર ઊભી ભાવકના ચિત્તને ઓળઘોળ કરવામાં સફળ રહે એવી છે. પ્રવીણસિંહ ચાવડા વાર્તાઓને બહુ પ્રયુક્તિઓથી આલેખતા નથી. ફ્લેશબૅકની પદ્ધતિ વધારે અનુકૂળ છે. નાયિકાઓ વિલક્ષણ અને તેજસ્વી છે. પ્રણય ત્રિકોણ, વિચ્છેદ અને પ્રેમના રૂપો મજેથી આલેખે છે. સાથે સાથ વૃદ્ધાઓ, વૃદ્ધોની સંવેદનાઓને આલેખે ત્યારે એ વધારે સફળ થતા અનુભવાય છે. એ વાર્તાને પરંપરાગત પદ્ધતિએ આલેખવી પસંદ કરે છે. પણ અંદરનું સંવેદનવિશ્વ પરંપરાગત નથી એમાં આ વર્તમાન સમય, સંસ્કાર અને મર્યાદાઓ બખૂબી ઝીલાયા છે. આશા છે સૌને આ વાર્તાઓ ગમશે..