ફેરો/૧૨

૧૨

હું નાસ્તો લેવા ઊતર્યો. બહારથી ગાડીમાં ચઢનારાં અંદરથી ઊતરનારાંને રસ્તો નહોતાં કરી આપતાં, એ મેં ઊતરી ગયા પછી જોયું અને તેથી બહારવાળાં અંદર આવી શકતાં નહોતાં અને અંદરવાળાં બહાર જઈ શકતાં નહોતાં! મારાથી આવું સહ્યું જતું નથી. બંને બાજુવાળાએ – આળસ ના હોત તો, ભાષણ આપીને સૂઝ પાડવામાં શ્રદ્ધા હોત તો, ક્યારનીય આ તક મેં ઝડપી લીધી હોત. આગળ મુસાફરી કરવી હતી એટલે ન છૂટકે હું રિફ્રેશમેન્ટ સ્ટૉલ પર પહોેંચ્યો. ખોરા તેલની તાવડીમાં ભજિયાં ઊકળી રહ્યાં હતાં. મારા કરતાં ભૈ અને એને ભજિયાં વધુ ભાવતાં હતાં, તેથી લેવાં તો જોઈએ જ. ભજિયાં જોખાતાં હતાં ને મારી નજર વ્હીલરના બુકસ્ટૉલ પર પડી. ‘ટાઈમ’ માગ્યું પણ ના મળ્યું. આજનાં પેપર બધાં ખલાસ થઈ ગયેલાં ને ગઈકાલના પેપરની પસ્તીઓ પડી હતી. પૅરી મેસન અને અર્લસ્ટોનલી ગાર્ડનર પાસે ટાગોર, પ્રેમચંદ, ૨.વ.દે. કાચના કબાટમાં હતા; પણ ધ્યાન ખેંચે એવું તો – આ બધાની ઉપરની અભરાઈએ પીળા પ્લાસ્ટિક પેપરમાં પોણા નગ્ન પોશાકસજ્જ પર્યકમાં પોઢેલી હૃષ્ટપુષ્ટ અંગના ઉપર ઝૂકેલા બલિષ્ઠ પુરુષના ચિત્રવાળા કોકશાસ્ત્રની સાતેક નકલ ચળકતી પડી હતી – એ હતું. બીજી ગાડી આગલા સ્ટેશનેથી છૂટી છે તેથી ઊભેલી ગાડીએ ખસવું જોઈએ – સૂચવતા ડંકા વાગ્યા. મેં પગ ઉપાડ્યો. સામેથી પેલા દાંત કઢાવનાર માજી ભેટી ગયાં. કહે, ‘એની હોશ ફૂટે, આ લોહી તો બંધ થતું નથી.’ મેં મારી છીંકણીની દાબડી આપી, આશ્વાસન આપતાં કહ્યું, ‘આ દબાવો, કદાચ લોહી બંધ થશે. ન મટે તો તરત કોક દાક્તરને બતાવજો.’ ડબ્બો ભૂલી જઈશ કે શું એમ વિમાસતો હું ચાલ્યો. ડબ્બો મળી ગયો. અહીં તો બધી બાજી જ બદલાઈ ગયેલી જોઈ. અંદર બારી આગળ એણે મારી અને ભૈની જગા બોટી લીધી હતી. વ્હીસલ. ધક્કો. હું ચઢી ગયો. અંદર જતાં જોયું તો બધાં જ પ્રવાસીઓ બદલાઈ ગયેલાં. સામસામાં બે પાટિયાં વચ્ચેની પગ મૂકવાની જગામાં ઓઢવાની ચાદર વીંટેલો મોટો બિસ્તરો ઊભો ગોઠવી તેના ઉપર એક ગોરા વાનની બાઈ બેઠી હતી. તેથી ઉપરની બે છાજલી પકડી પકડી કૂદતાં કૂદતાં બારી આગળની સીટ પર સ્થાન લેતાં મને અગવડ પડી. મને રૂંધામણ જેવું લાગ્યું. કેમ કે ગાડી ઊપડી છતાં એક બેઠી દડીના ખાદીના ઝભ્ભા-લેંઘાવાળા ભાઈ બારીએ ટટુંબીને બિસ્તરા પર બેઠેલી બાઈને ‘આવજો-આવજો’ કરી રહ્યા હતા. પ્લૅટફૉર્મ જતું રહ્યું. મને તેમની ફિકર પેઠી. આ ઊતરશે કેમ કરી? કૅબિન આવી. કૅબિનના કાનમાં એન્જિને છુક છુક કર્યું. ભૈને આ બરાબર સંભળાય? આને ઊતરવું નહીં હોય? ફાટક આવ્યું. ગામડે જતી લીલી એસ.ટી. બસો ઊભી હતી ત્યાં ‘એ ...આવજો બહેન’ કરી પેલાએ નીચે જાણે પડતું જ મેલ્યું. બિસ્તરા પર બેઠેલી બહેને સામે એટલા જ જોરથી (મારા કાનમાં ધાક?) ‘આવજોે ભાઈ’ કહ્યું અને અડધી અડધી થઈ ગઈ. બારીથી એ સહેજ દૂર હતી. એની આ દૂરતા એને દુખતી હતી. અરે, મને ય ખૂંચતી હતી. બિસ્તરો શીરીં આગળ ખડકાયેલો પહાડ જેવો જણાયો; પહાડની પેલી કોરથી માત્ર ફરહાદના હથોડાનો અવાજ આવે છે... એકદમ જ પૂછવા ખાતર મેં પૂછ્યું, ‘તમે સ્ત્રીઓના ડબ્બામાં કેમ નથી બેસતાં ત્યારે?’ ‘મરી જઈએ તોય આ દા’ડામાં બૈરાના ડબ્બામાં ના બેસાય.’ ‘કેમ સાવ એવું?’ મારો જિજ્ઞાસારસ પ્રથમ વાર દ્રવવા લાગ્યો. ‘હમણાં પેપરમાં આવેલું વાંચ્યું નથી તમે?’ સામો પ્રશ્ન પૂછીને કુતૂહલને તંગ કરી શકાય એની પ્રતીતિ અહીં મળી. ‘તમે કહો ને એ બધું શું આવ્યું’તું?’ ‘બૈરાના ડબ્બામાં એક જ ગામની બે બચરવાળ બાઈઓ મુસાફરીએ જતી હતી. એક જણી છાજલી પરથી બિસ્તરામાં મૂકેલો પાનનો ડબ્બો કાઢવા ગઈ, શું થયું તે ચાંદીનો ડબ્બો બહેનપણીના ખોળામાં ઊંઘતા માંદા છોકરાના માથા પર પડ્યો. ચીસ પાડી છોકરું બેભાન જેવું થઈ ગયું, એટલામાં પુલ આવ્યો. માંદા છોકરાની માને, શું થયું તે પાનના ડબ્બાવાળી બેના સાજાસમા છોકરાને ઊંચકી સણક્યો પાધરો નદીમાં... શું થયું તે...’ મનેય શું થયું તે મૂંગોમંતર થઈ ગયો. અને આજુબાજુ જોતો થોડી વાર રહી ગયો. સામે ઝૂલતી સાંકળ તાણી ખેંચવાનું મન થયું.. ડબ્બામાં બિસ્તરા ટ્રંક ટોપલી થેલી પેચવાળા લોટા પંખા કોથળા સૂટકેસ ખાટલા ખુરસી ટેબલ ચૂંક ખીલી કુંજા ધૂળ ને રાખ – આખી ગાડીમાંથી આ સર્વને પેલા ખેડૂતના હાથમાં રહેલા વરેડાથી બાંધી બહાર નદીમાં પુલ નીચે પધરાવી દીધું હોય તો! – તો ગાડીઓમાં ગિરદી ન થાય – તો અકસ્માત ન થાય – તો હાર્ટ-એટેક કે કૉલેરા ન થાય – તો ઝઘડા ન થાય. – તો ઘરડા સુખેથી જાત્રા કરી શકે – તો જુવાનડાં પ્રેમ કરી શકે – તો બાળકો બારીએ બેસી જે જોવું હોય તે જોઈ શકે – તો ગાડીઓ લેટ પડે જ નહીં – તો કંપલેઇન બુક છપાવવી ના પડે – તો પાણીનો બગાડ ઓછો થાય – તો સાંકળ ભાગ્યે જ ખેંચવી પડે – તો કદાચ ગાડીઓ ખાલી જ જાવ – તો કદાચ ગાડીઓ બંધેય થાય – તો સામાન વગર ગરીબડા બની ગયેલા લોકો પગપાળા કે ઘોડે ચઢી જવાનું પસંદ કરે – તો ઘરડાં બળદગાડાંમાં ફરતાં થઈ જાય. – છૂક છૂક છૂક છૂક છૂક છૂક...