ફેરો/૧૭

૧૭

હવે તો કંટાળો આવતો હતો. વન્સમોર?! ગાડીમાં ક્યારનાં બેઠાં હતાં તે પણ ભૂંસાતું ચાલ્યું. અમારા સ્ટેશનથી આવ્યે જતાં સ્ટેશન કેટલા દૂર હતાં, કેટલાં પાસે હતાં એની કલ્પના કરવામાંય રસ ન હતો. અત્યારે તો અમારા સ્ટેશનનું નામેય યાદ આવતું અટકી ગયું છે. એવું થતું હતું કે અમારું સ્ટેશન જ આવવાનું નથી, અજાણ્યો પ્રદેશ... ટિકિટ પર છાપેલા નામવાળું કોઈ સ્ટેશન જ હોય તો છેક પાટા પૂરા થાય તે છેલ્લા સ્ટેશને જ જઈ ઊતરીએ અને છેલ્લું સ્ટેશન સાંભળ્યું તે મુજબ અમારા પછીનું બીજું સ્ટેશન હતું. પાસેના એક ભાઈને મેં પૂછ્યુંઃ ‘આગળ ટ્રેન કેમ નથી જતી?’ ‘આગળ ટ્રેન જાય ક્યાં?’ ‘ગામડાં, પરગણાં, પર્વતો, નદીઓ...જેટલે લઈ જવી હોય એટલે જાય ગરીબ આદિવાસીઓને...’ ‘પણ મારા મહેરબાન, અહીંયાં, ત્યાં તો રણ છે રણ. તમારે રણમાં આગગાડી દોડાવવી છે તે રણમાં આગ ક્યાં ઓછી છે? જોયું નહીં જંક્શન આવતાં પોણા ભાગ જેટલી ગાડી તો ખાલી થઈ ગઈ? આ તો માથે રાત ઊતરે છે એટલે ડબ્બામાં બેસી શકાય છે, નહિતર બપોરે તો દોજખના દામાકુંડમાં નાહીએ છીએ સૌ....’ આવું ને આવું ઘણું બધું એ બોલતા ગયા પણ હું એક વિલક્ષણ સમસ્યા પરત્વે સભાન બની ગયો હતો. મારી પત્નીમાં પણ કોઈ નિગૂઢ શક્તિઓ (અલબત્ત, મારા લીધે જ) જન્મી હોય એવી દહેશત મને પેઠી. ઊંઘી ગયેલા ભૈને માથે હાથ ફેરવતી એ અત્યારે કોઈ સ્થૂળ - જિપ્સી સ્ત્રી જેવી જણાતી હતી. ઘરમાં ઘણી વાર થતો પેલો સંવાદ, વારંવાર મને લાગતી તરસ... ‘રણમાં તમારું મોત થયું હશે’ એ એના નિર્હેતુક દેખાતા શબ્દો અત્યારે તો મારા માટે બિનજરૂરી ગંભીર રૂપ ધારણ કરતા હતા...રણની પાસે હું ખેંચાઈ આવ્યો કે રણે મને ખેંચી આણ્યો? અફાટ પથરાટવાળું રણ હિરણ્યકશિપુના મહાલયનો સ્થંભ ધૂળની ડમરીનો સીધો જમીનમાંથી ફુવારાની પેઠે ફાટી આકાશને કીલકની જેમ ચોંટી જતો સ્થંભ. દૂર લીલા કાચ શાં ઝલમલતાં સરોવરને કિનારે ઢળી પડેલાં અરબી ઊંટોનાં અસ્થપિંજર...કેટલાક ઊંટોના દેહમાં હીરા જડ્યા હોય એવાં ખંજર સૂર્યમાં ઝગારા મારી રહ્યા છે... વંટોળની ડમરીમાં કંકુ ભળી ધૂળ સાથે બાધાનાં ઘોડિયાં, નાળિયેર, નારાછડી, ઢીંગલાં...ઘૂમરાતાં હતાં. ડમરીના થાંભલાને ચક્કર લગાવતા વિચિત્ર અવાજો કરતાં ગીધોની એકમાં રાત અને બીજામાં દિવસને સમાવતી લાગે તેવી પ્રચંડ પાંખો... ...પાટા સાથે ગાડીનાં પૈડાં કિચૂડાટ કરતાં કરતાં ચુસ્ત થવા લાગ્યાં. બિસ્તરાવાળી ઊભી થઈ. કોણી મને વાગી. બધો સામાન એકઠો કરવા લાગી. મને કહે, ‘હું મારા માને હેઠાં ઉતારું પછી આ બિસ્તરો મને આપશો?’ મેં માથું હલાવ્યું. અબુધ હું. પેલું રણ અને આ ઘર પત્ની, ઊંટ... કેમે ય મેળ મળતો નહોતો. ગાડી થોભી. બારી બહાર જોયું તો તારાની પાછળ રહી તમરાં પાર્શ્વગીતમાં રણમાં ગાતાં હતાં. બીજા સામાન સાથે એની માને એ ઉતારતી હતી. બિસ્તરાને ખસેડીને બારણાં પાસે લાવ્યો તો ત્યાં માથે ફેંટિયું વીંટી કોક ખેડૂત આ લોકોને સામાન ઉતારવામાં મદદ કરતો હતો. બિસ્તરાને પણ એણે જ ઉતારી પોતાને માથે મૂૂકી ચાલવા માંડ્યું. ગાડી ઊપડવાની તૈયારી હતી. આ બાઈ આભાર-સૂચક કે બીજું કંઈ બોલતી નથી. એ તો કહે, ‘હજુ તો અમારી આખા રાત ચાલતા જવાનું છે. પરોઢિયે પહોંચીએ તો પહોંચીએ વવી. પેલા મારા બાપા હતા...’ ‘લ્યો બેન, આવજો.’ બારીમાંથી જોઈ રહેલી પત્નીને એણે કહ્યું, અને મને જાણે દૃષ્ટિમાં લઈ ઉમેર્યું, ‘ઊતરો છો? અમારું ગામડું જોવા જેવું છે હોં.’ – આ બધું ઉપરઉપરનું લાગે છે. મને માત્ર ‘આવજો’ એટલું કહી ચાલતી થઈ. ડબ્બામાંથી ફેંકાતો પ્રકાશ મારા પડછાયાને બારીના ચોકઠા સમેત જમીન પર છાપતો હતો... પડછાયો ખસવા લાગ્યો, ખસતો ખસતો એક સિગ્નલના થાંભલા પાસે અથડાયો! બી જઈ મેં માથે હાથ મૂકી દીધો. ચાંદનીમાં કેડીઓ જોકે સ્પષ્ટ તરી આવતી હતી. સ્ટેશનના છાપરા બહાર બાઈ અને એનું કુટુંબ શાહીચૂસ પર કાળી શાહીમાં ઝબોળાયેલી માખીઓની જેમ ખસતું હતું. હું? રણ તરફ... ‘પહેરી ઓઢીને નીકળ્યો સાસરે વ્હાલમ.’ સારંગીના સૂર સાથે એક ગીત ઊડી આવ્યું. હું સીટ પર બેઠો. પાછલા બારણેથી ચઢી અંદર આવેલો ભરથરીનો ચૌદપંદર વર્ષનો કોઈ છોકરો ગાવા માંડ્યો. એના ફેંટાનો પીળો ભડક રંગ અને ધોવાયે ઝાંખી થયેલી રાતી બંડી ભૈની આંખોને ઝગમગાવી ગયાં. ગીતના તાલે તાલે કાનની બૂટે થરકતાં ચળકતાં લટકણિયાં પર તેની પરવશ દૃષ્ટિ સ્તબ્ધ બની ઝૂલતી હતી. મને એનો અવાજ ઊંચો અને બેસૂરો લાગ્યો. સારંગી ઉપર એનું પ્રભુત્વ પ્રશસ્ય હતું. ક્યારનોય જાગી જઈને ભૈ સારંગીવાળા સામે એકીટસે તાકતો જાણે એકકાને સાંભળી રહ્યો હતો. ચમત્કારથી આ છોકરાનો ચહેરો મોટો થઈ જાય તો એ પેલા મદારીને મળતો આવે જે નદીના પુલ પર ચઢી એક ટોળાને એમ કહેતો હતો કે મારા આ કંડિયામાં સાપના અનેક કણા સંઘરાઈ પડ્યા છે. કરડે તો ખોપરી જ બહાર લાવી દે! અર્ધ ગોળાકારે ગાડી એકદમ ડાબી તરફ વળતી હતી. ભૈને મેં કહ્યું, ‘જો પાછળ ગાડીના ડબ્બા કેવા વળે છે!’ ચાંદનીમાં વળાંક લેતા ડબ્બા અજગર જેમ ધપતા હતા. એટલી ધીમી એ ચાલતી હતી કે ઊતરીને પાછો ધાર્યો ડબ્બો પકડીને ચઢી જવાય. ભક્ષ્ય ગળીને અજગર ઝાડ સાથે ગોળ ચૂડ ભેરવીને જ બધું પચાવે છે. ગયેલા સ્ટેશનના સિગ્નલ પર ટબૂક્યા કરતો દીવો, કિલ્લાના સાતમાળે મેલડી માતા આગળ બળતા દીપક જેવો દેખાતો હતો! ભૈએ મને ટપલી મારી ઍન્જિન તરફ આગળ જોવા આંગળી ચીંધી. તણખા એન્જિનમાંથી તડ તડ ઊડતા અને ઝાંખરાંમાં કપાઈ ગયેલા નાના પતંગની જેમ પડતા, પણ મારું વિશેષ ધ્યાન તો હતું ધુમાડા તરફ. ગાડી હજુ ગોળ ને ગોળ વળતી જતી હતી અને ધુમાડાનો જે પુંજ પાછળ મૂકતી તેના અવકાશમાં વિવિધ આકારો સ્થિર થઈ જતા. એક એક ધૂમ્રવર્તુળ તો એવું ચક્કર ચક્કર ફરતું હતું કે એ આખીયે આખી ટ્રેનને હમણાં પોતાનામાં સમાવી લેશે...!