ફેરો/૫

મને જાણે પયગંબરી સ્વપ્નો આવે છે, ’ક્લૅરવૉયન્સ’ની શક્તિય હશે. વચનસિદ્ધિની તો વાત જ ન કરીએ. ટ્યુઝડે લોબસંગ રામ્પા તો તિબેટનો હતો અને આવી અલૌકિક શક્તિઓ એને વરી હશે; તેણે સાધના પણ કરી છે. છતાં મને અનાયાસે – રસ્તામાં ચાલતાં કોઈ તદ્દન અજાણ્યો માણસ ભરચક ગિરદીમાં આપણને હાર પહેરાવી અદૃશ્ય થઈ જાય તેમ આ શક્તિઓ મળ્યાનો પાક્કો વહેમ છે. આંતરે આંતરે મને એક એવું સ્વપ્ન આવે છે, જેમાં મને મારું ગામ તેના તમામ અધ્યાસો સાથે તાદૃશ્ય થાય છે. ગામના બસ-સ્ટૅન્ડ ઉપર ધૂળના ગોટા ઉડાડતી એસ. ટી. આવીને ઊભી રહે છે. શહેરનું ધમાલિયું જીવન કાયમ માટે છોડીને હું નિવૃત્તિ ભોગવવા ભૈને તેડી એ બસમાંથી ઊતરું છું. જમણા હાથે લાઇબ્રેરી, ડાબા હાથે ઊંચા ઓટલાવાળું મંદિર. મારી સામે - હું બીજી ચોપડી ભણતો તે પ્રાથમિક નિશાળ (આ નિશાળની બારી - જ્યાં ઊભો રહી પરીક્ષાના દિવસે ઊલટીઓ કરતો હું દૂરના વિશાળ વડ તરફ જોઈ રહેતો) અને ત્યાંથી દસ ડગલાંવા ચૉરો. ચૉરા પાસે એક ઢાળ, ઢાળની નીચે પંચાયતના પડી ગયેલા જાજરાનું જર્જર ખોખું. ઢાળ ભૈ સાથે, પત્નીને પાછળ મૂકી હું ઉત્સાહપૂર્વક ચઢું છું (શહેરના ઘરની નિસરણી કદી આટલા ઉમંગથી ચઢ્યો નથી.) ત્યાં ઢાળ ઉપરથી ભૂત જેવો જણાતો બિહામણો સોમપુરી બાવો નીચે ઊતરે છે. આ બાવે ભડભડતી આગમાં કૂદી પડી દસ વર્ષની છોકરીને બચાવી હતી, જેથી બળેલાજળેલા દેહને ઢાંકવા માથાથી તે પાની સુધી ભગવું વસ્ત્ર એ વીંટતો. ઉઘાડા શરીરે ભાગ્યે જ કોઈ એને જોતું. એક વાયકા ચાલે છે કે મહાદેવમાં કપડાં ઉતારી નહાવા માટે કૂવામાંથી પાણી ખેંચતાં વહેલી પરોઢે એક માંદી વાણિયણ એને જોતાં હેબતાઈને મહિને દા’ડે પાછી થયેલી...આ બાવો મને ગમે છે... આગ લાગે તો ભૈ માટે હું બાવા જેટલું સાહસ કરી શકું? ... હું એને ‘નમો નારાણ’ કહું છું, એ આશીર્વાદ આપવા હાથ ઊંચો કરે છે. ત્યાં જ પુષ્કળ પવન વાય છે. આંગળીએથી ભૈ અલોપ થઈ ગયો કે શું! – અને નજીકના પીપળા ઉપરથી પાંદડાંનો ટપ ટપ મારા ઉપર જાણે અભિષેક થાય છે. તમે માનશો? આવું સ્વપ્નું આવ્યા પછી મારા ગામ જ્યારે પણ જાઉં અને પેલો ઢાળ ચડું ત્યારે સ્વપ્ન પ્રમાણે એ બાવો એ રીતે જ ઢાળ ઊતરતો મળે, એ જ ‘નમો નારાણ’, એ જ ઊંચો હાથ, પણ નવાઈની વાત તો એ છે કે ત્યાં કોઈ પીપળો નથી! પીપળો તો કેવળ સ્વપ્નમાં જ આવે છે. વચનસિદ્ધિની એક-બે આને મળતી વાતો સાંભરે છે ખરી. મારા પેપરનાં ‘પેજ’ પડતાં હતાં. તાત્કાલિક એક બ્લૉકની જરૂર હતી. ઑફિસમાં આર્ટિસ્ટ મિત્રે એક તૈયાર બ્લોક હતો તે આપવાનું કહેલું પણ ભૂલી ગયેલા. એમનો સ્ટુડિયો નજીકમાં જ હતો. તેમના સ્કૂટર પર મને બેસાડી મારી મૂક્યું. મને કહે જુઓ, કેટલી વારમાં પાછા આવીએ છીએ. તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા? મેં કહ્યું, ‘બાર’... પણ જોજો બાર વાગી ન જાય... આમ કહેતામાં તો મ્યુનિસિપાલિટીની લાલ બસ અમારા ઉપર ધસી આવી. માંડ બચ્યા. એમને જ્યોતિષમાં થોડો રસ હતો એ બોલ્યા, ‘તમે તો ચમત્કારિક પુરુષ છો!’ મને આનંદ થયો. મેં કહ્યું, ‘ખબર નથી? મને વચનસિદ્ધિનું વરદાન છે.’ જવા દો સ્કૂટર, હું એક વાત કહું. એક મિત્રના ઘેર મળવા ગયો. કૉફી મૂકવાનું કહ્યું, પણ તેની માટલીમાં પાણી જ ન હતું. નળ બંધ. એ પડોશીને ત્યાં લેવા જતો હતો ત્યાં સ્વામીનારાયણ પંથના કોઈ સ્વામીની છટાથી મેં કહ્યું, નળ ખોલ. ‘અઢી વાગે નળ?’ વિનોદ ખાતર તે ખોલવા માંડ્યો અને ખોલતાં તો ધડધડાટ પાણી! (ક્યાંક આગ લાગી હશે.) પણ કૉફી થઈ રહી, ત્યાં જ નળ બંધ. (અકસ્માત) સ્કૂટર ચાલતું હતું, વાત પણ ચાલતી હતી. ત્યાં સ્કૂટર અટક્યું. મિત્રે ચાર કિક લગાવી, વિનોદમાં મને કહે, ખરા હો તો આને ચાલુ કરી આપો. હું બેઠો હતો તે સીટ પર બે ટપલી મારી, મિત્રે કિક મારી અને સ્ટાર્ટ! ‘તમે કંઈ સાધના કરી છે?’ મેં હંકાર્યુ, ‘સાધના-ઉપાસના તો નથી કરી, પરંતુ મારા પિતા મને હાજરાહજૂર છે. તેમના દસમાની રાતે સ્વપ્નમાં આવેલા. મારી પાસે બેસી મારે માથે હાથ ફેરવેલો. (ભૈને માથે હાથ ફેરવું છું, ત્યારે હું હું નથી રહેતો. મારો હાથ પ્રૌઢ થતો જાય છે. જ્યારે લખવા બેસું છું ત્યારે આનાથી તદ્દન ઊલટું અનુભવું છું.) તમે નહીં માનો પણ કોઈ દિવસ માટે તેર રૂપિયા અને પાંસઠ પૈસાનો ખર્ચ થાય તો સાંજ પડતામાં એટલી જ રકમ એક પાઈ પણ નહીં વધારે કે નહીં ઓછી - ક્યાંકથીયે મને મળી જાય છે. ધૂમ્રવલય અને મિનારાના પેલા દૃશ્યને આ બધી વાતો સાથે કોઈ અનુસંધાન હશે? મને ખબર નથી.