બમનજી નવરોજજી કાબરાજી

કાબરાજી બમનજી નવરોજજી (૧૮૬૦, ૧૯૨૫) : નવલકથાકાર, નાટકકાર. પાંચમા ધોરણથી જ નાટ્યલેખનનો પ્રારંભ. ૧૮૮૨થી ‘ફુરસદ’ માસિકના તંત્રી. ૧૯૦૨માં નવરાશ’ માસિકના પણ તંત્રી. કેખુશરૂ કાબરાજીના ભાઈ. શેક્સપિયરનાં નાટકો અને અંગ્રેજી નવલકથાકાર રેનોલ્ડ્ઝની નવલકથાઓનાં રૂપાંતરોને તાકતી આ લેખકની કૃતિઓ શિષ્ટ ગુજરાતીમાં નહિ, પરંતુ પારસી બોલીમાં લખાયેલી છે અને પારસી સમાજને ઉપસાવે છે. ‘સિપાહી બચ્ચાની સજ્જની’ (૧૮૮૫), ‘એક પથ્થરના પ્રતાપ’ (૧૮૯૦), ‘સંસાર’ (૧૮૯૩) ઇત્યાદિ લગભગ પચાસ નવલકથાઓ એમણે લખી છે. ‘ફરામર્ઝ’ (૧૮૮૯), ‘ગામની ગોરી’ (૧૮૯૦), ‘બાપને શ્રાપ’ (૧૯૧૯) વગેરે એમનાં નાટકો છે.