બરફનાં પંખી/એક જીવતો આપઘાત

એક જીવતો આપઘાત

હું તને
ક્યારેય નહીં મળું.
તે રાત્રે
ભયંકર વાવાઝોડું
ફૂંકાયું.
રિયાઝ કરતાં
કપાઈ ગયેલી
મારી
બધી જ
આંગળીઓના
ઠંડા સ્મરણ વચ્ચે
પવનની ધૂળભરી
આંગળીઓ
મારી તૂટેલી
સિતાર
ઉપર ફરી વળી.
હું
તારી દૂરીય નિકટતાના
હૂંફાળા પવનમાં
ફાટેલા
પાંદડાંની જેમ
ઊંચકાઈને,
કોઈ સરોવરની
સ્થિર સપાટી ઉપર
પડીને
વર્તુળાઈ ગયો
પૃથ્વીની જેમ.
ને
તાકવા લાગ્યો
મારી ફૂટેલી
આંખની તિરાડમાંથી
હિજરતીઓના
સ્થિર પ્રવાહ જેવી
સફેદ આકાશગંગાને.

તે જ ક્ષણે
મારા કેન્સરિયા નિર્ણયોને
ગળે પથ્થર બાંધીને
ડુબાડી દીધા.

મારા હાથને,
મારા પગને,
મારા માથાને,
મારી છાતીને,
મારી કિડનીને,
મારાં સગાંને,
મારાં વ્હાલાંને,
મારી આંખને
મેં મારી સગ્ગી આંખે
રાખની ઢગલીમાં
રાખ શોધતાં જોયાં.
ને
હું માટીપગો
બેસી પડ્યો
પાણીમાં
પગ બોળીને.
એવું નથી કે
હું જિંદગીથી હારી ગયો છું.
આ તો
એક સેકન્ડની
જિંદગી માટે
કાંડાઘડિયાળ
ખરીદવાનો
મારો મોહ તૂટી ગયો
માત્ર એટલું જ.

માટે
કોઈનો મોહ તૂટતો હોય
ત્યારે
હસાય નહીં હરિલાલ!
મૂંગા રહીને જોવાય.


ઓપરેશન થિયેટર જેવા
વિશ્વમાં
ક્લોરોફોર્મ
સૂંઘાડ્યા વગર જ
મારું ઓપરેશન થાય.
મારા વિનાશકાળે
હોસ્પિટલની
ઓસરીમાં બેસીને
ગીતાપાઠ કરતા
મહામહોપાધ્યાય પંડિતાચાર્યને
કોઈ કહી દો કે
તમારી પ્રાર્થનામાં
ગોઠવાયેલા
શિસ્તબદ્ધ શબ્દોની
પથારી ઉપરથી
આળસ મરડીને
ઊઠતા
વિશ્વાસની જેમ
હું ઊઠી ગયો છું,
ને
ચાલ્યો ગયો છું
મારા એકાંતના
રેશમી પડદાઓ પાછળ.

હું
તને ક્યારેય નહીં મળું.

હું
કોઈ કરોળિયાએ રચેલા
ધર્મકર્મના જાળામાં
ફસાયેલી
માખીનું ખોખું નથી
કે તમે ફૂંક મારો ને
હું ઊડી જાઉં!
હું તો
અસીમ દેશનો
ફટાયો રાજકુમાર છું
ક્યારેક તોરમાં આવીને
બોલી નાખું :
“ઉપાડ તારું રાજપાટ!
ને થા ઘરભેગો.”
સમજ્યા?
તેમ છતાં
મારી બત્રીસ વર્ષની
રઝળપાટના કારમા તડકામાં
મારી રહીસહી સમજણની
બધી જ મીણબત્તીઓ
ઓગળી જાય
તે પહેલાં
હું સમજી ગયો કે
અહીં તો
સ્વતંત્રતાની પીળી માટીએ
ગુલામ સૂરજમુખીને જન્મ આપ્યો છે.
એટલે જ કદાચ
આજે
મારાં બાવન પત્તાંના
કવિતાઈ મહેલમાં
હું ગુલામ છું.
સ્વતંત્ર પ્રકૃતિ તમામ.

***