બરફનાં પંખી/ફેર
ફેર
આજ સુધી
પથ્થરના નાક પાસે
જૂઈના ફૂલ જેવી પરિસ્થિતિને
મેં તમે દીધેલા
સોગંદની જેમ પાળી છે.
આજ સુધી
મેં ગામડાંની ધૂળભરી શેરીમાં
ઊભાં ઊભાં
પુતનાના સ્તન જેવા
પૃથ્વીના ગોળાને
બરફના રંગીન ગોળાની જેમ
ચૂસ્યા કર્યો છે.
આજે
કોઈ તોફાને ભરાયેલું છોકરું
જીદે ચડીને
પાણીનો ગોળો ફોડી નાખે
એમ મેં મારા નસીબને ફોડી નાખ્યું
હવે
મારા તમારામાં
ફેર રહ્યો હોય તો
માત્ર આટલો જ.
હું દરિયો જોઉં છું
ને તમે પાણી.
***