બહુરંગી/કૃતિ-પરિચય
ગુજરાતી ભાષાનું આ વિશિષ્ટ સંપાદન છે. મહિલા હાસ્યકારોની હાસ્યરચનાઓનું - મહિલા સંપાદક વડે - પૂરી સંનિષ્ઠાથી થયેલા ચયનનું આ પુસ્તક છે. સર્જકનાં કોઈ જ્ઞાતિ-જાતિ-ધર્મ હોતાં નથી. સર્જક એટલે સર્જક - તો પછી એમાં સ્ત્રી-પુરુષના ભેદ શા?- આવો પ્રશ્ન થઈ શકે; પણ થવો ન જોઈએ. ગુજરાતી ભાષામાં હાસ્યકારોનું પ્રમાણ ઓછું છે. આ ઓછી સંખ્યામાં પણ નારી-હાસ્યસર્જકોની સંખ્યા તો અતિ અલ્પ! હાસ્યરચનાઓના સ્ત્રી-પુરુષના ભેદ વિનાના સંચયોમાં પાનસંખ્યાની મર્યાદાને કારણે જે-તે સમયના કેટલાક સર્જકો તો સમાવેશ પામ્યા વિનાના રહી જ જવાના. વળી, આવા સંચયોમાં, જૂજ અપવાદ સિવાય, હાસ્યસર્જનને પૂર્ણપણે સમર્પિત હોય એવા જ હાસ્યકારોની રચનાઓ પસંદ થતી હોય છે. આવા સંજોગોમાં હાસ્યક્ષેત્રે અર્પણ કરનારાં કેટલાંક મહિલા-સર્જકોનાં નામ અને કામ અજાણ્યાં રહી જવાનાં. એટલે આ સંપાદનનું દસ્તાવેજી મૂલ્ય પણ સ્વયંસ્પષ્ટ છે. મહિલા હાસ્યસર્જકોની રચનાઓનું એક સંપાદન થવું જોઈએ એવા હિમાંશીબહેન (હિમાંશી શેલત)ના સૂચનને (આમ તો પડકાર જ કહો ને!) સંપાદક સ્વાતિ મેઢે ઝીલી લીધું; અને એનું પરિણામ એટલે આ સંપાદન. પણ આ કામ જરાય સહેલું નહોતું. (કોઈ પણ પ્રકારના સંપાદનનું કામ ક્યારેય સહેલું નથી હોતું.) પરંતુ સંપાદકે ભારે જહેમત ઉઠાવી આ કામ પાર પાડ્યું. સંપાદક સ્વયમ્ એક હાસ્યસર્જક છે. ગુજરાતી ભાષામાં સર્જાયેલા હાસ્યસાહિત્યનો એમને પૂરો અંદાજ છે. માત્ર હાસ્યસાહિત્યમાં પ્રવૃત્ત જૂનાં-નવાં નારી-સર્જકોની રચનાઓનો ખ્યાલ તો એમને છે જ; પણ પ્રસંગોપાત્ત હાસ્યક્ષેત્રે કલમ ઉપાડી હોય અને એમાં પણ ઉત્કૃષ્ટ કામ કર્યું હોય એવાં નારી-સર્જકોનો પણ સંપાદકને પૂરેપૂરો ખ્યાલ છે. આ સંપાદનની બધી કૃતિઓની આખરી પસંદગી સંપાદકની છે; પણ હયાત બધાં નારી-સર્જકો સાથે સંપાદકનો જીવંત સંપર્ક હોવાને કારણે જે-તે સર્જકના અભિપ્રાયનો લાભ પણ આ સંપાદનને મળી શક્યો છે. આવા ઉત્કૃષ્ટ, બહુરંગી અને વિશિષ્ટ સંપાદન માટે સંપાદક સ્વાતિ મેઢ અભિનંદનનાં પૂરેપૂરાં અધિકારિણી છે.
– રતિલાલ બોરીસાગર