બહુરંગી/‘શુભદૃષ્ટિ’

‘શુભદૃષ્ટિ’

“સ્ટૉપ! ખબરદાર! જો એક પણ ડગલું આગળ વધ્યા છો તો? તમારી જગ્યાએથી જરાય પણ ચસવાનું નથી.” જ્યારે એક નહીં પણ જુદીજુદી ઑફિસોમાંથી હજારો માણસો એકમત થઈ પેટની આગ ઓલવવા નીકળ્યા હોય, મનમાં ઉત્સાહ હોય કે કંઈક સારું કામ કરવા જઈએ છીએ ને તેનું પરિણામ સારું જ આવશે, એટલે જ પગ થનગનતા હોય. ને એવા થનગનતા પગ કોઈ મોટા મકાનના ભવ્ય પગથિયાં પરથી ઝપાટાબંધ નીચે ઊતરતા હોય ત્યારે એ જ પગથિયાં ઉપર ચડતી કોઈ યુવતી બૂમ પાડે કે : “ખબરદાર! જો એક પણ ડગલું આગળ વધ્યા છો તો! સ્ટૉપ! તમારી જગ્યાએ જેમ ઊભા છો તેમ જ ઊભા રહો!” તો એ થનગનતા પગની કેવી દશા થાય? અચાનક બધા પગ થંભી ગયા. જાતભાતનાં બૂટ, ચંપલ, સેન્ડલ, કલોગ્સ, સ્લીપર્સ કે સપાટ કે મોજડી જ્યાં હતાં, ત્યાં થંભી ગયાં. આગળ-પાછળ, ઉપર-નીચે, ઊંધાં-ચત્તાં, વાંકાં-ચૂકાં થંભી ગયાં. માત્ર પગ અને પગમાંના બૂટ, ચંપલ કે જે હોય તે, થંભી ગયાં એટલું જ નહીં; બંને હાથ “અમને મારશો નહિ, અમે તારા શરણે છીએ!” એમ દર્શાવતા ઊંચા થઈ ગયા. કંઈ કહેવાય નહિ, ડાકુ તરીકે કોઈ રાણીગંગા કે રાણી મુના કે રાણી કાવેરી ફૂટી નીકળી હોય; હાથમાં પિસ્તોલ હોય પેલી લીલીપુટ, તો આપણને ખબરેય ન પડે. પર્સમાં મૂકી હોય. ક્યારે બહાર કાઢે ને ધનાધન ધનાધન ગોળીઓ છોડવા માંડે તો સત્કાર્ય કરવા દોડતો આપણો એકનો એક આત્મા આપણને છોડીને ચાલી નીકળે. એક નાટકમાં એવું આવતું હતું. ગોળીથી વીંધાઈ ગયેલો સૈનિક કહે છે: “દેહ છે માટીનો ઘડો, ક્યારે ફૂટી જાય કંઈ કહેવાય નહીં.” તો આ માટીના ઘડાને બરાબર જાળવીને સાચવવો જ રહ્યો. આમ મનમાં જાતજાતના ઘોડા દોડાવી બધાં ચિત્રવત્ સ્થિર ઊભાં રહી ગયાં. ‘શરણે છીએ’ એમ બતાવવા બે હાથ ઊંચા કરીને. એ બૂમ કોની હતી? પેલી નીચું જોઈ ચાલનારી, બે ચોટલાવાળી, જાડી કાળી ફ્રેમનાં ચશ્માં પહેરનારી મનીષાની? હાસ્તો! દુનિયામાં ન ધારી શકાય એવું ઘણુંયે બનતું આવ્યું છે, તો શરમાળ, શાંત, નરમ મનીષા કેમ કોઈ વાર ‘ખબરદાર’ની બૂમ મારી બળવો ન પુકારે? જોકે અત્યારે એણે જાડી કાળી ફ્રેમનાં ચશ્માં નહોતાં પહેર્યાં. કૉન્ટેક્ટ લેન્સ પહેર્યા હતા. ખરું તો એ હતું કે એણે એક કૉન્ટેક્ટ લેન્સ પહેર્યો હતો. કેમ કે એનો એક લેન્સ નીચે પડી ગયો હતો. હાસ્તો, પંદરસો રૂપિયા આમ નકામા જાય તે મનીષાને કેમ પાલવે? ને તેય પ્રેમપૂર્વક આપેલી ભેટ! ખરેખર તો હિસાબ ગણીએ તો સાડી સાતસો થાય. પણ એક એક કૉન્ટેક્ટ લેન્સનો હિસાબ ગણાય જ નહીં. એક ગયો એટલે બીજો નક્કામો જ. એ ચટ્ ચટ્ પગથિયાં ચડતી ઉપર ડૉક્ટર અભિજિતના દવાખાનામાં જતી હતી. એડીવાળાં સેન્ડલ કે સ્કૂલ જેવા ઊંચા ક્લોગ્સ કંઈ એકદમ ફાવે નહીં. પણ તેજલની જોહુકમી આગળ મનીષાનું કંઈ જ ચાલતું નહોતું ને એને કલોગ્સ કે ઊંચી એડીનાં સેન્ડલ પહેરીને જ ચાલવું પડતું હતું. આમ ન ફાવે ને ચાલવું પડે એટલે ધ્યાન બધું પગ તરફ જ જાય. પરિણામે મનીષા ભટકાઈ પડી. એની સાથે અથડાઈ ગયો તે એક સોહામણો, ઊંચો, પાતળો, વાંકડિયા વાળવાળો યુવાન હતો. એ પણ એના થનગનતા પગને સત્કાર્ય માટે લઈ જતો હતો : અગ્નિ ઓલવવા. સવારના આઠ-સાડાઆઠે ઘેરથી નીકળ્યો હોય જેમ તેમ ચા-નાસ્તો પતાવીને; તો એક વાગે પેટમાં અગ્નિ ભભૂકવા માંડે. એ અગ્નિના તાપમાં બિલાડાં બોલવા લાગે ને બિલાડાંને સાંભળી કુકુરિયાં પણ પેટમાં કરવત ચાલતી હોય તેવા અવાજે ‘કરરવૂ કરરવૂ’ કરતાં હોય. તો એ બધાંને શાંત પાડવા જેવું બીજું કયું સત્કાર્ય હોય? બિલાડાં, કુરકુરિયાં ને ભભૂકતી આગને ભૂલી એ પણ બે હાથ ઊંચા કરી મનીષાની સામે ઊભો રહ્યો, પણ એ થોડો હિંમતવાન હતો. એટલે એણે હલ્યાચલ્યા વિના માત્ર આંખને જ મનીષા તરફ વાળી. “કેવા છો તમે? જોયા વગર ચાલો છો? ભટકાઓ છો? જોતાં પણ નથી? કોણ છો?” “હું, હું ગગન, પણ તમે મને મારશો નહીં.” “શું?” “તમે... તમે મને મારશો નહીં.” “એટલે? તમે શું કહેવા માગો છો? હું શા માટે મારું?” “તો?” “તો...બો કાંઈ નહીં. જુઓ. ધ્યાન દઈને સાંભળો. તમે મારી સાથે ભટકાયા.” “મને ખબર છે. આઈ એમ સોરી.” “ભટકાયા તેનો મને વાંધો નથી. પણ તમે ભટકાયા તેથી મારી ડાબી આંખનો કૉન્ટેક્ટ લેન્સ પડી ગયો.” “શું?” ગભરામણને લીધે કે પેટમાંનાં કુકુરિયાં-બિલાડાં વધારે જોરથી બોલવા માંડ્યાં, તેથી પણ ગગનને કાંઈ સમજાયું નહિ, સંભળાયું નહીં. “સમજો બરાબર! તમારા હાથ નીચા કરો. મારી ડાબી આંખનો કૉન્ટેક્ટ લેન્સ આટલામાં જ ક્યાંક પડી ગયો છે. તમે જરા પણ હલો-ચલો તો પગ નીચે લેન્સ આવી જાય. એટલે કહું છું પગ ઉપાડ્યા વગર જરા જોઈ આપશો? લેન્સ ક્યાં પડ્યો છે?” “ઓ હો! એમ વાત છે?” “હા, એમ વાત છે! પણ તમે હવે વાત કર્યા વગર લેન્સ શોધવામાં મદદ કરશો?” “મદદ કરવી એ તો મારો જન્મસિદ્ધ હક્ક છે. મારા દાદાના પપ્પાએ એટલે કે મારા ગ્રાન્ડ ફાધરના ફાધરે...” “એ વાત જવા દઈ, જરા લેન્સ શોધી આપશો?” કડક અવાજે, આંખો કરડી કરી મનીષા બોલી. હજી લોકો સ્થિર ઊભા હતા. તેમને થયું - હવે પેલો વાંકડિયા વાળવાળો સોહામણો યુવાન હડફેટમાં આવી ગયો. આપણે બચી જઈએ તો સારું. એકલા એને જ હાઈજેક કે કીડનેપ કે અપહરણ કરી લે ને અહીંથી બંને જાય તો સારું. પેટમાં આગ લાગી છે તે હવે વધારે ને વધારે ભભૂકવા માંડી છે. ખાધા પછી ઠંડો આઇસક્રીમ પણ પેટમાં પધરાવવો પડશે. ઝટપટ આ ડાકુરાણી આને ઉપાડી જાય તો ગંગા નાહ્યા. ગગને વાંકા વળી આમ તેમ નજર નાખી. ક્યાંયે લેન્સ જેવી ચળકતી વસ્તુ ન દેખાઈ. પછી યાદ આવ્યું કે ગમી જાય તેવી રીતે આ છોકરીનું માથું એની છાતી પર ભટકાયું હતું. ત્યાં તો ક્ષણભર હૈયુંયે ધબકતું બંધ થઈ ગયું હતું. તેણે ટીશર્ટ પર નજર નાખી. ટુવાલ જેવા ટીશર્ટ પર કાંઈક ચળકતું દેખાયું. “આ? આ તમારો કૉન્ટેક્ટ લેન્સ છે? આ ચમકતો નાનો ગોળ ટુકડો’ એ જ? એ તો મારા ટીશર્ટ પર જ ચોંટી ગયો હતો. ‘હેવ ફન’ કંપનીનું આ ટીશર્ટ ખરીદતાં વિચાર આવ્યો હતો કે આ ટુવાલ જેવા ટીશર્ટને પહેરવાથી વળી કેવી મજા આવવાની હતી? પણ ખરેખર ‘હેવ ફન’ ટીશર્ટ પહેરવાથી સુંદર યુવતીઓ આકર્ષાય છે ને હૃદય સાથે ટકરાય છે. હું એ કંપનીના મૅનેજરને મળીને ખાસ આવી જાહેરાત લખવાનું કહીશ.” ગગન બડબડ કરતો રહ્યો. એના બડબડાટ તરફ મનીષાનું ધ્યાન નહોતું. એ તો હાથમાં કૉન્ટેક્ટ લેન્સ આવી ગયો, તેથી ખૂબ ખુશ થઈ ગઈ હતી. “થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ!” આમ બોલતાં જ મનીષાએ પર્સમાંથી રૂમાલ કાઢી, તેમાં જાળવીને કૉન્ટેક્ટ લેન્સ વીંટી ચાલતી પકડી. “નો ફન, રીઅલી નો ફન” એમ નિઃશ્વાસ નાખી ગગને પોતાના ટીશર્ટ તરફ ઉદાસ દૃષ્ટિ નાખી. જરાક આગળ જતાં જ મનીષા પગથિયું ચૂકી. ગગન તરત આગળ દોડ્યો ને મનીષાનો હાથ પકડી લીધો. “તમારો કૉન્ટેક્ટ લેન્સ પડી ગયો તેથી તમે ખૂબ ઉશ્કેરાઈ ગયાં લાગો છો! પણ હવે તો જડી ગયો ને? ચાલો, તમારે ક્યાં જવું છે? તમને પહોંચાડી દઉં? મને લાગે છે કે બીજી આંખમાં કૉન્ટેક્ટ લેન્સ નથી એટલે તમે ફરી વાર પગથિયું ચૂકી જશો. સારું થયું કે મારું ધ્યાન ગયું. નહીં તો તમે તો પડત, પણ આજુબાજુના ઊભેલા બીજા ઘણા તમને કમને સાથ આપત.” મનીષાને પણ થયું, સારું થયું આ યુવાન હતો. પણ આમ મૂંગા મૂંગા ઊભા રહેવું સારું નથી. મોંમાં કંઈ મગ નથી ભર્યાં. એણે કહ્યું. “સારું થયું તમે હતા. તમે હતા તો કૉન્ટેક્ટ લેન્સ પડી ગયો, તમે હતા તો કૉન્ટેક્ટ લેન્સ જડી ગયો, તમે હતા તો હું પડી ન ગઈ. થેન્ક યુ વેરી મચ! બાય! મિ....” “ગગન ગાંઠિયાવાળા.” “જામનગરના?” “એટલે?” “તમને ખબર નથી? જામનગરના ગગન ગાંઠિયા ખૂબ વખણાય છે. તમે પોતે ગાંઠિયાવાળા છો ને તમને ખબર નથી?” મનીષા હવે ખૂબ બોલતી થઈ ગઈ હતી. કૉન્ટેક્ટ લેન્સ ને ઊંચી એડીના સેન્ડલથી જાણે એનામાં આત્મવિશ્વાસ વધવા માંડ્યો હતો. “નહીં, અટક એવી છે એટલું જ માત્ર. હું તો લોખંડના ચણા બનાવું છું.” ગગને કહ્યું. “એટલે?” “એટલે કે બૉલબેરિંગ, એન્જિનિયર છું. ખેર! એ વાત જવા દો. ખૂબ ભૂખ લાગી છે. આવશો તમે સાથે? આમેય તમે થોડાં અપસેટ ને નર્વસ થઈ ગયાં છો. ફરીથી પગથિયું ચૂકી જશો તો...” મનીષા તરત બોલી, “હા ચાલો, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી.” ને બંને હાથમાં હાથ પકડી ચાલ્યાં. ગગને ‘હેવ ફન’નું ટીશર્ટ પહેર્યું હતું એટલે હાથ પકડવાના મૂડમાં હતો. મનીષા ફરીથી પડી ન જવાય તેવા વિચારમાં હતી એટલે એણે ગગનનો હાથ પકડ્યો હતો. સ્થિર, ચિત્રવત્ ઊભેલા લોકોને થયું : હા...શ! આપણે બચી ગયા. કોઈ ખૂબસૂરત નવયુવાનને જોઈ ડાકુરાણીએ લૂંટ ચલાવવાની માંડી વાળી. બાપ રે! લૂંટી લીધા હોત તો? પૂરો પગાર આજે ખિસ્સામાં છે. પૂરેપૂરા બચી ગયા. ઘેર જઈ પત્નીને કહીશ, ચાલ પિક્ચર જોવા, છોકરાંઓ માટે રમકડાં ને મીઠાઈ લેતો જઈશ. આખરે પગાર છે શેના માટે? મારા બૂટ ફાટી ગયા છે તેય આજે નવા ખરીદી લઉં. આમ લોકો કૂણા મનના થઈ આગળ ચાલવા માંડ્યા - પેટપૂજા માટે. ગગન ખૂબ આનંદમાં હતો. એક ખૂણામાં પડેલાં ટેબલ-ખુરશી જોઈ એ તે બાજુ વળ્યો ને ત્યાં ઝુકાવ્યું. મેનુ હાથમાં લઈ ચટ ચટ ચાર-પાંચ વાનગીનાં નામ બોલી ગયો. મનીષા મુગ્ધ થઈ અને સાંભળી રહી. ફટ ફટ વાનગીનાં નામ નક્કી કરી બોલી જ્યાં એ કાંઈ રમત વાત નથી, એમ એને થયું. એણે ધુમ્મસભરી દૃષ્ટિથી ગગન સામે જોયું. બાજુના જ ટેબલ પર એક પ્રેસ રિપોર્ટર આવીને ગોઠવાયો. ‘ખબરદાર!’ એમ મનીષાએ જ્યારે બૂમ મારી ત્યારે એ પણ પેલાં પગથિયાં પર બે હાથ ઊંચા કરી શરણે આવી ગયો હતો. પણ પછી જ્યારે લોકો આગળ વધ્યા, ત્યારે એણે પણ ચાલતી પકડી હતી. લોકો ડાકુરાણી જે રેસ્ટોરાંમાં ગઈ તે રેસ્ટોરાંમાં જવું જ નહીં, એમ વિચારી ડહાપણભર્યું પગલું લીધું હતું ને આગળ નીકળી ગયા હતા. પણ પ્રેસ રિપોર્ટર તો હાથમાં તલવાર જેવી કલમ લઈને જ ફરતા હોય છે. જીવ તાળવે ચોંટી જાય તોયે સમાચાર તો મેળવવા જ – એવા કે હજારો લોકોના જીવ તાળવે ચોંટે. એટલે આ પ્રેસ રિપોર્ટર બાજુના ટેબલ પર ગોઠવાઈ ગયો હતો ને ડાયરી ઉઘાડી નોંધ ટપકાવતો હતો. ‘સોહામણો પણ ગાંડો નવયુવાન! ડાકુરાણીના ફંદામાં ફસાયેલો એક સંસ્કારી જીવ!’ યુવતી પણ સંસ્કારી, ઠરેલી, પ્રેમાળ લાગે છે. પણ તોયે શું? લીલીપૂટ પિસ્તોલ લઈને ફરતી કોઈ ડાકુરાણી જ! યુવાન પર શું એણે ભૂરકી છાંટી? હસી હસીને એ વાતો કરે છે. આંખમાં આંખ પરોવીને બોલે છે. અત્યારે તો એમ જ લાગે છે કે આ સામે બેઠી છે તે ડાકુરાણી નથી જ. જોકે એ વખતે તો એણે ધનાધન ગોળીઓ છોડી હોત તો રિપોર્ટ લખવામાં મજા આવત. ‘ભેદભરમ ભરેલી યુવતી! ગોળીની રમઝટ! લોકોની નાસભાગ!’ જોકે મારે તો ત્યારે ગોળી ચુકાવી બચી જ જવું પડત. નહીં તો આવી ચોંકાવનારી વિગતો કોણ લખત? આખરે અમારું ‘ધનાધન’ છાપું જ સૌથી પહેલાં આવા સમાચાર છાપે છે. અરે, આ પ્રસંગ પર તો એક મજાની વાર્તાયે લખી શકીશ. હાથમાં પેન થંભી ગઈ છે ને પ્રેસ રિપોર્ટર, કમ લેખક, કમ પ્રૂફરીડર, કમ ક્લાર્ક, કમ ખજાનચી (પ્રેસના હિસાબનો), કમ તંત્રી વ.વ. એ નોંધ ટપકાવવા માંડી. “તમે આટલું બધું ખાવાનું કેમ મંગાવ્યું?” “કેમ કે આ લંચ અવર છે. બ્રેકફાસ્ટ અવર નથી. નહીં તો ફાસ્ટ બ્રેક કરવા માટે આથીયે વધારે મંગાવવું પડત.” ગગને કહ્યું. “તો તમે લંચ અવરમાં જ લંચ લો છો એમ જ ને? અરે, મારા માસાને આ વાત કહેશો તો બહુ ખુશ થઈ જશે. જે કલાકે જે કાર્યક્રમ નક્કી કર્યો હોય તે પ્રમાણે કોઈ આચરણ કરે તે તેમને બહુ ગમે.” “તમારા માસા?” ગગને પૂછ્યું. “હા, હું અહીં માસીને ત્યાં આવી છું. અહીં જ રહેવાની છું.” “ને તમારાં પપ્પા? મમ્મી?” “એ તો સરસપુરમાં જ છે! હું ત્યાંથી હમણાં માસા-માસી સાથે રહેવા આવી છું. આ કૉન્ટેક્ટ લેન્સ મારી માસીની દીકરીએ મને બર્થ ડે પ્રેઝન્ટ આપ્યા છે.” “તમારો બર્થ ડે ગયો?” ગગને નિસાસો નાખી કહ્યું. બહાર ઊભેલું કૂતરું પણ લાંબા રાગે રડી ઊઠ્યું. ઓળખાણ વધારવાનો એક સારો ચાન્સ ગયો. “ના રે! હજી તો અઢી મહિના પછી છે. ઍડ્વાન્સમાં જન્મદિવસની ભેટ મારી બહેને આપી દીધી.” “હા...શ!” એન્જિન વરાળ છોડે ને જેવો અવાજ આવે તેવા અવાજે ગગને હાશ કર્યું. થયું હવે ખાવાનું ભાવશે. “આપણે શરૂ કરીએ?” ગગને પૂછ્યું. “શું?” “પેટપૂજા કરવાનું. મને તો બહુ ભૂખ લાગી છે.” બંનેએ શરૂ કર્યું. ગગનને થોડી શરમ તો આવી. પણ ભૂખ ન જુએ રોટલો ને ચોટલો... તેમ એ મનીષાને થોડી વાર માટે ભૂલી ગયો ને ડિશ પર તૂટી પડ્યો. અચાનક ગગનને લાગ્યું કે આ છોકરી એના તરફ જોઈ રહી છે. ઓત્તારી! નામ પણ પૂછવાનું ભૂલી ગયો છું. પૂછી લીધું : “મનીષા.” “મનીષા સુંદર નામ છે. મને ગમે છે. હવે બીજો પ્રશ્ન પૂછું?” “હં? હા, હા!” મનીષાને કહેવું હતું કે તું કંઈ મારી પરીક્ષા લેવા કે ઇન્ટરવ્યૂ લેવા નથી બેઠો. હજી એટલી બધી જીભ ખૂલી નહોતી ગઈ. હજી તેજલ પાસેથી ઘણું શીખવાનું બાકી હતું. “તમે મારા તરફ વારે વારે કેમ જોયા કરો છો! હું કેવો લાગું છું?” દેખાવડો હોવાનો ગગનને ગર્વ હતો. જવાબ સાંભળવા હાથમાંના છરી-કાંટાયે થંભી ગયા. “તમે? કહું? સાચું કહું?” “હા, સત્ય જ!” ને તેના સિવાય બીજું કંઈ નહિ.” “વાંકડિયા વાળ તમને શોભે છે, પણ તમારો ચહેરો કંઈ ચોક્કસ પ્રકારનો નથી.” “એટલે?” “આમ જરા ઝાંખાં ઝાંખાં નેણ, એક આંખ મોટી ને એક ઝીણી. જરા ઊંચી-નીચી પણ લાગે છે. ટીશર્ટ ટુવાલ જેવા કાપડમાંથી બનાવેલું છે, પણ જાણે પાણીમાં તરતું હોય તેવી તેની ડિઝાઇન લાગે છે.” ગગનને મનીષા ગમી ગઈ હતી, પણ એનો આવો અભિપ્રાય સાંભળી એ ઝાંખો પડી ગયો, વીલો વીલો થઈ ગયો. “તમારા ફીચર ઝાંખા ઝાંખા લાગે છે.” મનીષાએ આગળ ચલાવ્યું. -ને ગગન ખડખડાટ હસી પડ્યો. આજુબાજુના લોકો આ રંગીન જોડી તરફ જોઈ રહ્યા ને ફરીથી ખાવામાં પડી ગયા. પ્રેસ રિપોર્ટરને બહુ નવાઈ લાગી. આ વર્તનને રિપોર્ટમાં કેમ, કેવી રીતે લખવું? ડાકુરાણીની સનસનાટીમાં આ બંનેનું મુક્ત હાસ્ય ક્યાંયે બંધ બેસતું જ નથી આવતું. ડાયરી પછાડી એ ઊભો થઈ ગયો. મનીષાના ટેબલ પાસેથી પસાર થતાં એ થથરી ગયો. મનીષા એના તરફ વિચિત્ર નજરે જોઈ રહી હતી. નમસ્તે નમસ્તે બોલતાં જલદી જલદી બહાર નીકળી ગયો. ફરીથી લીલીપૂટ પિસ્તોલ બહાર નીકળે ને “ખબરદાર!” સાંભળી બે હાથ ઊંચા કરી સ્થિર ઊભા રહેવું પડે તેના કરતાં પ્રેસમાં જઈ પ્રૂફરીડિંગ શરૂ કરી દેવું વધારે સારું. જમવાનું પતાવી બંને ઊભાં થયાં ને ગગને કહ્યું, “હવે મને સમજાયું મનીષા, તમે એક આંખમાં કૉન્ટેક્ટ લેન્સ પહેર્યો છે ને બીજી આંખનો લેન્સ રૂમાલમાં વીંટીને સાચવીને પર્સમાં મૂક્યો છે. તમને બધું જ ઝાંખું, ઝાંખું, પાણીમાં તરતું જ દેખાય. એક આંખ મોટી, એક નાની એવું એવું. હું તમને ઘેર મૂકી જાઉં.” એના મકાન સુધી મૂકી ગગન પાછો વળી ગયો. લંચ અવર તો ક્યારનોય પૂરો થઈ ગયો હતો. એ ઑફિસમાં પાછો પહોંચ્યો ત્યારે ખૂબ મોડો પડ્યો હતો. મેનેજરથી માંડી સહકર્મચારીઓ બધા એની ચિંતા કરતા હતા. થોડાંક જોનારાંએ પ્રસંગને એવો રંગીન ને ચટાકેદાર બનાવી દીધો હતો કે ગગનનું અપહરણ થઈ ગયું, ગગન ડાકુરાણીની ટોળકીમાં ભળી ગયો, ગગનને અંધારા ભોંયરામાં પૂરી દીધો, ગગનનું ખૂન થઈ ગયું...! આવી આવી વાતો ફેલાઈ ગઈ હતી. ગગનને જોઈ બધાં આનંદમાં આવી ગયાં. આ ઑફિસમાં એ થોડા વખત પહેલાં જ જોડાયો હતો, પણ એનો સ્વભાવ, કામ કરવાની ધગશ ને હસમુખો ચહેરો બધાને ગમી ગયો હતો. જોકે ઑફિસની ફાઈલોના થોકડાંમાંથી એક વાર એક ઉંદરડીએ ડોકિયું કર્યું હતું, ત્યારે એ ખૂબ ગભરાઈ ગયો હતો. ને ઘોડા પર પડેલી એ ફાઈલોમાંથી કોઈ ફાઈલ લેવાની આવે ત્યારે એ કાયમ ભગવાનને યાદ કરતો. ભગવાનને બૂમ પાડતો. ભગવાન એની ઑફિસના સ્ટૂલ પર સદાયે ઊંઘતો પણ સદાયે હાજર પટાવાળો હતો. આજે ‘ખબરદાર’ બૂમથી એ એટલો નહોતો ગભરાયો જેટલો ઉંદરથી ગભરાય છે!!

રેખા શ્રોફ
‘શુભદૃષ્ટિ’ નવલકથાનું એક પ્રકરણ