બાંધણી/કૃતિ-પરિચય


કૃતિ-પરિચય

‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ અને ‘અખેપાતર’ નવલકથાઓ દ્વારા દેશના સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચનાર બિન્દુ ભટ્ટ વાર્તાસંગ્રહ ‘બાંધણી’ લઈને આવે છે ત્યારે આ ઘટના પણ ગુજરાતી સાહિત્યજગત પૂરતી જ મર્યાદિત નહીં રહે એવી આગાહી કરવાનું સ્વાભાવિક મન થાય છે. આપ હિન્દીસાહિત્ય કી ઉત્તમ અધ્યાપક તો હૈ હી, પરંતુ સર્જક બિન્દુ ભટ્ટની તાસીર તેમને આપણા એક આગવા સમકાલીન હસ્તાક્ષર તરીકે સ્થાપી આપે છે. અગાઉની બે નવલકથાઓની માફક આ વાર્તાઓનાં નારીપાત્રો બિન્દુબહેનની આગવી સર્જકતાની નીપજ છે. દૈવ અને દુનિયાએ સર્જેલી માનવીય ટ્રેજેડીમાં ભરાઈ પડેલી સ્ત્રીઓ સમગ્ર પરિસ્થિતિને, પ્રથમ તો સમજવાનો અને સ્ત્રીત્વ તથા માનવતા ગુમાવ્યા વિના તેમાંથી સમજ અને સ્વમાનપૂર્વક બહાર નીકળવાના જે પ્રયાસો કરે છે તે પ્રયાસો એટલે ‘બાંધણી’ની વાર્તાઓ. તુલસીદાસ, કબીર અને મીરાંથી માંડીને આજના મન્નુ ભંડારી જેવા ઉત્તમ હિન્દી સર્જકોના સાહિત્યથી અનુપ્રાણિત ભાવકચેતના ધરાવતા બિન્દુબહેન જ્યારે સર્જનમાં પ્રવૃત્ત થાય છે ત્યારે વિષયોનું પ્રાચુર્ય અને કથનનું લાઘવ સહજસાધ્ય બને છે. ‘બાંધણી’ પ્રગટ થાય છે ત્યારે બિન્દુબહેન, હર્ષદ, બિપિન અને મેં રાતદિવસ જોયા વિના વાર્તાનાં પ્રત્યેક પાસા વિશે કરેલી ધોધમાર ચર્ચા- વિચારણાઓ, એમનાં વિવિધ રહેઠાણોમાં કરેલા સપ્તાહાંત વાર્તાલેખનના ‘શિબિરો’, પ્રવાસોમાં તેમની આંખે જોયેલા રંગો, સૌન્દર્યો અને પંખીજગતો અને ટેબલલૅમ્પના અજવાળે એમણે રાતોની રાતો કરેલી વાર્તાઓની છેકભૂંસનાં દૃશ્યો યાદ આવે છે. આ વાર્તાઓએ મને મુગ્ધ કર્યો છે એટલા મુગ્ધ આપ સહુ પણ થશો જ. અત્યારે ગુજરાતીવાર્તાની ટ્રેઈનમાં ખચાખચ ભીડ છે. કેટલાંક ઊભા પણ છે, પરંતુ તમારે માટે આ બાજુ જમણી તરફ બારી પાસે બેસવાની જગ્યા છે, તો આવો બિન્દુબહેન!

—કિરીટ દૂધાત