બાંધણી/ટૂંકીવાર્તા અને હું


ટૂંકીવાર્તા અને હું

હિંદીની આધુનિક નવલકથા વિશે સંશોધન પૂરું કર્યું ત્યાં સુધી સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે હું સાહિત્યસર્જન તરફ જઈશ. ભાષાભવનમાં ‘વાચિકમ્’ની સાહિત્યગોષ્ઠિઓમાં ક્યારેક વિનોદ કરતાં કહેતી, ‘કાનસેન વિના તાનસેનને દાદ કોણ આપશે?’ ‘૮૩માં જુનાગઢ જિલ્લાના કેશોદ જેવા કસબામાં નોકરી લીધી. અહીં સવાર-સાંજ ગરમ-ગરમ રોટલી જમાડતી ભાભી ન હતી. નાટક જોઈને મોડી રાત્રે પાછી ફરતી દીકરીની રાહ જોતી મા ન હતી, અહીં ગુજરાત યુનિવર્સિટી પરિસરની ચ્હાની કિટલી પર મિત્રો સાથે થતી ગરમાગરમ સાહિત્યગોષ્ઠિઓ ન હતી, અહીં સાબરમતીને કાંઠે ગુજરાતી સાહિત્ય પરિષદ ભવનમાં યોજાતા સાહિત્યિક કાર્યક્રમોમાં ઢળતી સાંજ ન હતી. એક જુદા જ માહૌલમાં જાતને ગોઠવવાની મથામણ અને સ્વેચ્છાએ સ્વીકારેલા અધ્યાપનકાર્યની ઘરેડમાં આગવી ઓળખ મેળવવાની ઝંખના મને લઈ ગઈ વાર્તાસર્જનની દિશામાં. હું નવલકથા તરફ વળી. ‘૮૯નું વર્ષ હતું. રજામાં અમદાવાદ આવેલી. ગુજરાતી સાહિત્ય પરિષદમાં કંઈક કામે ગઈ હતી. ત્યાં રમેશભાઈએ વાર્તાશિબિરમાં જોડાવા આગ્રહ કર્યો. પહેલાં તો ના પાડી. એક પ્રકારનો સંકોચ હતો. કથાસાહિત્યના વિવેચને મને ચેતવેલી. નવલકથા કરતાં વાર્તા લખવી અઘરી. વળી એ દિવસોમાં હું મારી પહેલી નવલકથા ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ના ત્રીજા ડ્રાફ્ટ સાથે ઝઝૂમી રહી હતી ત્યાં વાર્તા? હિમ્મત કરી. માઉન્ટ આબુનું સાધના ભવન. હર્ષદ ત્રિવેદી, કિરીટ દૂધાત, યોગેશ જોષી, રાજેન્દ્ર જોશી, દીપક રાવલ, અજિત ઠાકોર અને મણિલાલ હ. પટેલ જેવા નીવડેલા વાર્તાકારોના સાંન્નિધ્યમાં વાર્તાઓનું લેખન, પઠન અને રચનારીતિઓની કશ્મકશ એક બાજુ મને સધિયારો આપતી હતી તો બીજી બાજુ મારી સમજણ અને શક્તિને સરાણે ચઢાવતી હતી. રઘુવીર ચૌઘરી, સતીશ વ્યાસ અને રમેશ દવેનું સંચાલન અમારી સર્જનાત્મકતાને પણ દોરવણી આપતું. ત્યાંથી પાછી ફરીને, મારી પહેલી વાર્તા ‘બાંધણી’ના પૂર્વાવતારને ‘ચંચળ’ નામે કાગળ પર ઉતાર્યો અને ‘૯૦ એપ્રિલમાં તીથલ મુકામે ‘સાહચર્ય’ના લેખનસત્રમાં પહેલી વાર્તાનો પહેલો મુસદ્દો વાંચ્યો. ‘આ તો વાર્તા છે કે ચરિત્રનિબંધ?’ એવા પ્રશ્ને પાનો ચઢાવ્યો. માત્ર ચરિત્ર નહીં, સંકેતાત્મક પરિવેશ અને સામસામે મુકાયેલી સ્થિતિઓના તનાવમાંથી વાર્તા કેવી રીતે થઈ શકે એના પ્રત્યક્ષ પાઠ ભણી. આજે થાય કે પ્રેમાળ અનુબંધે જોડી રાખતાં ગીતા નાયક અને સર્જનાત્મકતાની સતત ખેવના કરતા ભરત નાયકના ‘સાહચર્ય’ વિના મારી વાર્તા સંભવી હોત ખરી? પછી તો વાર્તાસત્રોનાં સાહચર્યો અમારા ઘર સુધી વિસ્તર્યાં. શનિ-રવિ અને જાહેર રજાનો મેળ પાડી અમે આસન વાળી બેસીએ. લખાય, કાચું-પાકું લખાય, ચર્ચાય. ક્યાંક શીર્ષકની મૂંઝવણમાં હર્ષદ વહારે આવે. તો ક્યાંક દિવસોની પ્રતીક્ષા પછી વાર્તાનો અંત મળે. મિત્રોની કડક ટીકા ક્ષણેક કલમને કંપાવી દે તો કોઈ મિત્રના એકાદ મિડાસ સ્પર્શે વાર્તા એવી ઝળહળે કે જાહેરમાં પોંખાય! બધાં સાથે મળીને લખતાં છતાં દરેકની આગવી ઓળખ લેશ માત્ર અળપાઈ નહીં. એ કેવું સુખદ આશ્ચર્ય! આજે લાગે છે કે મારા વાર્તાકાર મિત્રો થકી જ હું વાર્તાકાર થઈ. મારી પહેલી વાર્તા ‘બાંધણી’માં સૌ પ્રથમ મને ચંચળ મળી. એ મારા ઘેર કામ કરતી. પરંપરા અને આધુનિકતાના તનાવ વચ્ચે અવાંછિત જીવન જીવવા માટે બાધ્ય સુધા અને ચંચળ એવાં બે સ્ત્રીપાત્રોમાંથી નખશિખ કાલ્પનિક એવી સુધા ક્યાંથી અવતરી કાગળ પર એ આજે પણ મારા માટે આશ્ચર્યનો વિષય બની રહ્યો છે. ‘નિરસન’ વાર્તા મને એક સમાચારે આપી. મેં જાણ્યું કે એક સંભ્રાન્ત મહિલા એના એક ગૃહસ્થ મિત્રને સાક્ષાત્ શિવનો અવતાર માનીને પૂજે છે. મારા માટે એ પ્રશ્ન ન હતો કે એ ગૃહસ્થ ખરેખર શું છે? અથવા આવી શિક્ષિત મહિલા આવું કઈ રીતે વર્તી શકે? પ્રશ્ન એ હતો કે એ ગૃહસ્થની પત્ની શું અનુભવતી હશે? એની નિયતિ શું? સ્વજનની વિદાય પછી ઘણી વાર થાય કે એની સાથે પારદર્શી સંવાદ ન થઈ શક્યો. એક પસ્તાવો, એક કસક ‘આંતરસેવો’ વાર્તાનું બીજ બની આવ્યું. એક વખત એવું બન્યું કે માર્ગદર્શન લેવા આવેલી યુવતીની સમસ્યા કુદરતે જ દૂર કરી દીધી. પણ મને પ્રશ્ન થયો કે જો કુદરત એની વહારે ન આવી હોત તો? ‘દહેશત’ વાર્તામાં મેં મારી રીતે ઉત્તર શોધવાનો પ્રયત્ન કર્યો, અલબત્ત વાર્તા સ્વરૂપે! ક્યારેક વાર્તા ધારી કંઈ હોય અને લખાય ત્યારે કંઈક જુદું જ રૂપ ધારણ કરી બેસે! ‘મંગલસૂત્ર’ની પુષ્પા તો મને મધ્યપ્રદેશના મહેશ્વરમાં કૌશલ્યા રૂપે મળેલી. દિવાળી નજીક આવતી હતી. હાથશાળ સોસાયટીમાં શાળ પર બેઠેલી કૌશલ્યાના જમણા હાથના અંગુઠાનું નૈયું પાક્યું હતું. દીવાલ ધોળતાં ચૂનો અંગુઠામાં પેસી ગયો હતો. કૌશલ્યાની ફાટેલી સિન્થેટિક સાડી અને શાળ ઉપર એના દ્વારા ગુલાબી અને સોનેરી તારે વણાઈ રહેલી કિંમતી સાડી! બહાર નીકળી ત્યારે કૌશલ્યાની જોડે ‘નૈયું’ શીર્ષક સાથે વાર્તા પણ આવી હતી. પરંતુ, જ્યારે લખવા બેઠી ત્યારે એ ઉત્તરભારતની પુષ્પા, પરપ્રાંતથી ગુજરાતમાં આવીને વસતા પરિવારોની સ્ત્રીઓના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંઘર્ષની વ્યાપક અભિવ્યક્તિ બની ગઈ. નિમિત્ત એક અને એની સર્જનાત્મક અભિવ્યક્તિ જુદી. ગાંધીનગરથી અમદાવાદના રસ્તા પર આજે જ્યાં ડી માર્ટ નામનો મોલ છે ત્યાં મેં અને હર્ષદ વરસાદમાં ભીંજાતું ઠુંઠું વૃક્ષ જોયેલું. હર્ષદે કવિતા લખી ને મેં ‘તાવણી’ વાર્તા. અનેક વિપરીત સંજોગો સાથે ઝઝૂમતી વ્યક્તિની જિજીવિષાનો સ્ત્રોત ક્યાં અને કેવો હોઈ શકે? ‘તાવણી’માં યજમાન અને ગોર બંનેનો સંઘર્ષ સાથોસાથ ચાલે છે. પ્રવાસ માટે અત્યંત તીવ્ર કહી શકાય એવી મારી આસક્તિ છે. અંગત જીવનમાં મેં પ્રવાસ કરવા માટે જ નોકરી લીધેલી. મારી વાર્તાઓનાં પાત્રો એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરતાં કરતાં પોતાનું મનોજગત ખોલતાં હોય છે. આ યાત્રા અંદર-બહાર બંનેની છે. વહેતા સમયને શબ્દમાં બાંધવાનો પડકાર મને ગમે છે. સ્થળનાં સ્થૂળ વર્ણનો મને સંકેતાર્થ સુધી લઈ જાય છે. વાર્તા લખતી વખતે જાણે હું નજર સામે ભજવાતાં દૃશ્યો આળેખતી હોઉં છું. પણ મારે કહેવું જોઈએ કે વાર્તા લખતી વખતે કોરા કાગળનો આતંક ન જીરવાતાં લખવાનું છોડી દેવાનું મન થાય. જાતને ખોડવી પડે. વારંવાર લખવું પડે. લખેલું ફાડી નાખવાની નિર્મમતા દાખવવી પડે. પહેલા અને ત્રીજા ડ્રાફ્ટ વચ્ચે આભ જમીનનું અંતર પણ હોય! કાટ-છાંટ, મૂંઝવણ ને મથામણ પછી જ્યારે ‘વાર્તા’ થાય ત્યારે કેવળ પ્રસન્નતા! વાર્તાકાર મિત્રોમાં કિરીટ દૂધાત, બિપિન પટેલ, અજિત ઠાકોર, યોગેશ જોષીનો આભાર માનું છું. આ વાર્તાકાર મિત્રોના સાન્નિધ્યમાં વીતેલા એ વાર્તામય દિવસોમાં ‘પરિષ્કૃત વાર્તા’નો પિંડ બંધાતો હતો, તો ક્યાંક વાર્તાનું વળું બદલાતું હતું. આજે એ સમયના ઇતિહાસમાં એકાદ પંક્તિ ઉમેરતાં આનંદ અનુભવું છું. આદરણીય ભોળાભાઈ પટેલ સતત વાર્તાસંગ્રહની ઉઘરાણી કરતા રહ્યા છે. અહીં એમનું સ્મરણ થાય છે. ડિવાઈન પબ્લિકેશન્સના અમૃતભાઈ ચૌધરી તો એ વાર્તાશિબિરના સાથી પણ ખરા! આ વાર્તાસંગ્રહના પ્રકાશન માટે એમના ઉમળકા બદલ આભાર.

તા. ૧૮/૯/૨૦૦૯
બિન્દુ ભટ્ટ