બાંધણી/નિરસન


૯. નિરસન

બસ એક આંચકા સાથે વળી અને હું ઝબકી ગઈ. આગલી સીટના સળિયા પર હાથની પકડ બરાબર હતી. તંદ્રામાં પણ સતત સભાન કે ક્યાંક ડોલી ન જવાય! ઝોકાં ખાતાં ડાબે જમણે ત્રાજવાં જેમ ડોલતું માથું કે ઊંઘમાં ખૂલી મોંફાડ... આ દૃશ્યમાં જાતને મૂકવાના વિચાર માત્રથી વરવરાટી થઈ આવી! પણ આજે જરા તંદ્રા જેવું... આમ તો બસમાં ભાગ્યે જ ઊંઘ આવે. પરંતુ આજ સવારના પાંચથી યુદ્ધના ધોરણે દોડાદોડ કરવી પડી છે. તે આંખનું મટકું મારતાંય સાત-પાંચ થઈ જાય છે. કૉલેજમાં ડિપાર્ટમેન્ટના હેડ, મનોવિજ્ઞાન મંડળના સેમિનારમાં ગયા છે પ્રિલીમનરી પ્રેક્ટિકલ પરીક્ષા પતાવવાની, ઘર અને દાદાજીની વ્યવસ્થા કરવાની અને બિટ્ટુને સ્કૂલેથી લઈ બસ પકડવાની... બસ ઊપડ્યા પછી પણ છેક ચોટીલા આવ્યું ત્યારે કંઈક હાશ થઈ. સવારથી ઘીરે ધીરે ગંઠાતો થાક હવે નવરાશ મળ્યે શરીરના ખૂણે ખૂણે પ્રસરવા લાગ્યો છે. થાય છે આ હાથ-પગ ધડ, માથું બધું ફોલ્ડિંગ હોત તો ક્યાંક ખીંટીએ વળગાડી ઘડીભર ફોરી થઈ જાત! પણ ગાભાની ઢીંગલીની જેમ જાતને ખોડીને બેઠી છું—ને ખોડાઈ રહેવાના પ્રયત્નમાં કળતર બેવડાઈ રહ્યું છે. એક બાજુ ઑગળવાની પ્રક્રિયા ને બીજી બાજુ ગંઠાવાની, અજબ કશ્મકશ છે. જોને છેલ્લા એક વર્ષથી નથી આ ગૃહસ્થીની હોડીને હવાને હવાલે કરી શકાતી કે નથી ક્યાંક કાયમ માટે નાંગરી શકાતી! ના, વિચારવાનોય થાક લાગે છે. આમ જ થાકીને જાતને વધુ વિચારતી રોકું છું અને દરેક વખતે ક્ષણેક દબાયેલો વિચાર ફરી ફરીને દરમાંથી મોં બહાર કાઢે છે. એને લબકારા લેતી જીભને જોતાં જ જાત આમતેમ ડાંફોળિયાં મારવા માંડે અરે! આ વાદળાં ક્યાંથી? આમ અચાનક! માવઠું થશે કે શું? એક તો શિયાળો ને વળી માવઠું... વિચારતાં જ આ મેલખાયા અજવાળાનો ભાર લાગવા માંડયો. લાવ બિટ્ટુને ઉઠાડું? પણ એના જાગવાથી આ અમૂંઝણ આઘી જશે? ભલે સૂતો. હમણાં જ જંપ્યો છે. એના કપાળ પર આ ફરફરતી લટ! શેખરની જેમ જ એ સરખી કરે. આજે એ બસસ્ટેન્ડે નહિ આવી શકે. આખો દિવસ એનાથી પળવારેય ચસકાય એવું નથી. આજે એની પીએચ.ડી ની પહેલી વિદ્યાર્થિની અને હવે તો કલિગ એવી અપર્ણાનો આખરી જંગ, વાઈવા છે. જોકે આ બધું તો કર્મકાંડ જેવું જ હોય છે પણ શેખર માટે અને અપર્ણા માટે વિશિષ્ટ દિવસ છે. હા, મારા માટે પણ ખરો! ક્યારેક અર્ધી સેકન્ડ માટે ય કશુંક ડોકાઈ જાય છે. શું આ અનુબંધ નિર્વ્યાજ હશે? હું શા માટે આવું વિચારું છું? લોકોની જાતજાતની વાતો વચ્ચે અપર્ણા છેલ્લા એક વર્ષથી શેખરની જે સંભાળ લે છે એ જોતાં મને આવું ન થવું જોઈએ પણ... ગયા વર્ષે ભવનાથના મેળામાં જે બન્યું... આજે એ દિવસો યાદ આવતાં થથરી જવાય છે. શિવરાત્રીના ત્રીજા દિવસે બપોરના બારે અપર્ણાનો ફોન આવ્યો. ‘સાહેબની તબિયત બરાબર નથી તમે તાત્કાલિક આવી જાવ.’ અરે, પણ એણે શિવરાત્રી પહેલાં તો પત્ર લખેલો કે આ રજામાં ઘેર નહિ આવે. મિત્રો સાથે ભવનાથના મેળામાં જવાનો છે. મને થયું એ નવા વાતાવરણમાં ગોઠવાતો જાય છે. સારી વાત છે. એક તો યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરના ઇન્ટરવ્યૂમાં પોલિટિક્સને કારણે મળેલી નિષ્ફળતા અને ઉપરથી આવી પડેલી વણજોતી ને વણમાંગી ટ્રાન્સફર! લાગે છે, એ હતાશામાંથી કંઈક બહાર આવી રહ્યો છે. પણ એનો તો કોઈ નવો જ અવતાર થયો હતો! મિત્રોથી છૂટો પડેલો શેખર મેળાના બીજા દિવસની સાંજે ક્યાંક જંગલમાંથી મૂર્છિત મળી આવેલો, પૂરા બાર કલાકે ભાન આવેલું. આખું અઠવાડિયું એની પાંગતે એ ખાય, પીએ, ઊંઘે બધું કહ્યા પ્રમાણે કર્યા કરે પણ એક અક્ષરેય બોલે નહીં. ક્યારેક એની આંખમાં આંખ પરોવી વાત કરું પણ એના સપાટ ચહેરા પર પાછલા પરિચયનું એકે ચિહ્ન નહીં. દાદાજી અને બિટ્ટુને કારણે વધુ રોકાવાય એમ ન હતું. થયું સાથે લઈ જઉં. પણ કેટલુંય સમજાવ્યા છતાં એક જ વાત. ના, ના, ને ના. છેવટે અપર્ણાએ કહ્યું. મેડમ તમે થોડા દિવસ જઈ આવો. હું સાચવીશ.’ એક પળ મને અપર્ણાની ઈર્ષા આવેલી. એની જેમ હું એકલી હોત તો! પછી દર ત્રીજા દિવસે અપર્ણાના પત્રો આવતા. શેખરે પૂરા બે મહિને જગત સાથેના અબોલા તોડ્યા. અપર્ણાના અક્ષરોમાં એનો પત્ર મળેલો. કેટલાય દિવસ સુધી એ ચચરાટ ગયો ન હતો. પણ અપર્ણાની સેવા અને ધીરજ કેમ ભૂલાય? આ સમયમાં નજીકના સ્વજનો પણ દરેક સંબંધને વટાવે છે ત્યાં આ સમર્પણ... જોકે અપર્ણા ઘણી વાર કહે છે કે જો તમે અને સાહેબ ના હોત તો મેં અચૂક આત્મહત્યા જ કરી હોત! તો શું આ ઋણમુક્તિનો સ્વાભાવિક ભાવ જ હશે કે બીજું કાંઈ? ખબર નહિ, કેમ આજે મારું મન વારંવાર એ આળી જગ્યાને અડકી બેસે છે. જાણું છું, વળી ભણેલી નોકરી કરતી સ્ત્રી તરીકે સ્ત્રી-પુરુષના સહજ મૈત્રીભર્યા સંબંધોને સ્વીકારું છું. પ્રમાણું છું. દિવસનો મોટો ભાગ સાથે – સાથે રહેતા સહ કર્મચારી વચ્ચે આત્મીયતા ના હોય તો જ નવાઈ? પણ ખબર નહીં હમણાંથી શેખર અને અપર્ણાની બાબતમાં આ વાત સોએ સો ટકા સ્વીકારતાં મન ખચકાય છે. શું આ મનનું કારણ માત્ર હશે? કે પછી સ્ત્રીસહજ એવી બીક? ના, સાવ એવું તો નથી. જો ને અપર્ણાની પીએચ.ડીની પાર્ટી માટે જવાનો મને ઓછો ઉમળકો છે? અને એય ખરી હોશીલી છે જૂનાગઢથી સુરેન્દ્રનગર નિમંત્રણ આપવા આવી! મેડમ તમારે તો ચોક્કસ આવવાનું છે. જો તમે નહીં આવો તો માનીશ કે એટલી મારી શ્રદ્ધ ઊણી.’ ‘અરે બહેન, શ્રદ્ધાને બદ્ધા એવું બધું તો ઠીક. તું તો જાણે જ છે કે અમે પહેલેથી જ ગુરુડમનો વિરોધ કરીએ છીએ. તું તો અમારી સરસ મિત્ર છે.’ એની જોડે એક એમ.એસસી.ની વિદ્યાર્થિની પણ હતી. શું નામ હતું.. હું, મૈત્રી. આવતીકાલ એમનો વિદાય સમારંભ પણ છે શક્ય છે આવતા સત્રમાં શેખરની પાછી સુરેન્દ્રનગર બદલી થઈ જાય. આ ઊભડક ઊભડક અને હવે તો લગભગ પડતર એવું દામ્પત્ય...

***

ફરી એક આંચકો અને બસ વળી. અરે આ શું? એકદમ ઉજાસ ઉજાસ! બારીમાંથી જોયું તો નજરમાં ગિરનાર. અચ્છા તો અત્યાર સુધી એ સામે હતો. અને હવે સાથે. હવાઈ ગયેલા સૂર્યથી મુક્ત મારા મને ચકલીની જેમ પાંખો પહોળી કરી અજવાળામાં નાહી લીધું અને ફરર જઈ બેઠું ગિરનારની ટોચે. ગિરનાર, દૂરથી કોઈ જટાળા જોગીનું વિરાટ શિલ્પ. ગહન સમાધિમાં લીન નેત્રો પર છાયો કરતી ગાઢ વનરાજીની ભ્રમર, નાની સુની ટેકરી જેવું તીણું નાક, અને પથરાયેલા ઉબડખાબડ શિલાખંડોમાં ફરફરતી દાઢી... ‘બિટ્ટ, ઊઠ તો તને ગિરનાર બોલાવે.’ આંખો ચોળતાં-ચોળતાં કહે- ‘હે મમ્મી, આ સાચ્ચે જ ગિરનાર છે? તો તો પછી અહીં મોટાં મોટાં જંગલ, અંધારી ગુફાઓ અને મોટી મોટી જટાઓ અને મોટી મોટી દાઢીવાળા સાધુઓ હોય! ને એ મમ્મી, એમને તો વાઘનીય બીક ના લાગે અને મમ્મી એ સાધુ તો તમે માંગો એ તમને આપે બોલ?’ હસવું ખાળતાં મેં કહ્યું. ‘પણ તને કેવી રીતે ખબર?’ પપ્પાએ કીધું. તું ભૂલી ગઈ? એમને પેલા એક હજાર વર્ષના સાધુ નહોતા મળ્યા? મેં શેખરને ખાસ ચેતવ્યો હતો. હું નહોતી ઈચ્છતી કે બિટ્ટુનું બાળમાનસ આવી મોંમાથા વગરની અંધશ્રદ્ધાથી ભરેલી વાતમાંથી કથારસ પણ લે. પણ શેખરને આજકાલ કોઈનીય ક્યાં પડી છે!

***

અચાનક આંખ ખૂલી ગઈ. ઓશીકા નીચેથી ઘડિયાળ કાઢી. નાઈટ લેમ્પના અજવાળામાં જોયું. સવારના સાડા ચાર. ક્યાંકથી કશાક મંત્રોચારનો ધીર ગંભીર અવાજ સંભળાયો. મારી બાજુમાં બિટ્ટુ નિરાંતે ઊંઘતો હતો અને સામે શેખરનો પલંગ ખાલી હતો. ક્યાં હશે? ગઈ કાલે સાંજે તો ભોજન સમારંભ અને મોડી રાતની વિચાર ગોષ્ઠીઓ. જોકે થાક અને બિટ્ટુને કારણે હું વહેલી સૂઈ ગઈ હતી. હતું કે શેખર રૂમમાં આવશે ત્યારે જગાડશે. લગભગ ત્રણ મહિને નિરાંતે મળીશું. હમણાં તો શનિ-રવિમાં પણ નથી આવતો. કંઈ ને કંઈ વ્યસ્તતા. કે પછી વિરક્તિ? આમ તો સામાન્ય રીતે દૂર રહેવાથી નિકટતા વધતી હોય છે... કે પછી આંખથી અદીઠ એ... હવે તો બેમાંથી ગમે તેની બદલી થાય તો સારું. આંખ ઊઘડી ગઈ છે પણ શરીર ઊઠવાની ના પાડે છે. શેખર આવશેની રાહમાં ઊંઘેય છૂટક છૂટક આવી. ઊંઘ, આંખ ઊઘડતાં છીપ ને મીંચતાં પરપોટો! શું એને મારામાં રસ નહીં પડતો હોય? કે પછી... આજની તારીખે એના ચહેરા પર કોઈ સગપણનાં સગડ કેમ મળતા નથી? ઊલટાનું એમ લાગે કે કોઈ રહસ્યમય લિપિમાં સતત એના ચહેરા પર કંઈક લખાય છે ને ભૂંસાય છે. ના, એ કોઈના પ્રેમમાં તો નથી, મને લાગે છે એની દિશા જ ક્યાંક ફંટાઈ ગઈ છે. ગઈ દિવાળીના વેકેશનમાં આવ્યો ત્યારે એને પાછો લાવવાનો મારો મરણિયો પ્રયત્ન હજી ઘા બનીને દૂઝે છે. આવ્યાંને અઠવાડિયું થઈ ગયું પણ એ હજી પહોંચ્યો જ ન હતો. આ પહેલાં તો એ વચ્ચે વચ્ચે મારામાં ડોકિયું કરી જાય. એની કર્મકાંડની ઔપચારિકતા ઘસરકો કરી જાય પણ એની અન્ય મનસ્કતા જોઈ જતું કરતી. એક દિવસ થયું, લાવ ઢંઢોળું, સાદ કરું, ભૂલું પડેલું એનું મન એમ કરતાં ય પાછું વળે. એના પ્રવાસી મનમાં આ માળાનાં તણખલાં ખળભળે? એ ભાઈબીજની રાત હતી. બિટ્ટુને દાદાજી પાસે સુવડાવી હું રૂમમાં આવી. શેખર આંખો બંધ કરીને પડ્યો હતો. એના શરીર પર એક માત્ર લૂંગી હતી. મે નાઈટ લેમ્પ હોલવી નાખ્યો. ઓસરતા અજવાળામાં એની ઊઘડતી આંખ દેખાઈ. મેં ધીરેથી એના પગમાં તળિયે આંગળી ફેરવી. એ પડખું ફરી ગયો. ઊભા થઈ મેં મારા વસ્ત્રો ઉતાર્યા. પથારીમાં એની પાસે લંબાવ્યું. મારી આંગળીઓ, હથેળીઓ અને જીભ ધીરે ધીરે એને ફંફોસવા લાગ્યા. એ સ્થિર રહ્યો મેં એની પીઠ પર મારા સ્તન ચાંપ્યા. એ સ્થિર રહ્યો. મને સમજાઈ ગયું કે એને જાગવું નથી. બીજી જ પળે ખબર નહીં કેમ પણ મારા પર એક જીદ સવાર થઈ ગઈ અને હું નીકળી પડી એનો કિલ્લો સર કરવા! એક ઝાટકે મેં એને સન્મુખ લીધો અને કરવા માંડી ઑકળીઓ એના શરીર પર. એના સુક્કા હોઠ અને બંધ આંખોનો પડકાર ઝીલતી હું તૂટી પડી એના પર એના કોટ, કાંગરા, બુરજમાં સુરંગ કાઢતી છેલ્લે જઈ પહોંચ્યા મારા હાથ ભોગળ પર એનું છેલ્લું કવચ પણ ખરી પડ્યું. હું સર્પદંશ ઝીલવા ઝૂકી અને એ એકદમ બેઠો થઈ ગયો. ઊભા થઈ મને ઊંચકી લીધી. સહજ ટેવવશ મારા હાથ એના ગળે વીંટળાઈ ગયા. બંધ આંખે મારા હોઠ એના ઝૂકી આવતા ચહેરાની રાહ જોતા હતા. ખટ અવાજ ને અચાનક મેં જોયું, અમે બાથરૂમમાં હતા. એણે મને નીચે ઉતારી હું પૂતળીની જેમ ખોડાઈ ગઈ. એણે શાવર ચાલુ કર્યો અને પોતે બારણું પછાડતો નીકળી ગયો. એ પછી મેં મારો બેડરૂમ જુદો કરી લીધો. તો પછી આજે કેમ એની રાહ જોતી હતી? ક્યાંક કશુંક ઊંડે ઊંડે ઘરબાયેલું હશે નહીંતર.... મેં બાજુના રૂમમાં જઈ જોયું. શેખર ખુલ્લા શરીરે સફેદ ધોતી પહેરી બેઠો હતો. એના હાથની માળાના મણકા એક પછી એક સરતા હતા અને એના અધખુલ્લા હોઠમાંથી કોઈ મંત્ર જાપ! એ મારાથી દસ જ ડગલાં દૂર હતો પણ છેટું તો એક આખા જનમનું પડી ગયું હતું. હું પછી પથારીમાં પડી.

***

મને ઘેર પહોંચ્યાને પૂરા બાર કલાક થઈ ગયા છે પણ હજી જીવનો હાંફ ઊતરતો નથી. એક શ્વાસે જાણે દોડી છું. છેક જુનાગઢ થી સુરેન્દ્રનગર. કોઈ અજાણ્યો ઓથાર વળગી પડ્યો છે મને પગથી માથા લગ. મેં જે જોયું છે, સાચું માની શકતી નથી. ના, ના એ બધું મેં નથી જોયું એ તો સ્વપ્ન હતું. મારી આંખ દાદાજી કે બિટ્ટુનો સામનો નથી કરી શકતી. કોઈ ભૂતપ્રેતને જોઈ છળી ઊઠે એમ હું મુઠ્ઠીમાં જીવ લઈને નાસી આવી છું. ચ્હાના કપમાં ખાંડ ઓગાળતા મારા હાથ ચમચી હલાવ્યા કરે છે. દાદા શેખરના ખબર પૂછે છે. મારી નજરે શ્વેત સ્ફટિક આરસના મંદિરમાં શ્વેત આરસની મૂર્તિ બનીને બેઠેલો શેખર તરવરે છે. એના આસન સામે ધૂપ, દીપ, નૈવેદ્ય અને આશીર્વાદની મુદ્રામાં ઊઠેલો એનો હાથ એની પાસે ભક્તોને દોરી લાવતી અપર્ણા. ધન્ય થયા અને ધન્ય કર્યાના ભાવથી મગરૂર એનાં ડગલાં! મને થાય છે, ભલે આ મંદિર મંડપ બની જાય અને આ દીપ લગ્નવેદી હું શેખર અને અપર્ણાને ... મને કોઈ ગેબી અવાજ સંભળાય છે. શેખર કહી રહ્યો છે. ‘તમે જાઓ ચિંતા ન કરો. તમારાં સઘળાં કષ્ટ મેં, એટલે કે ભગવાને લઈ લીધાં છે. ભગવાન મારાથી જુદો નથી.’ એ બોલે છે ને મને થાય છે હું માથું ફોડું. વાળ પીંખું. કપડાં ફાડું, બજાર વચ્ચે ઊભી રહી જોર જોરથી ચીસો પાડી કહું, ‘ના, ના આ ભગવાન નથી. અરે. તમે સાંભળો આ તો મારો પતિ. મારા બિટ્ટુનો બાપ શેખર છે. અરે દાદાજી...’ મને કોઈ સાંભળતું નથી હું બાથરૂમમાં શાવર નીચે ઊભી છું. મારા બેડરૂમના અવકાશમાં માદળિયાં અને મંત્રો ચકરાવા લઈ રહ્યાં છે. કંઈ કેટલાય હારેલા, થાકેલા, કણસતા, તરફડતા ચહેરાઓની કતારોની કતારો મારા ઘરમાં ઘૂસી આવી છે. કોઈના કરગરતા હાથ, કોઈની ઓગળતી આંખો ને કોઈના થરથરતા હોઠ... ડોરબેલ વાગે છે. હું ઝબકી જાઉં છું. બિટ્ટુ મારા હાથમાં ટપાલ મૂકે છે. મારી બદલી જુનાગઢ થઈ ગઈ છે. દાદાજી પૂછે છે. ‘શું છે?’ હું એમને ટપાલ આપી ઊભી થઈ જાઉં છું.

( વિ )

***