બાબુ સુથારની કવિતા/હું ઊભો રહ્યો

૩૦. હું ઊભો રહ્યો

હું ઊભો રહ્યો. જોઉં છું તો ગામને ઝાંપે જ માણસોની એક લાંબી લાઈન લાગી હતી, ત્યાં કેટલાક માણસો ટેબલ અને ખુરશી લઈને બેઠા હતા. મેં જોયું: એ બધા માણસો આમ જુઓ તો માણસ જેવા અને તેમ જુઓ તો માણસ જેવા ન’તા લાગતા. જે લોકો માણસ જેવા ન’તા લાગતા એ બધાને નાકની જગ્યાએ નાગને હોય છે એવી ફેણો હતી. એ ફેણો ઘડીકમાં પ્રસરતી તો ઘડીકમાં સંકોચાતી. હું ત્યાં ઊભો રહીને એ લોકો શું કરે છે એ જોવા લાગ્યો. પેલી લાઈનમાં ઊભા રહેલા માણસો એક પછી એક પેલા માણસો પાસે આવી એમની આગળ મૂકેલા ટેબલ પર સૂઈ જતા હતા. પછી, પેલા માણસો એ માણસને કશાકનું ઈન્જેક્શન આપતા હતાં. મેં કુતૂહલવશ એ લાઈનમાં ઊભા રહેલા એક માણસને પૂછ્યું: “તમે અહીં કેમ ઊભા છો?” પેલાએ કહ્યું: “અમે સર્જકો છીએ.” મેં કહ્યું: “હું પણ સર્જક છું.” “તો તમે પણ લાઈનમાં આવી જાઓ.” એણે કહ્યું. મેં પૂછ્યું: “શા માટે?” એણે કહ્યું: “એ લોકો તમામ સર્જકોને નૉર્મલાઇઝર નામની નવી દવાનાં ઇંજેક્શન આપી રહ્યા છે.” મેં ટ્રાન્કિલાઇઝરનું નામ સાંભળ્યું હતું, પણ નૉર્મલાઇઝરનું નામ આ પહેલાં કદી પણ સાંભળ્યું ન હતું. મેં એને પૂછ્યું: એ દવા શું કામ કરે? એ માણસ જરા મલકીને બોલ્યોઃ “એટલી ખબર નથી તમને? એ દવા લીધા પછી બધા જ સર્જકો રાજ્યને ગમે એવું એક સરખું સાહિત્ય સર્જે.” “ના તો મારે એ દવા નથી લેવી” એવું કહીને હું ત્યાંથી ચાલવા લાગ્યો ત્યાં જ આકાશવાણી થઈઃ “હવે કોઈને આ દવાનાં ઇંજેક્શન લેવાની જરૂર નથી, હે સર્જકો, તમે તમારે ઘેર જાણો.” કેટલાક સર્જકો આ આકાશવાણીથી નિરાશ થઈ ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યાઃ “હવે આપણું શું થશે?” તો કેટલાક રાજી થઈ એકબીજાને કહેવા લાગ્યાઃ “હવે સર્જકતાનાં પૂર આવશે.” મને પણ હાશ થઈ, ત્યાં જ આકાશવાણી આગળ ચાલીઃ “વૈજ્ઞાનિકોએ સૂરજનાં કિરણોનો ઇંજેક્શન તરીકે ઉપયોગ કરવાની રીત શોધી કાઢી છે. હવે તમે ઘરની બહાર નીકળશો ત્યારે તમને જેમ તડકામાંથી વિટામિન ડી મળે છે એમ સતત નૉર્મલાઈઝર મળતું રહેશે.
હું મારી જાતને સૂરજથી બચાવવા દોડવા લાગ્યો.
(‘ઉદ્વેગ’ માંથી)