બારી બહાર/૧૨. દરિયાને



૧૨. દરિયાને

હો દરિયા-ફરીર !
આ રે કાંઠે ગાતો, ગાવા જાતો પેલે તીર.

સૂરજ આવે, ચાંદો આવે તારાની ય જમાત,
વાદળ આવે, આવે છે ત્યાં રાત અને પરભાત,
સાંભળવાને ધૂનો કેરી તારી મસ્ત લકીર, હો દરિયા.

કીરતિ કેરા કામણથી મારા મનજી પોઢયા’તા;
ધનના ધામે મનજી મારા સુખથી રે’તા’તા:
કામણ છૂટે, ધામ એ તૂટે, દોડે મારા પ્રાણ,
–બોલે એ તો, મારું મારું મારું છે એ ગાન !
–દોડે એ તો, ઝાલ્યા રે’ ન લગીર, હો દરિયા.

પ્રાણને મારા શીખવજે તું તારાં કોઈક ગાન !
દેજે એને જગ ભૂલવતી ધૂન એકાદી, વીર ! હો દરિયા.