બારી બહાર/૨૭. આજ


૨૭. આજ

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ…

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
હેકતી આવતી શી સુગંધી! આજ…

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી? આજ…

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું,
હિરણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર? આજ…