બારી બહાર/૪૧. અતિસુખનું દુઃખ


૪૧. અતિસુખનું દુઃખ

અંતર ભરપૂર :
દેવે દીધું મને માગ્યું જે જીવને,
તોય કાં આકુળ ઉર ?
રૂપરાશિ મમ અંગે અંગ;
છલકતા ઉર સુખતરંગ;
ધનવૌભવ સકલ સંગ
શાના આ કરુણ સૂર ? અંતર.
અંતર ભરપૂર !
નવીન કાજે કદી નહીં હવે ઉર થશે આતુર ?

નહીં કામના કદી ય જાગે ?
નહીં અંતર કશું ય માગે ?
વર દઈ, મમ ઉર ભરી,
મને ધરણીથી કરી દૂર ! અંતર.