બારી બહાર/૪૯. હૈયાની પકડ


૪૯. હૈયાની પકડ


એક નાનકી મારી વાત, સાંભળજિ, બન્ને ઓ હાથ !
હૈયાને જે ગમિયું તેને નહીં ભરતા જઈને બાથ.

ભોળા, જે ગમિયું હૈયાને, તેને તે લાવી દેવાને
હરખે ધાઓ છો, લાવો છો, ચાંપો છો છાતી સંગાથ :
અજાણ પણ છો, કેટકેટલું ગુમાવતા ભરતાં એ બાથ !

એવી અજબ પકડ છે ઉરની, છૂટવાની બારી કો રે’ નહીં;
પકડ તમારી પાંખડીઓની, ને એની છે ખુશબોની.

પાંખડીઓ કરમાઈ જાયે, મળી જાય માટીની સાથ :
ઝાલેલી ખુશબો હૈયાએ, રહી જતી એની સંગાથ.