બારી બહાર/૫૨. વાંછા
શબ્દની હોડલી કોઈ જ્યારે નથી
લઈ જવા ભાવનો ભાર મારો,
સ્મિત તણાં રશ્મિઓ દાખવી ના શકે
ઉર તણો ભાગ જે એક ન્યારો,
–દેહ નાને લઈ ભાવના ભારને
અંતરે ઊઠતું એક આંસુ;
નેનના નીરના એક એ કિરણમાં
ઊજળું હૃદય આખું ય થાતું.
સર્વ અર્પણ તણો ભાવ એ નેનના
નીર માંહી વહે ભિક્ત કેરો.
પ્રેમીનો પ્રેમ, કારુણ્ય સંતો તણું,
લઈ જતો અશ્રુનો એક રેલો.
મૂક થાઉં, સહુ શબ્દ જાઉં ભૂલી,
સ્મિત તણાં તેજ કો દી બુઝાયે;
કિન્તુ જે અશ્રુમાં હૃદય મારું વહી
ચરણ તારે જતું : ના સુકાયે.