બારી બહાર/૫૬. કોકિલ બોલે છે


૫૬. કોકિલ બોલે છે

બોલે છે, બોલે છે રે, વનમાં કોકિલ બોલે છે;
ના, નહિ ના, નહિ વનમાં : મોર મનમાં બોલે એ, કોકિલ.
ગુલમહોરની જોઈ પેલી લાલ રંગની જ્યોતિ,
ઝૂમખે ઝૂલે આંબે જોઈ મંજરીઓનાં મોતી,
એનું દિલડું ડોલે રે, કોકિલ.
ટહુકે એના, ધગી ધરાયે લાગે જાણે હસતી,
ઘેરાયે છે એ સૂરેથી એવી કોઈક મસ્તી :
જગ ભીંજે છોળે રે, કોકિલ.
સરવર કેરા જળમાં પેલાં કમળ રહે છે ખીલી;
અગન મહીં આ તુજ ટહુકાનાં પદમ રહે છે ઝૂલી;
એ તો કોઈક નીરખે રે, કોકિલ.