બારી બહાર/૫૮. ચિરતૃષા
સકલ વાદળીઓ નિજ નીરને,
નિત પપિાસુ વહે રણ ઉપરે;
ગહન અંતર વારિ જઈ શેમ,
હૃદય તપ્ત વળી ફરી એ ધરે.
સરી જતી નભ કોઈક વાદળી,
ઝમી જતી જલ ખેતર ઉપરે;
પ્રણયના પ્રતિઉત્તર, ત્યાં ફૂટે,
મૃદુલ અંકુર, ખેતરના હયે.
પ્રિય ! વહે તુજ અંતરવાદળી,
મુજ ઉરે, પણ, અંકુર ના ફૂટે;
નથી નથી મુજ ખેતર શું ઉર :
ચિર તૃષા નવ અંતરની છૂટે.
રણ સમો હુંય છું નિત તપ્ત, ને
ઉરઊંડાણ શમે તુજ નીર એ;
ફરી ફરી મુજ અંતરશુષ્કતા,
તુજ વહે જલ,–એ જ ચહી રહે.