બારી બહાર/૭૪. અદના આદમીનું ગીત


૭૪. અદના આદમીનું ગીત

અદના તે આદમી છઈ એ,
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
ઝાઝું તો મૂંગા રહીએ,
હો, ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
મોટા તે આદમીની વાતું બહુ સાંભળી, રે
જુગના તે જુગ એમાં વીત્યાં;
થાયે છે આજ એવું, નાની શી વાત છે જે
હૈયે અમારે, કહી દઈ એ, હો ભાઈ.
વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા,
ખાણના ખોદનારા છઈ એ;
હોડીના હાંકનારા, મારગના બાંધનારા,
ગીતોના ગાનારા થઈએ,
–હે જી અમે રંગોની રચનાય દઈએ ! હો ભાઈ.
છઈ એ રચનારા અમે છઈ એ ઘડનારા,
તે સંહારની વાતું નહીં સહીએ;
ધરતીના જાયાનાં કાયા ને હૈયાંને
મોંઘેરાં મૂલનાં કહીએ,
–હે જી એને કેમ કરીને અવગણીએ ! હો ભાઈ.
જોઈ એ ના તાજ અમને, જોઈ એ ના રાજ કોઈ;
જીવીએ ને જીવવા દઈએ;
જીવતરનો સાથી છે, સર્જન, અમારો :
નહીં મોતના હાથા થઈ એ,
–હે જી એની વાતું ને કાન નહીં દઈએ ! હો ભાઈ.