બારી બહાર/૮. શું રે કરું હું ?
શું રે કરું હું શીશ નમાવી?–ગર્વથી ઊંચું ઉર રે :
શું કરું સાગર લાવી, દ્રવે જો નેન નહીં નિષ્ઠુર રે?
શું રે કરું બીન બજાવી?–અંતરતાર બસૂર રે;
અંગમરોડ હું કેમ કરું, જો નાચી ઊઠે નવ ઉર રે? શું રે કરું.
વૌભવ આપી શું રે કરું હું, હૈયું જો હોયે રંકરે ?
રૂપ ફૂલોનાં કેમ સમર્પું ?–અંતરે મલિન રંગ રે. શું રે કરું.
શું રે કરું હું દીપ પ્રજાળી, હૈયે નહીં જો નૂર રે ?
વાણીપ્રવાહ હું કેમ વહાવું, જો નહીં પ્રેમનાંપૂર રે ? શું રે કરું.