બાળનાટકો/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય

બાળકો માટે લખેલાં નાટકોમાં શ્રીધરાણીની કવિ તરીકેની શક્તિ અને નાટ્યકાર તરીકેની સૂઝ સુપેરે પ્રગટ્યાં છે. સૌથી પહેલું લખાયેલું ને સ્વતંત્ર પુસ્તિકા તરીકે છપાયેલું ‘વડલો’(દક્ષિણામૂર્તિ ભાવનગર,1931). એમાં વડદાદા ઉપરાંત વિવિધ પંખીઓ અને શુક્ર, મંગળ, ચંદ્ર પાત્રો છે ને એ રીતે એ બાળકોને રસ પડે એવું રૂપકાત્મક ને ભજવણીક્ષમ નાટક છે. એ દિવસોમાં એ ઘણું ભજવાયું હતું ને વખણાયું હતું ‘પીળાં પલાશ’ લોકવાર્તાને આધાર તરીકે રાખતી કાવ્યધર્મી નાટ્યકૃતિ છે; ‘બાળા રાજા’ બાળકોના કલ્પના-મિશ્રિત વાસ્તવલોકને નિરૂપે છે; ‘સોનાપરી’ બાળકના વિસ્મયભાવને કાવ્યશૈલીએ આલેખતી કૃતિ છે. ‘મારે થવું છે’ ઘણી પાછળથી (1956માં) લખાયેલી કટાક્ષકેન્દ્રી પ્રયોગ-રચના છે. ‘વડલો’ પછી ‘પીળાં પલાશ’ સ્વતંત્ર પુસ્તિકા તરીકે પ્રગટ થયેલું. એ પછી ‘સોનાપરી અને બીજાં ત્રણ બાળનાટકો’ 1957માં પ્રગટ થયાં. 2011માં ગુજરાત સાહિત્ય અકાદમીએ શ્રીધરાણીની સર્વ ગદ્ય રચનાઓ ‘ગદ્યસૃષ્ટિ’ નામે પ્રગટ કરી એમાં બાળ-નાટકો પણ એકસાથે છપાયાં. શ્રીધરાણીમાં દૃશ્યાત્મકતાની સૂઝ ઘણી છે પણ એમનાં બાળનાટકો કવિતાની રંગદર્શીતા તરફ વધારે ઝૂકેલાં રહે છે — એ એમની વિશેષતા પણ છે ને સીમા પણ છે. બાળકોને ગમી જાય એવું ભાષારૂપ અને એમાં આવતાં ગીતો, બાળનાટકોના જાણકાર દિગ્દર્શકના હાથે વધુ ભજવણીક્ષમ બને. અલબત્ત, એવા દિગ્દર્શકને એમાં કેટલીક કાટછાંટ તો કરવી પડે.

કેટલીક મર્યાદાઓ હોવા છતાં, બાળ-નાટકોના નર્યા અભાવમાં ઐતિહાસિક દૃષ્ટિએ તો શ્રીધરાણીનું પ્રદાન મહત્ત્વનું ગણાશે. ‘વડલો’ અને ‘બાળા રાજા’ તો ગુજરાતીનાં થોડાંક ઉત્તમ બાળ-નાટકોમાં સ્થાન પામે એવાં છે.

— રમણ સોની