બાળ કાવ્ય સંપદા/એક નાનકડી બસ

એક નાનકડી બસ

લેખક : હેમેન શાહ
(1957)

મુંબઈ નામે શહેર અને એ શહેરના રસ્તા મોટા,
ગાડી, બસ, ખટારાઓના જ્યાં ચાલે હાકોટા.

ફૅટરીમાંથી જેવી આવી બહાર બસ નાનકડી,
ખૂબ ગભરાઈ રસ્તા પરની જોઈ ધમાચકડી.

છોને પોં પોં પીં પીં કરતી પાછળ ટેકસી દોડે,
લાલ રંગની ડબલડેકરો એમ ન રસ્તો છોડે.

એમ થયું કે ડબલડેકરોનો કેવો મિજાસ,
એની સામે પોતાનો તો ક્યાં છે કોઈ ક્લાસ ?

બાજુ પર એ ઊભી રહી ગઈ નાનું મોં લટકાવી,
ત્યાં તો નિશાળમાંથી ટાબરિયાની ટોળકી આવી.

“અરે ! આપણી નવી સ્કૂલબસ ! બૂમ જોરથી પાડી,
સૌ ત્યાં ટોળે વળ્યા અને ભૈ થઈ ગઈ રાડારાડી.

પહેલી વાર જ નાનકડી બસ એંજિન ભરી ફુલાઈ,
હોર્ન ઉપર આનંદના ગીતની પણ બે લીટી ગાઈ.

ત્યારથી નાના હોવાનો ના એને વાંધો કોઈ,
ભલેને ફરતા ડબલ સાઈઝના એનાં કાકા ફોઈ !