બાળ કાવ્ય સંપદા/મોટા મેઘરાજા

મોટા મેઘરાજા...

લેખક : મધુકાન્ત જોશી
(1955)

રાજા છે, રાજા છે, મોટા મેઘરાજા છે, રાજા છે,
આભેથી હેઠાં ઊતરે, મોંઘામૂલા રાજા છે, રાજા છે.

રેલમછેલ, રેલમછેલ, પાણીની રે રેલમછેલ,
વાતો કરતાં વાદળ સાથે વાગે રૂડાં વાજાં છે... રાજા છે...

ધમ્માચકડી, ધીંગામસ્તી, શેરીમાં તો મસ્તી મસ્તી,
ઘરની બા’ર બહાદુર બંકા વીર બાળારાજા છે... રાજા છે...

મોર બોલે, દેડક બોલે, હિચ્ચો હિચ્ચો હૈયાં બોલે,
નદી છલકે, નાળાં છલકે મૂકી મોટા માજા છે... રાજા છે...

સંગે સંગે રંગે ચંગે ચમકે વીજળી રાણી જંગે,
જાણે મોટા ઘરની જાન વાહ રે ભૈ વરરાજા છે... રાજા છે.

વૃક્ષો ડોલે, વન વન ડોલે, ડોલે મસ્ત મજાના રે,
દે દે ચુમ્મા, ચુમ્મા દે દે, કેવા તાજામાજા છે... રાજા છે...

છેલછબીલા, રંગ રંગીલા, રસિક રસીલા,
ખુલ્લં ખુલ્લા, દોસ્ત દુલ્લા મોજીલા એ રાજા છે.... રાજા છે...

મેહુલો રે મોજીલો, અનરાધાર ને અલબેલો,
વરસે વ્હાલો લ્હેરી લાલો લટકાળો એ રાજા છે... રાજા છે...