બીજી થોડીક/વામનાવતાર


વામનાવતાર

સુરેશ જોષી

જમી પરવારીને કાશ્મીરા માંડ આડે પડખે થઈ હશે ત્યાં નીચેથી વિઠુએ બૂમ પાડી: ‘બાઈ, શેઠની કાયતરી પાઠવલા આહે!’ કાશ્મીરા બબડી: એય એવા છે, જરાય જંપવા દેતા નથી! પછી આળસ મરડીને એ ઊઠીને છજામાં આવી ને નીચે જોયું તો હાથગાડીમાંથી મજૂરો કશુંક નીચે ઉતારી રહ્યા હતા ને એને યાદ આવ્યું: આજે જ ઓફિસે જતાં ધનવન્તે એને કહ્યું હતું: ‘આજે હું મુંબઇ જઈને એક ફોટો મોકલાવીશ. તને એ ખૂબ જ ગમશે.’ આ તે ફોટો હશે? આવડો મોટો? નૈનિતાલ ગયાં હતાં ત્યારના ફોટામાંનો એક – જેમાં આંખ પર તડકો આવવાથી કાશ્મીરાની આંખ વિચિત્ર રીતે બીડાઈ ગઈ હતી, ને જેની નીચે ધનવન્તે લખ્યું હતું: ‘મારી પાળેલી બિલાડી’ – ધનવન્તે ખાસ એન્લાર્જ કરાવ્યો હતો. કાશ્મીરાને થયું કે આ તે જ ફોટો હશે. એ અહીં દીવાનખાનામાં ટીંગાડીને જે આવે જાય તેની આગળ એ મારી મશ્કરી ઉડાવ્યા કરશે! કાશ્મીરાએ કૃત્રિમ રોષમાં ગાલ ફુલાવ્યા, પણ એ રોષને તળિયેથી તરત જ સ્મિતનું ઝરણ ફૂટ્યું ને હોઠ પરથી છલકાઈને ગાલ પર એની રતાશ પાથરતું ફેલાઈ ગયું. વિઠુને એણે કૃત્રિમ બેદરકારીથી કહ્યું: ‘ વિઠુ, હું જરા કાન્તાબેનને ત્યાં જઈ આવું.’

વિઠુએ જરા આશ્ચર્ય પામીને પૂછ્યું: ‘ હ્યાલા કુઠે ઠેવાયચા?’ કાશ્મીરાએ ઊતરતાં કહી નાખ્યું: ‘દીવાનખાનાની દીવાલ પર ક્યાંક જગા કરીને ટાંગી દેજે ને!’ ને એ ફોટા તરફ નજર સરખી કર્યા વિના ચાલી ગઈ.

વિઠુએ પોતાની બુદ્ધિ ચલાવીને દીવાલ પર જગા પસંદ કરી. દીવાનખાનામાં પગ મૂકતાંની સાથે જ એ ફોટા પર નજર પડે ને એના મોટા કદને કારણે એ ફોટો જ બીજી બધી છબિને ઢાંકી દઈને આંખનો કબજો લઈ બેસે એવી એ જગા હતી. ફોટો ટીંગાઈ ગયા પછી એને દૂરથી થોડી વાર સુધી વિઠુએ જોયા કર્યાર્ે, ને એ પોતાની પસંદગી પર ખુશ થયો. પણ કાશ્મીરાને આ ખુશખબર એ ઉત્સાહથી આપવા ગયો ત્યારે કાશ્મીરાના મોઢા પરનો ભાવ જોઈને એ સાવ ડઘાઈ ગયો.

કાશ્મીરા દીવાનખાનાના ઉંબર પર પગ મૂકવા જતી હતી ત્યાં એકાએક ક્યાંકથી વીંછીએ નીકળીને ચટકો ભર્યો હોય તેમ એ ઊભી જ રહી ગઈ. આ જોઈને વિઠુને હોઠે આવેલા શબ્દો વણઉચ્ચારાયેલા જ રહી ગયા. કાશ્મીરા સામેના ફોટા પરથી નજર ખસેડી શકી નહીં ને ગારુડીએ મંત્રેલા સાપની જેમ એમની એમ ઊભી જ રહી ગઈ. એ સ્થિતિમાંથી પોતાની જાતને સંભાળી લઈને જ્યારે એણે દીવાનખાનામાં પગ મૂક્યો ત્યારે એ જાણે કોઈકની રજા લીધા વિના ચોરીછૂપીથી પારકાના ઘરમાં પ્રવેશતી ન હોય એવું લાગ્યું. એના મનમાંનો કચવાટ વિઠુ ઉપર રોષ કાઢીને એ ઠાલવવા ગઈ. પણ પેલા ફોટામાંની બે આંખોના અદૃશ્ય અણસારે એને એમ કરતાં વારી હોય તેમ એ ‘વિઠુ’ એટલું બોલીનેજ રહી ગઈ. ને એ ‘વિઠુ’ શબ્દ પણ જાણે નોકરને ઉદ્દેશીને નહીં, પણ પોતે જેની પાસે કૃપાની યાચના કરતી હોય તેવા કોઈને ઉદ્દેશીને બોલતી હોય એવું લાગ્યું. પોતાના અવાજની અંદર રહેલી આ દીનતા જોઈને એ પોતે જ અચરજ પામી. આવી સ્થિતિમાં એ ફરી દીવાનખાના વચ્ચે એમ ને એમ ઊભી રહી ગઈ. કોઈક અજાણ્યા ઘરમાં એ અનપેક્ષિત અનાહૂત આવી પડી હોય, ને એની આકસ્મિક ઉપસ્થિતિને એ ઘરનાં માણસો આશ્ચર્યથી જોઈ રહ્યાં હોય તેમ દીવાનખાનાની બધી વસ્તુઓ એની સામે મોં ફાડીને જોઈ ન રહી હોય એવું એને લાગ્યું; ને ફરી એની નજર પેલા ફોટા પર પડી. ઉપેક્ષિત પ્રત્યે જે દયાભર્યું સ્મિત દર્શાવવામાં આવે છે તેવું સ્મિત એ હોઠ પર હતું. ને એણે જોયું તો ચારે બાજુની બધી જ વસ્તુઓના ચહેરા પર એવું જ સ્મિત હતું. કાશ્મીરાને ત્યાંથી નાસી છૂટવાનું મન થયું. પણ કોઈએ જાણે એકાએક એની સંકલ્પશક્તિનો વળ સાવ ઉતારી નાખ્યો હોય તેવું એને લાગ્યું. આજુબાજુની બધી વસ્તુઓ એની પીઠ પાછળ ઘુસપુસ કરતી હોય એવું કાશ્મીરાને લાગ્યું. ફોટામાંની પેલી બે આંખોએ જાણે એક સંકેત કર્યો ને એ કોઈની દોરવાયેલી ચાલવા લાગી. ફોટાની નીચે આવીને એ ઊભી રહી ગઈ. ફોટાની આટલી નજીક આવીને એણે હિંમત કરીને સ્થિર દૃષ્ટિએ એને જોવાનો પ્રયત્ન કર્યો, પણ પેલી બે આંખોના પ્રતાપથી એની આંખો ઝંખવાઈ ગઈ. એણે ફોટા પરથી નજર ખસેડીને આજુબાજુની પરિચિત વસ્તુ પર નજર કરી. અર્ધા કલાક પહેલાં જ એ જે સોફા પર આડી પડી હતી તેને એણે પરિચિતતાનું આલમ્બન લઈને જોવાનો પ્રયત્ન કર્યો. ને ત્યારે એને લાગ્યું કે આ બધી જ વસ્તુઓ પેલી ફોટામાંની બે આંખોના અણસારાની આજ્ઞાને અધીન થઈને વર્તતી હતી; એ દરેક વસ્તુની મુદ્રા બદલાઈ ગઈ હતી. પેલો ફોટો હવે ફોટો ન રહ્યો. આ ઓરડાની હવાના કણેકણમાં, અસબાબમાં, બધે એ સૂક્ષ્મરૂપે વ્યાપી જવા લાગ્યો. ચારે બાજુથી એના વિસ્તરતા જતા અસ્તિત્વમાં એ ભીંસાવા લાગી. ભીંસાઈને એ નાની ને નાની થતી ગઈ. પાસે પડેલી ટિપાઇના પડછાયાથી પણ નાની! ને એ ગભરાઈ ઊઠી. આ ગભરાટને કારણે જ એ છેલ્લો એક પ્રયત્ન કરી જોવાને તત્પર બની. ત્યાં પાછળથી કામ કરનાર બાઈ ભીખી અને વિઠુ વચ્ચેની વાતચીત એને કાને પડી: ‘ઠસ્સો તો એનો જ!’

‘શેઠ પણ એનો પડ્યો બોલ ઝીલતા.’

‘આ ઘરની ત્યારે જાહોજલાલી જ જુદી હતી!’

આ બધા શબ્દોના ઓરડાને ચારે ખૂણે પડઘા પડવા લાગ્યા. એ બધા પડઘાઓના સંમિશ્ર અવાજની વચ્ચે પોતે અટવાઈ જતી હોય એવું કાશ્મીરાને લાગ્યું. એણે હિંમત એકઠી કરી ને ટિપાઇ પરની પાનદાની લેવા ગઈ. પોતાના ધ્રૂજતા હાથના કમ્પને લીધે કે પછી પાનદાનીએ જ તિરસ્કારથી મોં ફેરવી લેવાનો પ્રયત્ન કર્યો હોય તે કારણે – કોણ જાણે શાથી, પણ એ પાનદાની ઠન્ દઈને અવાજ કરતી નીચે પડી, ને એ અવાજની સાથે આખા ઓરડાની વસ્તુઓનું અટ્ટહાસ્ય ભેળાઈ ગયું. કાશ્મીરાને લાગ્યું કે ધીમે ધીમે આ બધી વસ્તુઓ વધારે ને વધારે જીવતી થતી જાય છે ને પોતાનામાંથી ધીમે ધીમે જીવન ઓસરતું જાય છે. પેલી આંખો એના સ્પર્શના પ્રભાવે હવે થોડી જ વારમાં એને પથ્થરમાં તો નહીં પલટાવી દે ને! આ ખ્યાલથી કાશ્મીરા છળી મરી ને ચીસ પાડવા ગઈ, પણ એના હોઠ ખુલ્લા રહી ગયા. પેલી આંખોના શાપને પરિણામે જાણે એની વાણી તો શિલા થઈ જ ગઈ છે એવું એને લાગ્યું. ધ્રૂજતે દેહે, દયામણી મીટ માંડીને, એ પેલા ફોટામાંની બે આંખોને જાણે મૌનથી વિનવી રહી.

ત્યાં એકાએક એના ગર્ભમાં રહેલો જીવ ફરક્યો. એના સહેજ સરખા સળવળાટથી દર્દનો એક આંચકો એની શિરાઓમાં થઈને પસાર થઈ ગયો. ને એકાએક એને લાગ્યું કે પેલી બે આંખોના શાપની સામે ટક્કર ઝીલવાને જ પેલો જીવ જાણે ફરકે છે, ફરકીને હજારો ધનુષોના ટંકાર એ કરે છે, આથી એના શરીરમાંની નસેનસ ધનુષની તંગ પણછના જેવી બની ગઈ. એના શરીરમાં એક નવી જ અક્કડાઈ આવી. બેવડ વળી ગયેલા મેરુદણ્ડને એણે સીધો કર્યો, ઝૂકી પડેલા મસ્તકને ઊંચું કર્યું, ને ત્યાં ફરી ગર્ભમાંનો જીવ ફરક્યો. ને એને એકાએક આખી વાત નવે રૂપે સમજાઈ. ગર્ભમાંનો એ વામન જીવ પોતાનાં પગલાં નીચે પોતાના વિરોધીને દાબી દેવા તત્પર થયો છે. એણે બે પગલાં તો ભરી લીધાં છે; ને ત્રીજા પગલાના સંચારની રાહ જોતી એ કાન સરવા રાખીને બેઠી હતી ત્યાં ‘કોલબેલ’ રણકી ઊઠ્યો. એના રણકારથી જાણે પરિચિતતાએ ફરી આ ઓરડામાં પદાર્પણ કર્યું. એણે ઊઠીને બારણું ખોલ્યું. ધનવન્તે એને છાતીસરસી ચાંપી લીધી. ધનવન્તના બે બાહુના દાબમાં દબાઈને એ સાવ નહિવત્ થઈ ગઈ. એના કાનની પાસે ધડકતા ધનવન્તના હૃદયના ધબકારામાં એ જાણે ધબકાર બનીને શમી ગઈ ને ત્યાં ગર્ભમાંનો જીવ ફરી સળવળ્યો. ત્રિવિક્રમનું એ ત્રીજું પગલું હતું. એની નીચે બહુ ઊંડે ઊંડે પાતાળમાં ચંપાઈ ગયું ને એણે ગર્વભેર મુખ ઊંચું કર્યું – એની ઉપર ધનંજયની હસતી આંખોના સ્નિગ્ધ છાયા હતી ને એણે ધનવન્તને અણસારાથી દીવાનખાનાના ફોટા તરફ જોવાને સૂચવ્યું. ધનવન્ત એ તરફ જોઈને બોલી ઊઠ્યો: ‘અરે, રેણુની છબી અહીં મોકલાવી? એ તો એના બાપુને ત્યાં મોકલવાની હતી! ને મારી ‘પાળેલી બિલાડી’ એમને ત્યાં ગઈ? એ લોકો એ જોઈને આપણને કેવાં ઘેલાં ગણશે?’

કાશ્મીરા હસીને બોલી: ‘આપણે છીએ જ ઘેલાં ને!’

ધનવન્તે કહ્યું: ‘તો રેણુની છબી મોકલાવી દઈએ ને?’

કાશ્મીરાએ કહ્યું: ‘ના, ના, આ ઘર એનું પણ હતું જ ને?’

ધનંજયે ફરી એને ગાઢ આશ્લેષમાં દાબી દઈને કહ્યું: ‘મારી પાળેલી બિલાડી!’